દાહોદ નગરપાલિકામાં બાકીના અઢી વર્ષ માટે સત્તાની સાઠમારી
પ્રમુખ, ઉપપ્રમુખ સહિત મલાઈદાર સમિતિ મેળવવા સભ્યો ગોડફાધરોના શરણે…
મુખ્ય ચાર ચહેરામાંથી કોઈ એક ની પસંદગી થવાની શક્યતા:પરંતુ આંતરિક જૂથબંધીના કારણે મોવડીમંડળે પણ સમગ્ર પ્રક્રિયા ગુપ્ત રાખી…
દાહોદ તા.23
દાહોદ જિલ્લાની મહત્વપૂર્ણ ગણાતી દાહોદ નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ પદની પ્રથમ અઢી વર્ષની મુદ્દત પૂર્ણ થતા અગામી અઢી વર્ષ માટે પ્રમુખ-ઉપપ્રમુખ પદ માટે પુનઃ પસંદગી કરી નવી નિમણુંક કરવા માટે શાસક પક્ષ તેમજ ભાજપના મોવડી મંડળ દ્વારા ચર્ચા વિચારણા શરૂ કરવામાં આવી છે. ત્યારે આગામી સમયમાં અઢી વર્ષ માટે નિયુક્ત થયેલ તમામ હોદેદારોને પદ મુક્ત કરવાની ફોર્મ્યુલા અપનાવવામાં આવશે.ત્યાર બાદ નવેસરથી દાહોદ નગર પાલિકા પ્રમુખ પદ ઉપપ્રમુખ સહિત વિવિઘ સમિતિઓની રચના કરવામા આવશે..
દાહોદ નગર પાલિકાનુ પ્રમુખ-ઉપપ્રમુખ અને ચેરમેન પદ મેળવવા માટે ગત સમાન્ય ચૂંટણીમાં ભાજપના મેન્ડેડ પર ચૂંટાયેલા પ્રતિનિધિઓએ દોડધામ શરૂ કરી દીધી છે.દાહોદ કમલમ કાર્યાલય અને ગાંધીનગર મઘ્યસ્થ કમલમ કાર્યાલય સુધી પદવાંછુઓના આટાફેરા વઘી જવા પામ્યા છે.તો બીજી તરફ મલાઈદાર સમિતીના અઘ્યક્ષ બનવા માટે પણ કેટલાક પ્રતિનિધીઓએ સ્થાનિક આગેવાનો પ્રદેશ ભાજપ આગેવાનો સાથે ગુપચુપ મુલાકાતે પહોંચી રૂબરૂ મળી આવ્યા હોવાનુ ચર્ચાઈ રહ્યું છે.
દાહોદ જિલ્લામા વિધાનસભાની ચુંટણી પુર્ણ થતા જ દાહોદ નગર પાલિકામા પ્રમુખ પદ મહત્વની સમિતી મેળવવા માટે ચહલપહલ શરૂ થઇ ગઇ હતી.નગર પાલિકામા મહત્તમ બેઠકો પર ભાજપનો વિજય દબદબો યથાવત રહ્યો હતો.તત્કાલીન સમયે ઘીના ઠામમાં ઘી ઠરી જતા પરિસ્થિતિ વણસી ન હતી પરંતુ આગામી અઢી વર્ષ માટે વિવિધ પદ મેળવવા ચૂંટાયેલા મોટા ભાગના નગરસેવકો આશાવાદી છે. માત્ર ચાર ચહેરાઓમાંથી કોઈ એક ચહેરા પર પ્રમુખનો તાજ પહેરાવવામાં આવે તો નવાઈ નહી અઢી વર્ષના પ્રમુખ પદ જે જુના ચહેરાઓ હોય તેમાથી જ એકને પ્રમુખ અને મલાઇદાર સમિતી સોપવામાં આવે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.કેટલાકે તો શહેર મા પોતેજ પ્રમુખ કે કારોબારી સમિતી ના ચેરમેન બનવાના હોવાની વાતો વહેતી કરી દીધી છે જેને કારણે નગર પાલિકામાં ભેંસ ભાગોળે ને છાસ છાગોળે જેવો ધમધમાટ જેવી સ્થિતી સર્જાઈ છે
*નગરપાલિકામાં આંતરિક જૂથબંદી ચરમીસીમાએ પહોંચી:પ્રમુખ તેમજ કારોબારી સમિતીના અઘ્યક્ષ પદ માટે ભારે વિખવાદ થવાની શક્યતા.*
દાહોદ નગરપાલિકાની પ્રથમ ટર્મ થી જ ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ વચ્ચે આંતરિક જૂથબંદી જોવા મળી હતી જે સમય જતા ચરમસીમાએ પહોંચી હતી. જેના પગલે અગામી દિવસોમાં પ્રમુખ અને કારોબારી સમિતીના અઘ્યક્ષ પદ માટે ભારે વિખવાદ ઉભો થવાની શક્યતા નકારી શકાય તેમ નથી.દાહોદ નગરમાં હમેશા બળવાનો ઇતિહાસ રહ્યો છે.પરંતુ બે ટર્મથી બળવો તો નહિ પણ જુથવાદ ચરમસીમાએ હતો. આંતરિક જૂથવાદ ના કારણે જ ભાજપના મોવડી મંડળની ફોર્મ્યુલા ગુપ્ત રીતે અપનાવવામાં આવી હતી.પરંતુ હાલની સ્થિતિ જોતાં ફરીથી પાલિકામાં જુથવાદ ઉભો થાય તેવી સ્થિતી પેદા થઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે દાહોદ નગરપાલિકામાં તાજેતરમાં પાંચ જેટલા જૂથો અલગ અલગ ચાલી રહ્યા છે. વિકાસ કામોમાં ભાગબટાઇ વહીવટ તેમજ ઈગોના કારણે આ જૂથબદી હવે પાલિકાના સબાખંડમાંથી બહાર આવતા સાર્વજનિક થઈ રહી છે.
પ્રમુખ સ્થાને બેસવા માટે ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ દ્વારા ઉચ્ચકક્ષાએ લોબિંગ શરૂ કર્યું:મહિલાઓએ પણ પ્રમુખ માટે તાલ ઠોકી…
દાહોદ નગર પાલિકામાં ચૂંટાયેલાં કેટલાક વગદાર નગરસેવકો તો દોઢેક મહિના અગાઉ થી ગાંધીનગર કમલમ કાર્યાલય પહોંચી લોબીંગ શરૂ કરી દીધી હોવાનુ જાણવા મળી રહ્યું છે.ચૂંટાયેલા નગર સેવકો સ્થાનિક સંગઠનને નજર અંદાજ કરી પ્રમુખ પદ અને મહત્વની સમિતી મેળવવા માટે પ્રદેશ આગેવાનોની પગચંપી કરવા પહોંચી જતા અત્યારથી નગર પાલિકાનુ રાજકારણ ગરમાયું છે.પ્રમુખ કે અન્ય કોઇ પણ પદ માટે એક પણ નામ પર હજી સુધી પાર્ટીએ મહોર મારી નથી.જોકે આ વખતે બીજી ટ્રમ માટે પણ કેટલીક મહીલાઓએ પણ દાવેદારી કરનાર હોય પાર્ટી દ્વારા એ બાબતે નિર્ણય કરવામા આવે તો ઉહાપોહ થવાના પણ એંધાણ વર્તાઇ રહ્યા છે..