Sunday, 08/09/2024
Dark Mode

ઝાલોદ થી વાયા ગરાડુ,કાળીયા થઈ સંતરામપુર એસ.ટી બસ શરૂ કરવા મુસાફર જનતાની તીવ્ર માંગ*

July 11, 2023
        808
ઝાલોદ થી વાયા ગરાડુ,કાળીયા થઈ સંતરામપુર એસ.ટી બસ શરૂ કરવા મુસાફર જનતાની તીવ્ર માંગ*

બાબુ સોલંકી:- સુખસર

*ઝાલોદ થી વાયા ગરાડુ,કાળીયા થઈ સંતરામપુર એસ.ટી બસ શરૂ કરવા મુસાફર જનતાની તીવ્ર માંગ*

ગરાડુ થી વાયા કાળીયા થઈ ઘાણીખુટ હાઇવે માર્ગને જોડતો દ્વિમાર્ગીય રસ્તો કરોડોના ખર્ચે તૈયાર છતાં એસટી સુવિધાના નામે મીંડું!?

સવારના શાળાએ જતા વિદ્યાર્થીઓ,ધંધાદારીઓ તથા નોકરીયાત લોકોને અવર-જવર કરવા પડતી મુશ્કેલી દૂર કરવા એસ.ટી બસ સેવા જરૂરી.

  ( પ્રતિનિધિ ) સુખસર,તા.11

        ફતેપુરા તાલુકાના નાના શહેરી વિસ્તારથી ગ્રામ્ય વિસ્તારો તરફ જતી એસ.ટી બસ સુવિધાઓ બંધ કરી દેવામાં આવતા ગ્રામ્ય વિસ્તારના માર્ગો ઉપર ખાનગી ટુ-ફોર વીલર વાહનોએ પૂરેપૂરો કબજો જમાવી લીધો છે.મોટાભાગે ગ્રામ્ય વિસ્તારોમાં લોડીંગ વાહનો દ્વારા મુસાફરો વહન કરવામાં આવી રહ્યા છે.છતાં સરકાર અને જવાબદાર તંત્રો આંખ આડા કાન કરી રહ્યા છે.જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં એસ.ટી બસો ચલાવવામાં આવી રહી હતી તે બંધ કરી દેવાતા સરકારને મળવી જોઈતી આવકનો ગેરકાયદેસર લાભ વ્યક્તિગત લોકો આસાનીથી ઉઠાવી રહ્યા છે.ત્યારે લાગતા-વળગતા તંત્રો સહિત સરકાર દ્વારા ધ્યાન આપી ગ્રામ્ય વિસ્તારોમાં એસ.ટી બસોની સુવિધા ઉપલબ્ધ કરાવાય તેવી ગ્રામ્ય વિસ્તારોની જનતાની માંગ ઉઠવા પામેલ હોવાનું જાણવા મળે છે.

       પ્રાપ્ત વિગતો મુજબ ઝાલોદ તાલુકાના ગરાડુ થી ફતેપુરા તાલુકાના ઘાટાવાડા,કાળીયા,નાના બોરીદા,માના વાળા બોરીદા,મોટા બોરીદા થઈ ઘાણીખુટ હાઇવે માર્ગને જોડતો માર્ગ આગાઉ સિંગલ પટ્ટી રસ્તો હતો અને તેવા સમયે છ જેટલી એસ.ટી બસની ટ્રીપો ચાલુ હતી.પરંતુ સમય જતા બિસ્માર રસ્તાના કારણે આ એસ.ટી ટ્રીપો બંધ કરવામાં આવી હતી.જ્યારે છેલ્લા એક વર્ષથી આ માર્ગનુ કરોડો રૂપિયાના ખર્ચે નવીનીકરણ કરી દ્વિમાર્ગીય રસ્તો બનાવવામાં આવેલ છે.છતાં આ માર્ગ ઉપર હજી સુધી સરકાર દ્વારા સરકારી એસ.ટી બસની સુવિધા ઉપલબ્ધ કરાવવા ધ્યાન આપવામાં આવતું નથી.ત્યારે આ રસ્તા ઉપર આવતા અનેક ગામડાની મુસાફર જનતાના છૂટકે જાનના જોખમે ખાનગી વાહનોનો સહારો લેવા મજબૂર બની રહી છે.ત્યારે આ માર્ગ પર સરકારી એસ.ટી બસની સુવિધા હોવી આવશ્યક છે.

      અત્રે ખાસ ઉલ્લેખનીય બાબત છે કે,આ રસ્તા ઉપર આવતા ગરાડુ, ઘાટાવાડા,મોટી ઢઢેલી,કાળીયા,નાના- મોટા,માનાવાળા બોરીદા થી સવારની પાળીમાં તથા બીજી પાળીમાં શાળાએ જતાં બાળકો અને વિદ્યાર્થીઓને શાળામાં જવા માટે મોટી મુશ્કેલી નડે છે.અને ખાનગી રેકડા તથા ઓટોરિક્ષામાં ઘેટાં બકરાની માફક અને આજુબાજુ,આગળ- પાછળ ટિંગાઈને શાળાએ જવું પડી રહ્યું છે.ખાસ કરીને હાલ ચોમાસાના સમયમાં વિદ્યાર્થીઓના નોટબુક પુસ્તકો પલળી જતા નુકસાન થાય છે.તેમજ ખાનગી વાહન ચાલકો પોતાની મરજી પ્રમાણે વાહનો ચલાવતા હોય અઠવાડિયાના કેટલાક દિવસ વિદ્યાર્થીઓ સમયસર શાળાએ પહોંચી શકતા નથી.અથવા તો વાહનની સુવિધાના અભાવે શાળાએ જવાનું જ માંડી વાળતા હોય તેવું પણ બની રહ્યું છે.તેમજ આ ગામડાઓના ધંધાદારીઓ તેમજ નોકરીયાત લોકો પોતાના ધંધા રોજગાર ઉપર અવર-જવર કરવા માટે પણ પરેશાન થઈ રહ્યા છે.ત્યારે આ રૂટ ઉપર આગાઉ ચલાવવામાં આવતી ટ્રિપો શરૂ કરવામાં આવે તો સરકારને આવક સાથે મુસાફર જનતાને પડતી મુશ્કેલીઓ દૂર થઈ શકે તેમ છે.

     નોંધનીય બાબતછે કે,સવારની પાળીમાં શાળાએ જતાં વિદ્યાર્થીઓ તથા ધંધાદારીઓ અને નોકરીયાત લોકોને સુખસર,સંતરામપુર તરફ જવા સવારના 7-15 વાગ્યાના અરસામાં,બીજી પાળીમાં અભ્યાસ અર્થે જવા માટે 11-30 કલાકના અરસામાં,સાંજના 5.30 કલાકના અરસામાં ઝાલોદ થી સુખસર તરફ જવા માટે જ્યારે સુખસરથી ઘાણીખુટ,કાળિયા થઈ ગરાડુ,ઝાલોદ જવા માટે બપોરના 12:30 કલાકે તથા સાંજના 6-00 કલાકે એસ.ટી બસો શરૂ કરવામાં આવેતો વિદ્યાર્થીઓ તથા નોકરીયાત અને ધંધાદારીઓને અવર-જવર કરવામાં સુગમતા રહે તેમ છે.

       અહીંયા એ જણાવવું જરૂરી છે કે,ઝાલોદ વાયા સુખસર થી સંતરામપુર માર્ગ ઉપર 10 થી 15 મિનિટના સમયગાળામાં અનેક એસ.ટી બસો દોડાવવામાં આવી રહી છે.ત્યારે તે પૈકી કેટલીક એસ.ટી બસોને વાયા ગરાડુ, કાળિયા થઈ સુખસર રૂટ ઉપર દોડાવવામાં આવે તો નવીન એસ.ટી બસો ફાળવવાની પણ જરૂરત પડે તેમ નથી.જેના લીધે મુસાફર જનતાને સરકારી એસ.ટી બસની સુવિધા મળી રહે સાથે-સાથે સરકારને પણ સારી આવક થઈ શકે તે પ્રત્યે એસ.ટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ તથા સરકાર સત્વરે ધ્યાન આપે તેવી ઉપરોક્ત ગામડાની જનતાની માંગ ઉઠવા પામેલ હોવાનું જાણવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!