લીમખેડા તાલુકાના પાણિયા ગામે નેશનલ હાઈવે પર અજાણ્યા વાહનની અડફેટે બાઈક સવાર મોતને ભેટ્યો…
પોલિસે મરણ જનાર બાઈક સવારનો મૃતદેહ પીએમ અર્થે મોકલી અકસ્માત અંગેનો ગુનો દાખલ કર્યો..
લીમખેડા તા. ૦૬
લીમખેડા તાલુકાના પાણીયા ગામે ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પર મધરાતે અજાણ્યા વાહનની અડફેટે બાઈક સવાર ચાલકને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યા હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ તાલુકાના તણસીયા નિશાળ ફળિયાના રહેવાસી ૨૯ વર્ષીય ભલુભાઈ ગુલજીભાઈ ભાભોર પોતાના કબજા હેઠળની Gj -20- G- 711 નંબરની મોટરસાયકલ લઈ ગોધરા તરફ જઈ રહ્યો હતો તે સમયે રાત્રિના દોઢ વાગ્યાના સુમારે લીમખેડા તાલુકાના પાણીયા ગામે ઈન્દોર-અમદાવાદ નેશનલ હાઈવે પરથી પૂર ઝડપે આવી રહેલા અજાણ્યા વાહને ભલુભાઈ ભાભોર ની મોટરસાયકલને અડફેટમાં લેતા બાઇક સવાર ભલુભાઈ ભાભોર જમીન પર પટકાતા તેઓના માથાના ભાગે જીવલેણ ઇજાઓ પહોંચી હતી. જેના પગલે ભલુભાઈ ભાભોરનું ઘટના સ્થળે જ પ્રાણપખેરૂ ઉડી જતા કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. ત્યારબાદ ઘટના સ્થળે આસપાસના ભેગા થયેલા લોકોએ ભલુભાઈના મોબાઈલ દ્વારા તેઓના પરિવારજનોનો સંપર્ક કરી જાણ કરતા મરણ જનાર ભલુભાઈ ભાભોર ના પરિવારજનો પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. જોકે તે દરમિયાન ઘટના સ્થળે પહોંચેલી લીમખેડા પોલીસે મરણ જનાર ભલુભાઈ ભાભોરના મૃતદેહનો કબજો લઈ લીમખેડા રેફરલ હોસ્પિટલ ખાતે મોકલી અકસ્માત અંગેનો ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે.