લીમખેડા તાલુકાના પાડા ગામે બે સ્થળોએ વન્ય પ્રાણી દીપડાએ હીચકારો હુમલો કરતા એક વ્યક્તિનું મોત:એક વૃદ્ધા ઇજાગ્રસ્ત…
ત્રણ દિવસ અગાઉ પણ લીમખેડા રેન્જમાં વન્યપ્રાણી દીપડાએ બે બાળકીઓ ઉપર હુમલો કર્યો હતો.
વન વિભાગ ની ટીમ ઘટના સ્થળે પહોંચી: પાંજરો મૂકી દીપડાને જબ્બે કરવા કવાયત હાથ ધરાઈ…
પંચકમાં દીપડાના હુમલાઓ વધતા સ્થાનિકોમાં ભયનો માહોલ : પંથકમાં જળ સ્ત્રોત સુકાતા પાણીની શોધમાં વન્ય પ્રાણી માનવ વસાહતમાં આવતો હોવાનો અનુમાન…
દાહોદ તા.24
લીમખેડા તાલુકાના ફુલપરા ગામે બે દિવસ અગાઉ વન્યપ્રાણી દીપડાએ બે બાળકીઓ ઉપર તરાપ મારી હુમલો કર્યાની સહી હજી સુકાઈ નથી ત્યારે ગતરોજ મધરાતે લીમખેડા તાલુકાના પાડા ગામે બે સ્થળોએ વન્યપ્રાણી દીપડાએ હુમલો કરતા એક 40 વર્ષીય ઈસમ તેમજ ૮૫ વર્ષીય વૃદ્ધા ઈજાગ્રસ્ત થતા દીપડાના હુમલામાં ઇજાગ્રસ્ત થયેલા બંને વ્યક્તિઓને સ્થાનિકોએ 108 મારફતે દાહોદના ઝેડસ હોસ્પિટલ ખાતે મોકલી દેવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન 40 વર્ષીય પુરુષને વધુ સારવાર અર્થે વડોદરા રિફર કરતા રસ્તામાં પુરુષનું મોત થતા ચકચાર પછી જવા પામી છે જ્યારે ઇજાગ્રસ્ત 85 વર્ષીય વૃદ્ધા હાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહી છે. ઉપરોક્ત બનાવમાં ઘટના સ્થળે પહોંચેલી વન વિભાગના અધિકારીઓ તેમજ કર્મચારીઓએ દીપડાને જબ્બે કરવા પાંજરા મુકવાની કવાયત હાથ ધરી છે. તો બીજી તરફ ત્રણ દિવસમાં બીજી વખત પંથકમાં દીપડાના હુમલા ના પગલે આસપાસના સ્થાનિકોમાં ભયનો સંચાર ફેલાઈ જવા પામ્યો છે.
બધી ગુજરાતના આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ જિલ્લો અફાટ વનરાજી થી ઘેરાયેલો છે. આ વનરાજીમાં વન્યપ્રાણી દીપડા રીંછ,જરખ,નીલગાય, રોજડા શિયાળ સહિતના પશુઓ બહોળી સંખ્યામાં વસવાટ કરે છે. અને તેમાં એ લીમખેડા રેન્જમાં વન્યપ્રાણી દીપડા સહિત પશુઓની સંખ્યામાં વીતેલા સમયમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. ત્યારે વનરાજીમાં વસવાટ કરતા વન્ય પ્રાણીઓ અને તેમાંય દિપડો ખોરાક અને પાણીની શોધમાં માનવ વસાહત તરફ ઘસી આવી માનવજાત પર કરેલા અસંખ્ય હુમલાઓ પણ વન વિભાગના ચોપડે નોંધાયેલા છે. ત્યારે વીતેલા સપ્તાહમાં વન્ય પ્રાણી દીપડાએ લીમખેડા રેન્જમાં માનવ વસાહતમાં ઘૂસી હુમલો કર્યાના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. જેમાં લીમખેડા તાલુકાના પાડા ગામના ભગત ફળિયાના રહેવાસી રમેશભાઈ ચૌહાણ મધરાતે મીઠી નીંદર માણી રહ્યા હતા.તે સમયે ખોરાકની શોધમાં આવેલો દીપડાએ રમેશભાઈ ચૌહાણ પર તરાપ મારી હુમલો કરતા રમેશભાઈની ચીસોથી જાગી ઉઠેલા તેમના પરિવારજનો તેમજ આસપાસના લોકો દોડી આવતા દિપડો રમેશભાઈને લોહી લુહાણ કરી જંગલ તરફ ભાગી ગયો હતો.તો બીજી તરફ આ જ ગામમાં રામપુરા ફળિયામાં 85 વર્ષીય ચંપાબેન ચૌહાણ ખાટલામાં સુઈ રહી હતી.તે સમયે વન્ય પ્રાણી દીપડાએ ચંપાબેન પર હુમલો કરી તેઓને પણ લોહી લુહાણ કરી દીધા હતા.જોકે ત્યાં પણ આસપાસના લોકો ભેગા થતા દીપડો જંગલ તરફ ભાગી ગયો હતો. ત્યારબાદ દીપડાના હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા રમેશભાઈ ચૌહાણ તેમજ ચંપાબેન ચૌહાણને 108 મારફતે દાહોદના ઝાયડસ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા.આ દરમિયાન ગામમાં દીપડાના બે સ્થળોએ હુમલા કર્યાની જાણ વાયુવેગે પ્રસરતા ભયના ઓથાર હેઠળ ફફડી ઉઠ્યા હતા.જોકે સવાર પડતા જ ગ્રામજનોએ આ બનાવની જાણ દેવગઢબારિયા વન વિભાગ તેમજ લીમખેડા રેન્જને કરતા વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ પાડા ગામે દોડી આવ્યા હતા. અને દીપડાના હુમલાના બનાવની વિગતો જાણી દીપડાને ઝબ્બે કરવા પાંજરા મુકવા માટે કવાયત હાથ ધરી હતી. તો બીજી તરફ દીપડામાં હુમલામાં ઇજાગ્રસ્ત થયેલા રમેશભાઈને દાહોદના હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ વધુ સારવારની જરૂર હોય તેમને વડોદરા ખાતે રીફર કરવામાં આવ્યા હતા. જ્યાં રસ્તામાં રમેશભાઈનું મોત નીપજ્યું હતું. તો વન વિભાગ દ્વારા ગ્રામજનોને દીપડાના હુમલાથી સાવચેત રહેવા સુરજ આથમ્યા બાદ કામ વગર ઘરથી બહાર ન નીકળવા અને એકલ દોકલ વ્યક્તિ દ્વારા જંગલ વિસ્તારમાં ન જવા તેમજ ટોર્ચ અથવા જરૂરી સંસાધન સાથે સમૂહમાં નીકળવા માટે નિર્દેશો આપવામાં આવ્યા હતા.