બાબુ સોલંકી સુખસર
*ફતેપુરા તાલુકાના સુખસરમાં ચોવીસ કલાક ભારદારી વાહનોથી ધમધમતા સ્ટેટ હાઇવે માર્ગ તથા પુલની તકલાદી કામગીરી છતાં વહીવટી તંત્રો ચૂપ કેમ?*
સુખસરમાં લોખંડની જાળી વિના રસ્તાની થતી આર.સી.સી કામગીરી, રસ્તાની અવરદા કેટલી? પ્રજામાં ઊઠેલો પ્રશ્ન.
સુખસર સુકી નદીના પુલ ઉપર નવીનાકાર લઈ રહેલ પુલની કામગીરીમાં વપરાતા 10 એમ.એમ ના સળિયા?
પ્રજાના નાણાથી થતી જાહેર કામગીરીમાં ભ્રષ્ટાચાર આચરી પ્રજાના પેટ ઉપર રોટલી શેકી ખાવાની કોઈને સત્તા અને અધિકાર નથી:બાબુ સોલંકી
( પ્રતિનિધિ ) સુખસર,તા.15
ઝાલોદ થી સુખસર થઈ સંતરામપુર જતા રાજ્ય ધોરીમાર્ગની નવીનીકરણ કામગીરી હાલમાં ચાલી રહી છે.જેમાં આ રસ્તાના સાઈડ પુરાણ માટે રસ્તાની બાજુમાં ઊંડી ગટરોનું ખોદકામ કરી પુરાણ કરતા ઊંડી ગટરોમાં વાહન ખાબકે અને અકસ્માત થાય તો મોટી જાનહાનીનો કાયમી પ્રશ્ન ઉપસ્થિત થયેલો છે.જ્યારે હાલમાં સુખસર ખાતે આશરે એકાદ કી.મી જેટલા રસ્તાની કામગીરી આર.સી.સી કરવામાં આવી રહી છે. તેમાં કોઈ સેફ્ટી રાખવામાં આવેલ નથી.જ્યારે સુખસર સુકી નદી ઉપર બનાવવામાં આવી રહેલ પુલની અતિ તકલાદી કહી શકાય તેવી કામગીરી ચાલી રહી છે.છતાં પણ જવાબદાર તંત્રો દ્વારા કોઈ જ ધ્યાન આપવામાં આવતું નથી.જ્યારે કોન્ટ્રાક્ટર,વહીવટી તંત્ર તથા કહેવાતા સ્થાનિક જાગૃત લોકો દ્વારા”સબ સલામત હૈ”નો ઓડકાર ખાઈ સંતોષ માની રહ્યા હોવાનું જણાઈ રહ્યું છે.!
પ્રાપ્ત વિગતો મુજબ ઝાલોદ થી સુખસર થઈ સંતરામપુર જતા રાજ્ય ધોરીમાર્ગની કામગીરી છેલ્લા એક વર્ષથી ચાલી રહી છે.તેમાં હાલ સુખસર ખાતે ચાલી રહેલી કામગીરીમાં આશરે એક કિલોમીટર જેટલા રસ્તાની આર.સી.સી કામગીરી કરવામાં આવી રહી છે.તેમાં લોખંડની જાળી કે અન્ય કોઈ સેફટી રાખવામાં આવેલ નથી. અને સીધો કોંક્રેટ રેતી તથા કોન્ક્રીટનો માલ બનાવી પાથરી દેવામાં આવી રહ્યો છે.ત્યારે આ રસ્તાની અવરદા કેટલી? તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. જોકે આ રસ્તાની દિવસે જે કામગીરી કરવામાં આવે છે તેમાં લોખંડની જાળી કે સળિયાઓનો બિલકુલ ઉપયોગ કરવામાં આવતો નથી પરંતુ જ્યારે સાંજે આ કામગીરી જે જગ્યાએ અધુરી છોડવામાં આવે છે તેના છેડા ઉપર દેખાવ ખાતર લોખંડના સળિયાઓના ટુકડા ખોશી દઈ પ્રજાને ઉલ્લુ બનાવવામાં આવી રહી છે જો આ રસ્તા ની આરસીસી કામગીરીમાં લોખંડની જાળી નો વપરાશ કરવાનો ન હોય તો કદાચ લોખંડ નહીં વપરાય પરંતુ સાંજે આ રસ્તાની કામગીરી જ્યાં છોડવામાં આવે છે ત્યાં લોખંડના સળિયા બહાર જોવાય તે રીતે કેમ મૂકવામાં આવે છે?
જ્યારે આ માર્ગની પહોળાઈને ધ્યાને લઈ સુખસર સુકી નદી ઉપર પુલ બનાવવાની કામગીરી પણ ચાલી રહી છે.જો કે અગાઉ આ નદી ઉપર દાયકાઓ જુનો પુલ આવેલ હતો.અને આ આશરે પચાસેક ફૂટના પુલને તોડવા માટે સતત છ દિવસ બબ્બે મોટા જેસીબી મશીનો કામે લગાવ્યા હતા. તેટલી તેની મજબૂતાઈ હતી.અને આ જુના પુલની તોડફોડ કરતાં લાખો રૂપિયાનું મજબૂત લોખંડ પણ નીકળ્યું હતું.અને નીકળેલું લોખંડ ક્યાં ગયું તેની કોન્ટ્રાક્ટર તથા વહીવટી તંત્રોને જાણ હોય.પરંતુ હાલમાં આ જગ્યા ઉપર નવીન પુલની કામગીરી ચાલી રહી છે તેમાં જે ઉભી આર.સી.સી ભરાઈ કરવામાં આવે છે.તેમાં મોટાભાગે 10 એમ.એમના લોખંડનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.ત્યારે 24 કલાક મોટા તથા ભારદારી વાહનોની અવર-જવર થતા માર્ગ ઉપર થતી તકલાદી કામગીરી પ્રત્યે વહીવટી તંત્ર સહિત જવાબદારો મૌન કેમ સેવી રહ્યા છે? તે પણ એક પ્રશ્ન છે.
અહીંયા એ જણાવવું જરૂરી છે કે,આ રસ્તાની થતી આર.સી.સી કામગીરીમાં લોખંડની જાળીનો ઉપયોગ કરવાનો નહીં હોવાનું તેમજ પુલની કામગીરીમાં 10 તથા 12 એમ.એમ ના સળિયાનો ઉપયોગ કરી પુલ તૈયાર કરવા સરકારના જવાબદાર અધિકારીઓ દ્વારા ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું હોય અને તે પ્રમાણે કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી કરવામાં આવતી હોય તો નિયમો અને કાયદાકીય રીતે પણ આ હરગીજ યોગ્ય નથી. શહેરી વિસ્તારના સામાન્ય રસ્તાઓની થતી આર.સી.સી કામગીરીમાં લોખંડનો વપરાશ કરવામાં આવે છે.ત્યારે આ માર્ગ રાજ્ય ધોરીમાર્ગ છે.તેમજ આ માર્ગ ઉપરથી રાત-દિવસ મોટા અને ભારદારી વાહનોની અવર-જવર રહેતી હોય તેવા માર્ગ ઉપર નિયમોને નેવે મૂકી કામગીરી કરવામાં આવે તે વ્યાજબી છે ખરી?વહીવટી તંત્ર સહિત આવી કામગીરી કરતા કોન્ટ્રાક્ટરોને ભલે પીઠબળ કોઈનું પણ હોય પરંતુ સરકારના માધ્યમથી થતી જાહેર કામગીરીમાં વપરાશ થતાં નાણાં પ્રજાના છે.તેમજ જે-તે તંત્રના સરકારી જવાબદાર અધિકારીઓ,કર્મચારીઓ ના પગારના નાણા પણ પ્રજાના છે.તેમ છતાં થતી જાહેર કામગીરીમાં આચરવામાં આવતી ગેરરીતિઓ પ્રજા ક્યાં સુધી સહન કરશે?પ્રજાના નાણામાં ભ્રષ્ટાચાર આચરી પ્રજાના પેટ ઉપર રોટલી શેકી ખાવાની સત્તા અને અધિકાર કોઈને આપવામાં આવેલ નથી તે યાદ રાખવું જોઈએ.