Saturday, 27/07/2024
Dark Mode

પ્રાચીન સમયના સ્વંયવરની યાદ અપાવતો દાહોદનાં જેસાવાડા ખાતે ભરાતો અનોખો ગોળગધેડાનો મેળો*

March 10, 2023
        970
પ્રાચીન સમયના સ્વંયવરની યાદ અપાવતો દાહોદનાં જેસાવાડા ખાતે ભરાતો અનોખો ગોળગધેડાનો મેળો*

રાજેશ વસાવે દાહોદ 

*યુવતીઓના સોટા ખાઇને ઊંચે લટકાવેલી ગોળની પોટલી મેળવવા યુવાનોમાં હોડ જામે છે*

ખૂબ પ્રાચીન સમયમાં લગ્ન માટે સ્વયંવર થતા અને યુવાન પોતાનું સામથ્ય દાખવીને કન્યાનું મન જીતી લેતો હતો. કંઇક આવી જ રીતનો પરંતુ નોખી રીતે દાહોદનાં જેસાવાડા ખાતે ભરાતો ગોળ ગધેડાનો મેળો લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. હોળીના છઠ્ઠા દિવસે જેસાવાડે ખાતે ભરાતો ગોળ ગધેડાનો મેળો ખૂબ પ્રખ્યાત છે અને મોટી સંખ્યામાં માનવમહેરામણ તેમા સહભાગી થવા ઉમટી પડે છે. 

આ મેળામાં આસપાસના ત્રીસેક જેટલા ગામના આદિવાસી બાંધવો ઉમટી પડે છે. નાનકડા જેસાવાડા ગામમાં સવારથી મોડી સાંજ સુધી આ મેળો જામે છે. આદિવાસી લોકો પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઇને ઢોલ, ત્રાંસા, થાળી, કુંડી જેવા વાદ્યો સાથે ઉમંગ ઉત્સાહ સાથે, પરંપરાગત નૃત્યો અને લોકગીતો ગાતા ઉમટી પડે છે.

 ગ્રામ પંચાયતના ચોકમાં અંદાજે ચાલીસ ફૂટ ઊંચાઇ ધરાવતું તોતિંગ શીમળાના વૃક્ષનું થડિયું રોપવામાં આવે છે. તેમા દસ દસ ફૂટના અંતરે વચ્ચે છેદ પાડીને લાકડાની આડી પટ્ટીઓ રોપવામાં આવે છે. આ લાકડાના થડિયાની ટોચ ઉપર ઇનામરૂપે ગોળની પોટલી મૂકવામાં આવે છે.

મેળો ભરાયા પછી બપોરના મધ્યભાગે આદિવાસી તેમજ મેળામાં આવેલી આવેલી છોરીઓ એટલે કે છોકરીઓ તેમની સખીઓ સાથે વાંસના સોટા લઇને મેદાનમાં ઉતરે છે. ભારે ઉત્તેજના સભર વાતાવરણ સર્જાય છે. નૃત્યગીતોની રમઝટ તથા મેળાના મોહક વાતાવરણ વચ્ચે આ ઇનામી પોટલી ઉતારવાનું ભાગ લેનારા યુવાનો બીડું ઝડપે છે અને ભારે રસાકસીવાળી હોડમાં ઉતરે છે. એકબીજાના સાંકેતિક ઇશારો કરી આહ્વાન કરે છે. જે બળિયો હોય તે આ ઇનામ લેવા હક્કદાર બને છે. ઇનામી ગોળની પોટલી સુધી પહોંચતા પહેલા આ સોટીઓનો મારો અવિરત ચાલે છે.

એક સમયે ગોળની પોટલી ઉતારી લાવનાર યુવાન પોતાની મનગમતી યુવતીની પસંદગી કરી શકતો હતો. પરંતુ સમય સાથે સ્વંયવરની આ પ્રથા રહી નથી પરંતુ ગોળગધેડાનો મેળો હજુ પણ એજ લોકઉત્સાહ સાથે ભરાતો જોવા મળે છે.

૦૦૦

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!