રાજેન્દ્ર શર્મા, દાહોદ લાઇવ ડેસ્ક
દાહોદ જિલ્લામાં વિધાનસભાની ચૂંટણી સંપન્ન કરવા ૧૧૨૭૬ થી વધુ અધિકારીઓ-કર્મચારીઓ રાઉન્ડ ધ કલોક કામગીરી
કાનુન વ્યવસ્થાની જાળવણી માટે ૧૭ હજારથી વધુ પોલીસકર્મીઓ ખડેપગે
સમગ્ર ચૂંટણી તંત્ર જિલ્લા ચૂંટણી અધિકારી ડો. હર્ષિત ગોસાવીના માર્ગદર્શનમાં કરી રહ્યું છે કામગીરી
દાહોદ જિલ્લામાં વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ યોજાવા જઇ રહી છે ત્યારે ચૂંટણી પારદર્શક, મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાઇ એ માટે જિલ્લા ચૂંટણી તંત્ર સઘન રીતે કામગીરી કરી રહ્યું છે. જિલ્લાના ૧૫.૮૩ લાખથી વધુ મતદારો મતદાન પ્રક્રિયામાં ભાગ લેવાના છે ત્યારે ચૂંટણી પ્રક્રિયા સુચારૂ રીતે સંપન્ન થાય એ માટે ૧૧૨૭૬ થી વધુ અધિકારીઓ-કર્મચારીઓ દિવસ રાત એક કરી રહ્યાં છે. ઉપરાંત કાનુન વ્યવસ્થાની જાળવણી માટે ૧૭ હજારથી વધુ પોલીસકર્મીઓ ખડેપગે છે.
જિલ્લામાં ચૂંટણી પ્રક્રિયામાં જોતરાયેલા અને વિવિધ સ્તરે કામગીરી કરી રહેલા સ્ટાફ વિશે પરિચિય મેળવો રસપ્રદ રહેશે. જિલ્લાના કલેક્ટર ડો. હર્ષિત ગોસાવી જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે સમગ્ર ચૂંટણી તંત્રનું સુકાન સંભાળ્યું છે. જયારે ભારતના ચૂંટણી પંચ દ્વારા દાહોદ જિલ્લાના વિવિધ વિધાનસભા મતદાર વિભાગો માટે ત્રણ જનરલ ઓબ્ઝર્વર શ્રી રીષિરેન્દ્ર કુમાર, શ્રી સચીન્દ્ર પ્રતાપસિંહ, શ્રી સુનીલ શર્મા તેમજ ચૂંટણી ખર્ચના બે ઓબ્ઝર્વર શ્રી મૃત્યુજંય સૈની અને શ્રી લવીશ શૈલી ઉપરાંત પોલીસ ઓબ્ઝર્વર શ્રી સતીષ કુમારની તથા આવકવેરા અધિકારીશ્રીની નિમણુંક કરવામાં આવી છે.
વિધાનસભાની ચૂંટણીમાં વિવિધ ૨૧ જેટલા જિલ્લા કક્ષાના નોડલ ઓફિસરશ્રીઓની નિમણુંક કરાઇ છે. જેમાં એક્સપેન્ડીચર મોનિટરીંગ નોડલ ઓફિસર તરીકે જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નેહા કુમારી તેમજ લો એન્ડ મોનિટરીંગ તેમજ એસએમએસ મોનિટરીગ તરીકે એસપી શ્રી બલરામ મીણા ફરજ નિભાવી રહ્યાં છે. તેમજ મેનપાવર મેનેજમેન્ટ અને એવીએસન નોડલ ઓફિસર તરીકે શ્રી એ.બી. પાંડોર કામગીરી કરી રહ્યાં છે. તદ્દઉપરાંત વિવિધ અધિકારીશ્રીઓની ઇમ્પલીમેન્ટીંગ એમસીસી, હેલ્પલાઇન એન્ડ કંમ્પલેન રીડ્રેસલ, ઇવીએમ, વીવીપેટ મેનેજમેન્ટ, ટ્રાન્સપોર્ટ મેનેજમેન્ટ, ટ્રેનીંગ મેનેજમેન્ટ, મીડિયા, પોસ્ટલ બેલેટ, સોશ્યિલ મીડિયા, કમ્યુનિકેશન પ્લાન, આઇટી એપ્લીકેશન અને વેબકાસ્ટીંગ, ઓબ્ઝર્વસ, સ્વીપ, પીડબ્લયુ ડી સહિતની વિવિધ કામગીરી માટે નોડલ અધિકારીશ્રીઓની નિમણુંક કરાઇ છે.
જિલ્લામાં છ રીટર્નિગ ઓફિસર તેમજ ૧૨ આસીસ્ટન્ટ રીટર્નિગ ઓફિસરની વિધાનસભા બેઠક પ્રમાણે નિમણુંક કરાઇ છે. તેમજ ૨૧ જેટલા નોડલ અધિકારીશ્રીની નિમણુંક કરાઇ છે. આ ઉપરાંત જિલ્લામાં આચારસંહિતાના અમલ સાથે એફએસટી, એસએસટી, એઇઓ, એટી સહિતની ટીમો કાર્યરત કરાઇ છે જેમાં ૪૮૫ કર્મચારીઓનો સ્ટાફ કામગીરી કરી રહ્યો છે. જિલ્લામાં ૩૭૨ જેટલા માઇક્રો ઓબ્ઝર્વસ, ૧૨૦ માસ્ટર ટ્રેર્નસ, ૫૦૦ જેટલા કાઉન્ટીંગ સ્ટાફ, ૬ લાયઝન સ્ટાફ અને ૮૩૧૦ જેટલા પોલીંગ સ્ટાફ કામગીરી કરી રહ્યો છે. ચૂંટણી પ્રક્રિયા યોગ્ય રીતે સંપન્ન થાય એ માટે કુલ ૨૪૯ ઝોનલ અધિકારીની નિમણુંક કરાઇ છે. જેમને એકઝીક્યુટીવ મેજીસ્ટ્રેટના અધિકાર અપાયા છે. જયારે ચૂંટણીમાં રીસીવીગ એન્ડ ડિસ્પેચીંગ સ્ટાફ ૧૮૦ જેટલો છે.
જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીના માર્ગદર્શનમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી વી.આઇ. પ્રજાપતિ અને ચૂંટણી શાખાનો સમગ્ર સ્ટાફ પણ રાઉન્ડ ધ ક્લોક કામગીરીમાં જોતરાયો છે. ચૂંટણી પ્રક્રિયામાં જોડાયેલા કર્મયોગીઓને ચૂંટણી માટેની સઘન તાલીમ પણ અપાઇ છે ત્યારે જિલ્લામાં પારદર્શક અને શાંતિપૂર્ણ રીતે ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થાય એ માટે જિલ્લા ચૂંટણી તંત્ર સુસજ્જ છે.