
રાજેન્દ્ર શર્મા :- દાહોદ લાઈવ ડેસ્ક…
ભાજપ દ્વારા ચૂંટણી સેન્સ પ્રક્રિયા પૂર્ણ: દાહોદ જિલ્લામાં સમાવિષ્ટ છ વિધાનસભા બેઠકો પર 84 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી..
વિધાનસભા બેઠકો પર પિતા-પુત્ર, પતિ-પત્ની, સસરા- પુત્રવધુ તેમજ પિતા -પુત્રીએ દાવેદારી નોંધાવી
વર્તમાન ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, જિલ્લા પંચાયત પ્રમુખ, જિલ્લા પંચાયત સભ્ય તેમજ પૂર્વ આઇપીએસ અધિકારીએ દાવેદારી નોંધાવી.
વિધાનસભા બેઠકો પર ઉમેદવારાના મેળાવડો જામતા મોવડી મંડળ માટે ઉમેદવારોની પસંદગી માટે અલગથી રણનીતિ બનાવવી પડશે…
દાહોદ તા.29
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાતને હવે ગણતરીના દિવસો માંડ બાકી રહ્યા છે ત્યારે દાહોદ જિલ્લામાં સમાવિષ્ટ કુલ છ વિધાનસભા બેઠકો પર ભાજપના મુવડી મંડળ દ્વારા મોકલવામાં આવેલા નિરીક્ષકો ની ટીમ દ્વારા ક્રમશ સેન્સ લેવામાં આવ્યા હતા.જેમાં દિવાળી બાદ રાજકારણમા ગરમાવો આવી ગયો છે.નવા દિવસોમાં જ ઉમેદવારોની સેન્સ લેવાની પ્રક્રિયા ભાજપ દ્વારા હાથ ધરવામાં આવી હતી. જેમાં વિધાનસભાની છ બેઠકો માટે કુલ 84 ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી છે. જેમા સૌથી વધુ ગરબાડા બેઠક માટે 25 દાવેદારોએ પોતાની ઉમેદવારી માટે દાવો કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, દાહોદ જિલ્લામાં આવેલી છ વિધાનસભા બેઠકો પૈકી ત્રણ બેઠકો ભાજપ પાસે છે. જયારે ત્રણ કોંગ્રેસનો કબજો છે. આમ જોવામાં આવે તો, જે ત્રણ બેઠકો ૫૨ ભાજપના ધારાસભ્યો છે. તે બેઠકો પર ભાજપના ધારાસભ્ય સાથે અન્ય સભ્યોએ પણ ઉમેદવારી નોંધાવી છે.
દાહોદ જિલ્લા ભાજપ મુખ્યાલય કમલમ ખાતે બે દિવસ પૂર્વે પ્રદેશમાંથી જીતુ વાઘાણી, પ્રફુલ પંસેરીયા, કોશલ્યા કુંવરબા પરમાર ની નિરીક્ષકોની ટીમ દ્વારા ચૂંટણી લડવા માંગતા ઉમેદવારોના સેન્સ પ્રકિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં બે દિવસ પૂર્વે દાહોદ જિલ્લામાં સમાવિષ્ટ કુલ 6 વિધાનસભા બેઠકો પૈકી દાહોદ, ગરબાડા, દે. બારીયા તેમજ ફતેપુરા વિધાનસભા બેઠકની સેન્સ પ્રકિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં સૌથી વધુ ગરબાડા વિધાનસભામાંથી 25 થી વધુ ઉમેદવારોએ દાવેદારી નોંધાવતા નિરીક્ષકો પણ આશ્ચર્ય માં મુકાયા હતા. જયારે દાહોદમાંથી 12 ફતેપુરામાંથી 8, દે. બારીયા 17,જેટલાં ઉમેદવારોએ દાવેદારી નોંધાવી હતી. જોકે બે દિવસ બાદ આજરોજ પુનઃ નિરીક્ષકો દ્વારા બાકી રહેલી અને હાઈ પ્રોફાઈલ ગણાતી ઝાલોદ અને લીમખેડા વિધાનસભા બેઠક પર સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં ઝાલોદ વિધાનસભામાંથી, પૂર્વ ધારાસભ્ય, જિલ્લા પંચાયત પ્રમુખ, પૂર્વ આઇપીએસ અધિકારી, જિલ્લા પંચાયત સભ્ય,સહિતના 11 તેમજ લીમખેડા બેઠક પરથી દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર ના ભાઈ અને વર્તમાન ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોર, પૂર્વ ધારાસભ્ય સહિતના 11 ઉમેદવારોએ દાવેદારી નોંધાવતા દાહોદ જિલ્લામાં સમાવિષ્ટ કુલ છ વિધાનસભા બેઠકો પર 84 જેટલા ઉમેદવારો એ દાવેદારી નોંધાવી છે. ત્યારે નિરીક્ષકો દ્વારા લેવાયેલા સેન્સ પ્રકિયા બાદ મોવડી મંડળ દ્વારા અગામી દિવસોમાં તમામ ટિકિટ વાંછુંક ઉમેદવારોના તમામ પાસાઓની બારીકાઈથી નિરીક્ષણ કર્યા બાદ ઉમેદવારો ફાઇનલ કરવાની કવાયત હાથ ધરવામાં આવશે.જે બાદ જ ચૂંટણીનો ચિત્ર સ્પષ્ટ થશે. અત્રે ઉલ્લેખનીય છે કે આદિવાસી સમાજ નું પ્રભુત્વ ધરાવતા દાહોદ જિલ્લામાં વિધાનસભા બેઠકો પર ચૂંટણી લડવા માટે દાવેદારોનો મેળાવડો જામ્યો છે. તેણે જોતા આગામી દિવસોમાં ઉમેદવારના નામોની જાહેરાત ની સાથે નારાજ અને વિદ્રોહી ઉમેદવારો ખુલીને મેદાનમાં આવશે તેમજ અંદરો અંદરનો અસંતોષનો ઉકળતો ચરુ પણ ટિકિટોની જાહેરાતની સાથે સાથે બહાર આવશે. જોકે આ તમામ પાસાઓને ધ્યાને લઇ મોવડી મંડળ તેમજ સંગઠન માટે વિરોધને ખાળવા અને અંદરો અંદરનો ડખો દૂર કરવો એ ચેલેન્જ તરીકે સાબિત થશે. જોકે આગામી સમયમાં દાહોદ જિલ્લાના રાજકારણમાં કેવો ગરમાવો આવે છે. તે તો ટિકિટોની જાહેરાત થયા બાદ જ સામે આવશે. જોકે એકાદ વિધાનસભા પર મોવડી મંડળ દ્વારા નવા ચેહરા ને જાહેર કરી અણધાર્યા અપસેટસર્જશે તેવી પણ અટકળો હાલના તબબકે ચાલી રહી છે..
વિધાનસભા બેઠકો પર વર્તમાન ધારાસભ્ય સહિત પિતા-પુત્ર, પતિ-પત્ની, સસરા- પુત્રવધુ તેમજ પિતા -પુત્રીએ દાવેદારી
દાહોદ જિલ્લામાં નિરીક્ષકો દ્રારા વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં વર્તમાન ધારાસભ્ય જિલ્લા પંચાયત પ્રમુખ તેમજ પૂર્વ ધારાસભ્યો અને સંગઠનના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ દ્રારા એક તરફ ટિકિટો મેળવવા માટે દાવેદારી નોંધાવી હતી.તો બીજી તરફ ટિકિટોની દાવેદારીમાં સગાવાદ અને પરિવારવાદ પણ સામે આવ્યું છે.જેમાં ઝાલોદ વિધાનસભા બેઠક પર પતિ-પત્ની તરીકે જેસીંગભાઇ વસૈયા તેમજ અનિતાબેન મછાર, પિતા-પુત્રી તરીકે જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલા અને પિતા તરીકે પૂર્વ આઈપીએસ અધિકારી ભાવસીંગ વાઘેલાએ દાવેદારી નોંધાવી છે.જયારે ફતેપુરા વિધાનસભા બેઠક ઉપરથી પતિ-પત્ની તરીકે રાવજીભાઈ પારસીંગભાઇ માવી તેમજ પત્ની તરીકે શારદાબેન માવીએ દાવેદારી નોંધાવી છે તેવીજ રીતે ગરબાડા વિધાનસભામા પિતા-પુત્ર તરીકે ભારતસીંગ નાનાભાઈ અમલીયાર અને વિજયસિંગ ભારત સીંગ અમલીયાર તથા દેવગઢ બારીયા બેઠક પર પતિ-પત્ની તરીકે નિર્મલ સીંગ ફુલસિંગ ચૌહાણ ગીતાબેન નિર્મલ સીંગ ચૌહાણ તેમજ અન્ય બેઠકો ઉપર સસરા તેમજ પુત્ર વધુએ પણ દાવેદારી નોંધાવી હોવાનું સામે આવ્યું છે.
ઝાલોદ વિધાનસભાના ઈચ્છુક ઉમેદવાર વ્યક્તિના નામ
(1) શ્રી જેસિંગભાઈ સવસિંગભાઈ વસૈયા
(2) શીતલબેન ભાવસિંહભાઈ વાઘેલા
(3)સુનિલભાઈ નારસિંગભાઈ હઠીલા
(4)મુકેશભાઈ સમસુભાઈ ડામોર
(5) મહેશભાઈ સોમજીભાઈ ભુરીયા
(6) ટપુભાઈ વાલસિંગભાઈ વસૈયા
(7)ભાવસિંગભાઈ દિતાભાઈ વાઘેલા
(8) અનિતાબેન દામાભાઈ મછાર
(9) અજિતદેવ જીથીસિંગ પારગી
(૧૦ )રમેશભાઈ કલજીભાઈ ભાભોર
(૧૧) રમેશભાઈ મડીયાભાઈ અમલીયાર
લીમખેડા વિધાનસભાના ઈચ્છુક ઉમેદવાર વ્યક્તિના નામ
(1) સામાભાઈ દલાભાઈ કટારા
(2) રમિલાબેન વિજયસિંહ રાવત
(3) રાહુલભાઈ બળવંતસિંહ રાવત
(4) વીછીયાભાઈ જોખનાભાઈ ભુરીયા
(5) શૈલેષભાઈ સુમનભાઈ ભાભોર
(6) શારદાબેન રાવજીભાઈ માવી
(7) નારસિંહભાઈ વેચાતભાઈ પરમાર
(8) હિમ્મતસિંહ વાલચંદભાઈ તડવી
(9) મંગુભાઈ નાનાભાઈ મુનિયા
(10) રમિલાબેન મંગુભાઈ મુનિયા
(11) રાવજીભાઈ પારસિંગભાઈ માવી