
રાહુલ મહેતા :- દે. બારીયા
દે.બારીયા તાલુકાના ભે દરવાજા પાસેથી પોલીસે બોલેરો ગાડીમાંથી કત્લખાને લઇ જવાતા ચાર મૂંગા પશુઓ બચાવ્યા:બે બાળ કિશોરોની અટકાયત
દે.બારીયા તા.૧૮
દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના ભે દરવાજા વિસ્તાર ખાતેથી પોલીસે એક બોલેરો પીકઅપ ગાડીમાંથી બળદો તેમજ ગાય મળી કુલ ચાર પશુઓને કતલખાને લઈ જતાં બે બાળ કિશોરો કાયદાના સંઘર્ષમાં આવતાં પોલીસ ચોંકી ઉઠીં હતી. પોલીસે બંન્ને બાળ કિશોરોની અટકાયત કરી પીકઅપ ગાડી કબજે લઈ પશુઓ મળી કુલ રૂા. ૧,૭૬,૦૦૦નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યાેં છે જ્યારે આ બનાવમાં પશુઓ કતલ માટે પશુઓ મંગાવનાર અને બાળ કિશોરોની મદદ કરનાર અન્ય એક વિરૂધ્ધ પણ પોલીસે ગુનો દાખલ કર્યાેં છે.
આજરોજ તારીખ ૧૮મી જાન્યુઆરીના રોજ બપોરના એક વાગ્યાના આસપાસ દેવગઢ બારીઆના ભે દરવાજા ખાતે પોલીસને મળેલ બાતમીના આધારે વોચ ગોઠવી ઉભી હતી. બાતમીમાં દર્શાવેલ એક બોલેરો પીકઅપ ગાડી ત્યાંથી પસાર થતાં પોલીસ સાબદી બની હતી અને બોલેરો પીકઅપ ગાડી નજીક આવતાની સાથે પોલીસે બોલેરો પીકઅપ ગાડીને ચારેય તરફથી ઘેરી લઈ અંદર સવાર બે યુવકોને બહાર નીકળવાનું કહેતાં બંન્ને યુવકો બોલેરો પીકઅપ ગાડીમાંથી બહાર નીકળતાં પોલીસ ચોંકી ઉઠી હતી. બંન્ને બાળ કિશોરો પોલીસને નજરે પડતાં અને એક બાળ કિશોર બોલેરો ગાડીનો ચાલક હોવાનું સામે આવ્યું હતું. પોલીસે ત્યાર બાદ પીકઅપ ગાડીની તલાસી લેતાં અંદરથી ઘાસ, ચારો કે, પાણીની સુવિધા રાખ્યાં અને મોંઢે અને પગે દોરડાથી ક્રુરતા પુર્વક બાંધી રાખેલ ગેરકાયદે કતલખાને લઈ જવાતાં ૦૩ નંગ ભેંસ અને એક નંગ ગાય મળી કુલ ચાર પશુઓ કિંમત રૂા.૧૬,૦૦૦, એક બાળ કિશોર પાસેથી એક મોબાઈલ ફોન તેમજ બોલેરો ગાડીની કિંમત મળી કુલ રૂા. ૧,૭૬,૦૦૦નો મુદ્દામાલ પોલીસે કબજે કરી અટકાયત કરેલ બંન્ને બાળ કિશોરોની પુછપરછ કરતાં આ પશુઓ હુસૈનભાઈ અબ્દુલભાઈ શેખ (રહે. કાપડી, ફાટક ફળિયું, તા.દેવગઢ બારીઆ, જિ.દાહોદ) નાએએ મંગાવ્યાં હોવાનું જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, હવે કસાઈઓ પોતાનો ઈરાદો પાર પાડવા માટે અને પોલીસની નજર ચુકવવા માટે બાળ કિશોરોનો સહારો લેતાં હોઈ તેમ પ્રતિત થઈ રહ્યું છે.
આ સંબંધે દેવગઢ બારીઆ પોલીસે બંન્ને બાળ કિશોરો મળી કુલ ત્રણ જણા વિરૂધ્ધ પશુ સંરક્ષણ અધિનિયમની કલમ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
—————