બાબુ સોલંકી :- સુખસર
*સુખસર,ફતેપુરા તથા સંજેલી તાલુકામાં ધનવંતરી આરોગ્ય રથ દ્વારા શ્રમિકો સુધી પહોંચી રહી છે આરોગ્ય અને કલ્યાણકારી સેવાઓ*
*ત્રણ તાલુકાના કન્સ્ટ્રક્શન સાઇટો તથા સ્લમ વિસ્તારોમાં હિમોગ્લોબિન,બીપી,સુગર ટેસ્ટ સાથે નિઃશુલ્ક દવા વિતરણ અને ઈ-નિર્માણ કાર્ડની સુવિધા*
સુખસર,તા.4
ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારોમાં વસતા શ્રમિકો તેમજ ગરીબ વર્ગના લોકોને તેમના કાર્ય સ્થળેજ આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવા માટે ધનવંતરી આરોગ્ય રથ મહત્વની ભૂમિકા ભજવી રહ્યો છે.સુખસર, ફતેપુરા અને સંજેલી તાલુકાની જવાબદારી સંભાળતો આ આરોગ્ય રથ કન્સ્ટ્રક્શન સાઇટો,સ્લમ વિસ્તારો અને બાંધકામ ક્ષેત્રે કાર્યરત શ્રમિકો સુધી પહોંચી આરોગ્ય તપાસ અને સારવારની સુવિધા પૂરી પાડી રહ્યો છે.
ધનવંતરી આરોગ્ય રથમાં હિમોગ્લોબિન,બ્લડ પ્રેશર(બીપી), બ્લડ સુગર સહિતના વિવિધ આરોગ્ય પરીક્ષણો સ્થળ ઉપરજ કરવામાં આવે છે.તપાસ દરમ્યાન જરૂરિયાતમંદ લોકોને નિઃશુલ્ક દવાઓ પણ આપવામાં આવે છે. જેના કારણે રોજગારીમાં વ્યસ્ત શ્રમિકોને આરોગ્ય સેવાઓ માટે હોસ્પિટલ કે આરોગ્ય કેન્દ્ર સુધી જવાની જરૂરિયાત ઓછી થઈ છે.
આ ઉપરાંત બાંધકામ ક્ષેત્રે કાર્યરત શ્રમિકોના ઈ-નિર્માણ (શ્રમિક) કાર્ડ પણ કાઢી આપવામાં આવે છે.આ કાર્ડના આધારે શ્રમિકો અને તેમના પરિવારજનોને શિક્ષણ સહાય,માતૃત્વ સહાય,ડિલિવરી સહાય સહિતની વિવિધ સરકારી કલ્યાણકારી યોજનાઓનો લાભ મળી રહે છે.શ્રમિકોને યોજનાઓ અંગે જરૂરી માર્ગદર્શન અને સહાય પણ પૂરી પાડવામાં આવે છે.
ધનવંતરી આરોગ્ય રથ સાથે નિલેશ ડામોર (લેબર કાઉન્સિલર) શ્રમિકોને વિવિધ યોજનાઓ અંગે માહિતી અને માર્ગદર્શન આપી રહ્યા છે.
સમગ્ર પ્રોજેક્ટના કોર્ડિનેટર દશરથભાઈ વણકર છે.જ્યારે તેમની ટીમમાં પાયલોટ હેમંત દેસાઈ,લેબ ટેક્નિશિયન સહિત પાંચથી છ સભ્યોનો સ્ટાફ કાર્યરત છે.ટીમ સતત ત્રણેય તાલુકાના વિવિધ વિસ્તારોમાં ફરીને લોકો સુધી આરોગ્ય અને કલ્યાણકારી સેવાઓ પહોંચાડવાનું કાર્ય કરી રહી છે.સીએસસી આરોગ્ય સુખસર દ્વારા સંચાલિત આ પ્રોજેક્ટના કારણે અનેક શ્રમિકો અને જરૂરિયાતમંદ પરિવારોને આરોગ્ય તપાસ,સારવાર અને સરકારી યોજનાઓનો સીધો લાભ મળી રહ્યો છે.ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય જાગૃતિ અને શ્રમિક કલ્યાણ માટે ધનવંતરી આરોગ્ય રથની કામગીરી પ્રશંસનીય બની રહી છે.
