રાજેશ વસાવે :- દાહોદ
ઝાલોદ:રાજકોટ થી ઝાલોદ આવેલી એસ.ટી. બસમાં સવાર મુસાફરનુ મોત,
સ્થાનિક પોલીસે તપાસ હાથ ધરી..
દાહોદ તા.21
દાહોદ જિલ્લાના ઝાલોદ નગરમાં રાજકોટથી ઝાલોદ આવેલ એસ.ટી. બસમાંથી એક રાજસ્થાનના યુવક મુસાફરનો મૃતદેહ મળી આવતાં પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ઘટનાની જાણ સ્થાનીક પોલીસને કરવામા આવતાં પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી ગયો હતો ત્યારે મૃતક યુવકના મોબાઈલ ફોન મારફતે મૃતક યુવકના પરિવારજનોને જાણ કરવામાં આવતાં પરિવાજનો પણ ઘટના સ્થળે દોડી આવ્યાં હતાં ત્યારે ઘટનાને પગલે પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર આજે રોજ ૨૧મી જુનના રોજ સવારે 6:30 કલાકની આસપાસ રાજકોટ-દાહોદથી ઝાલોદ આવતી એસ.ટી બસ ઝાલોદ બસ સ્ટેશન મુકામે પહોંચી હતી જ્યાં એક પછી એક મુસાફરો બસમાંથી ઉતરવા લાગ્યાં હતાં પરંતુ એક મુસાફર પોતાની સીટ પર સુતો હોવાનું બસના કંડક્ટરને જણાતાં બસના કંડક્ટર દ્વારા તેની પાસે જઈ તેને ઉઠાડવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ યુવક ન ઉઠતાં કંડક્ટરને કંઈક થયું હોવાની શંકા ગઈ હતી અને યુવક શ્વાસ પણ ન લેતો હોવાથી તેનું મૃત્યુ થયું હોવાને પગલે એસ.ટી બસના કંડક્ટર દ્વારા તાત્કાલિક ઝાલોદ એસ.ટી ડેપોની ઓફિસ જઈ વિગતવાર માહિતી આપી હતી.
ઘટનાની જાણ સ્થાનીક પોલીસને કરવામાં આવતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો જ્યાં મૃત પામેલ યુવકના પાસે મોબાઈલ હોવાથી તેના મોબાઈલથી મૃતક યુવકના પરિવારજનોનો સંપર્ક કરવામાં આવ્યો હતો. મૃતકના પરિવારજનો પાસે માહિતી લેતા મૃતક વ્યક્તિનુ નામ રાકેશ સબુડા ગરાસીયા જણાવેલ હતુ તેમજ તે રાજસ્થાનના ગાંગડતલાઈના સાગન બંગલા ખાતે રહેતો હોવાનુ માલુમ પડેલ હતું. ઝાલોદ પોલીસે મૃતક યુવકના મૃતદેહને નજીકના દવાખાને પીએમ માટે મોકલી દઈ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.