બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકાના છાલોરના વૃદ્ધ જેટકો કંપની માંથી નિવૃત્ત થતાં પેન્શન મેળવવા નડિયાદ ડિવિઝનના નવ વર્ષથી ધરમ ધક્કા!?*
17 ફેબ્રુઆરી-1989 થી નડિયાદ ડિવિઝનમાં જેટકો કંપનીમાં વોચમેન તરીકે જોડાઈ વર્ષ-2015માં કપડવંજથી નિવૃત્ત થયેલા છે
વર્ષ 2014 થી નિવૃત્તિ બાદના લાભ માટે તમામ ડોક્યુમેન્ટ જમા કરાવવા છતાં નવ વર્ષ સુધી પેન્શન માટે તંત્ર દ્વારા ધ્યાન આપવામાં નહીં આવતુ હોવાનો આક્ષેપ
નડિયાદ જેટકોના જવાબદાર કર્મચારી ને નિવૃત્ત કર્મચારીના પેન્શન બાબતે મોબાઈલ દ્વારા પૂછતા પોલીસ ફરિયાદ કરવાની અપાતી ધમકી?
સુખસર,તા.13
ફતેપુરા તાલુકાના છાલોર ગામે રહેતા અને વર્ષ 1989 થી ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કંપની લિમિટેડ નડિયાદ ડિવિઝન ખાતે કાયમી વોચમેન તરીકે ફરજ બજાવી વર્ષ 2015માં નિવૃત થયેલ કર્મચારીને નડિયાદ જેટકો ના જવાબદાર અધિકારીઓ દ્વારા પેન્શન નો લાભ મેળવવા છેલ્લા 9 વર્ષથી ધરમ ધક્કા ખવડાવી રહ્યા હોવાનું જાણવા મળે છે.અને મોબાઈલથી પેન્શન કાર્યવાહી માટે પૂછપરછ કરતા જેટકો કંપનીમાં ફરજ બજાવતા નડિયાદ ખાતેના જવાબદાર અધિકારી દ્વારા પેન્શન બાબતે પૂછપરછ કરશો તો પોલીસ કેસ કરવાની ધમકી આપી એક નિવૃત્ત વૃદ્ધ કર્મચારીને પોતાના હકથી વંચિત રાખવા અને સરકારના નિયમોની ઐસી તૈસી કરી અન્યાય કરવામાં આવી રહ્યો હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકાના છાલોર ગામના ખાતુભાઈ હીરાભાઈ પારગી વર્ષ 1989 થી ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કંપની લિમિટેડ જેટકો ખાતે 220 કે.વી કપડવંજ એસએસ માં વોચમેન તરીકે ફરજ બજાવી રહ્યા હતા.અને વર્ષ 2015માં નિવૃત્ત થયા હતા.નિવૃત્તિ બાદ સરકારના નિયમોનુસાર મળવાપાત્ર પેન્શન અંગે જે-તે સમયે જરૂરી દસ્તાવેજો પણ કચેરીમાં જમા કરવામાં આવ્યા હતા.અને તમામ ડોક્યુમેન્ટની પૂર્તતા કર્યા બાદ પણ બે થી ત્રણ વર્ષ સુધી પેન્શન ચાલુ ન થતાં ખાતુભાઈ પારગી એ બીજી વાર ડભાણ નડિયાદ ખાતે આવેલ જેટકો કચેરી ખાતે રૂબરૂ જઈ પેન્શનના જરૂરી તમામ દસ્તાવેજો આપ્યા હતા. ત્યારબાદ પણ લાગતા-વળગતા અધિકારીઓએ ધ્યાન નહીં આપી કોઈ પણ કાર્યવાહી કરી ન હતી.અને ત્યારબાદ પણ ખાતુભાઈ પારગીએ પાંચેક વાર પેન્શન માટે જોઈતા કાગળની પૂર્તતા કર્યા બાદ પણ આજદિન સુધી પેન્શન મંજૂર કરવામાં નહીં આવ્યુ હોવાનો આક્ષેપ કરી રહ્યા છે.છેલ્લે 13 સપ્ટેમ્બર-2023 ના રોજ ફરીથી જેટકો નડિયાદ ખાતે રૂબરૂ જઈ પેન્શનની કામગીરી કરતા અને જેટકોના કર્મચારી વી.ડી.મકવાણા દ્વારા જણાવ્યા મુજબના દસ્તાવેજો જમા કરાવ્યા હતા.તેમ છતાં આજ દિન સુધી પેન્શન મંજૂર થયેલ નહી હોવાનું જાણવા મળે છે. જ્યારે હાલ આ કર્મચારીને પેન્શન માટે કરવામાં આવેલ કામગીરી બાબતે મોબાઈલ કોન્ટેક્ટથી પૂછપરછ કરતા હવે પછી પેન્શન બાબતે પૂછપરછ કરવી નહીં નહીં તો પોલીસ કેસ કરવાની ધમકી આપવામાં આવી રહી હોવાનું જાણવા મળે છે. આમ એક નિવૃત્ત વૃદ્ધ પેન્શનરને વર્ષો સુધી પેન્શનનો મળવા પાત્ર લાભ નહીં આપી હળહળતો અન્યાય કરવામાં આવી રહ્યો હોવાનું સ્પષ્ટ પણે જણાઈ રહ્યું છે.
ઉપરોક્ત બાબતે નિવૃત ખાતુભાઈ હીરાભાઈ પારગીએ મેનેજિંગ ડિરેક્ટર ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ તથા મેનેજિંગ ડિરેક્ટર ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કંપની લિમિટેડ,રેસકોસ ભવન,વડોદરા સહિત નાયબ કલેકટર(જનસંપર્ક) મુખ્યમંત્રી કાર્યાલય,ગાંધીનગર તેમજ દાહોદ જિલ્લા કલેકટર સમક્ષ ન્યાય મેળવવા લેખિત રજૂઆત કરી હોવાનું જાણવા મળે છે.
મેં નડિયાદ ડિવિઝન કપડવંજ એસએસ માં 26 વર્ષ સુધી કાયમી વોચમેન તરીકે ફરજ નિભાવી છે.અને વર્ષ 2015માં નિવૃત્ત થયેલ છે.હું છેલ્લા 9 વર્ષથી મારા પેન્શન માટે નડિયાદ જેટકો કચેરીના ધરમ ધક્કા ખાઈ રહ્યો છું.તેમજ અનેકવાર પેન્શન ના જોઈતા ડોક્યુમેન્ટની પૂર્તતા કરવા છતાં આજદિન સુધી મારું પેન્શન મંજૂર કરવામાં આવ્યું નથી.હું 70 વર્ષનો વૃદ્ધ છું,હાલ હું ચાલી પણ શકતો નથી.અને મારા આવકનુ કોઈ સાધન નથી.અને મારું પેન્શન ચાલુ કરવામાં આવે તો મારું શેષ જીવન નિર્વાહ સારી રીતે ચલાવી શકુ તેમ છું. વહેલી તકે મારુ પેન્શન શરૂ કરવામાં આવે તેવી મારી માંગ છે.
*(ખાતુભાઈ હીરાભાઈ પારગી જેટકો નિવૃત્ત કર્મચારી,છાલોર સ્થાનિક)*
મારા લેવલે કરવી પડતી કાર્યવાહી કરીને આપના પેન્શનના ડોક્યુમેન્ટ ઉપલા અધિકારીને આપી દીધેલા છે.અને મારા નામે કોઈ રજૂઆત કરશો નહીં,અગાઉ તમોએ મારા નામ જોગ રજૂઆત કરી તમારો કેસ હાથે કરીને બગાડ્યો છે.અને હવે પછી મારો મોબાઈલ નંબર તમારા મોબાઇલ માંથી કાઢી નાખજો અને હવે પછી તમો મને કોલ કરશો તો હું પોલીસ ફરિયાદ નોંધાવીશ.
*(વી.ડી.મકવાણા,જેટકો,નડિયાદ ડિવિઝન કર્મચારી)*