પરંપરાગત ગઢ સાચવવા કવાયત….
દાહોદ બેઠક પર ટિકિટ કાપ્યા બાદ વજુભાઇને જિલ્લા પ્રમુખની જવાબદારી સોંપી કોંગ્રેસના ડેમેજ કંટ્રોલના પ્રયાસો….
કિશન પલાસને મનાવવામાં કોંગ્રેસ અસફળ:ગઢ સાચવવા વજુભાઇને નવી જવાબદારી સોંપી હોવાના ક્યાસ
દાહોદ તા.22
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો રાજકીય માહોલ હવે જામવા લાગ્યો છે. રાજકીય પક્ષોના સ્ટાર પ્રચારકો ગુજરાતના ખૂણે ખૂણા ફેંદી રોકેટ ગતીએ ચૂંટણીનું ઝંઝાવાત પ્રચાર કરી રહ્યા છે. ત્યારે મધ્ય ગુજરાતના આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ જિલ્લામાં સમાવિષ્ટ કુલ 6 વિધાનસભાની બીજા તબક્કાનું 5 મી ડિસેમ્બરના રોજ મતદાન થવાનું છે. આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દાહોદ જિલ્લામાં ચૂંટણી પ્રચાર અર્થે આવી રહ્યા છે ત્યારે દાહોદ વિધાનસભા બેઠક પર ભાજપે આ વખતે રીપીટ થિયરી અપનાવી કનૈયાલાલ કિશોરી ને ઉમેદવાર બનાવ્યો છે તો બીજી તરફ કોંગ્રેસે ત્રણ ટર્મ થી ધારાસભ્ય એવા વજુભાઈ ને પાણીચું આપી હર્ષદ નિનામાને ટિકિટ આપી ઉમેદવાર તરીકે જાહેર કરતા કોંગ્રેસમા અંદરો અંદર ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. તો બીજી તરફ કોંગ્રેસના જ કિશન મેઘજીભાઈ પલાસે અપક્ષમાં દાવેદારી નોંધાવતા કોંગ્રેસમાં હોદ્દેદારોમાં બગાવતના સૂર દેખાયા હતા. વજુભાઈ ની ટિકિટ કાપ્યા બાદ તેમના સમર્થકો અને ટેકેદારોમાં નારાજગીનો માહોલ સર્જાયો હતો.સાથે સાથે વજુભાઈ તેમજ તેના સમર્થકોએ ભેદી મોન સેવી લેતા સુડી વચ્ચે સોપારી જેવી થઈ ગઈ હતી. જેના પગલે વર્ષોથી કોંગ્રેસનું પરંપરાગત રીતે ગઢ ગણાતી આ બેઠક પર સમીકરણો બદલાતા કોંગ્રેસ બેક ફૂટ પર આવી ગઈ હતી તેમ જણાઈ રહ્યું હતું. આ તમામ બાબતોને મોવડી મંડળે ગંભીરતાથી લઈ ડેમેજ કંટ્રોલ કરવા માટેના પ્રયાસો શરૂ કરાયા હતા. અંતર્ગત બે દિવસ અગાઉ રાજસ્થાનની સરકારમાં મંત્રી માલવિયાજી દાહોદ ખાતે દોડી આવ્યા હતા અને વજુભાઈ તેમના ઠેકેદારો અને સમર્થકોને મનાવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. સાથે સાથે પક્ષ સામે બગાવત કરી અપક્ષ માં દાવેદારી નોંધાવનાર કિશન મેઘજીભાઈ પલાસને પણ મનાવવાના પ્રયત્નો શરૂ થયા હતા. જેમાં ગઈકાલે ફોર્મ પરત લેવાના છેલ્લા દિવસે કિશન પલાસે દાવેદારી યથાવત રાખતા મોવડી મંડળને નિષ્ફળતા સાંપડી હતી. જોકે કોંગ્રેસે ગઈકાલે સાંજે રીસામણા મનામણા બાદ વજુભાઇ પણદાને જિલ્લા પ્રમુખ તરીકે નિયુક્તિ સાથે જવાબદારી સોંપી ડેમેજ કંટ્રોલ કરવા પ્રયાસો કર્યા હતા.જોકે હવે ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ ચૂક્યું છે.અગામી ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર કિશન પલાસ ભાજપ-કોંગ્રેસમાંથી કોને નુકશાન પહોંચાડે છે.? અથવા નિષ્ક્રિય બની હર્ષદ નિનામાને મદદ કરશે..? વજુભાઈ ની નવી જવાબદારી સોપ્યા બાદ વજુભાઈ તેમજ તેમના સમર્થકો અને ટેકેદારો શું ભૂમિકા ભજવે છે.તે તો અગામી 8 મી રોજ ચૂંટણી પરિણામ પરથી સ્પષ્ટ થઈ જશે.જેના પગલે દાહોદ વિધાનસભાનો ચૂંટણીનો મહા સંગ્રામ હવે રસપ્રદ બન્યું છે.જો હર્ષદ નિનામા કોંગ્રેસનો ગઢ સાચવી રાખવા સફળ થાય તો તેમના માટે એક સારી તક સાબિત થશે. અને વજુભાઇની ધારાસભ્ય તરીકેની કારદીર્દી પર પૂર્ણ વિરામ મુકાઈ જશે. અથવા ભાજપ માઈક્રો પ્લાનિંગ અને સોલિડ બુથ મેનેજમેન્ટના સથવારે કોંગ્રેસનું ગઢ ધવસ્ત કરવામાં સફળ થશે તો હર્ષદ નિનામાના “બાવાના બેઉ બગડશે ” તેવો ઘાટ સર્જાશે તે હાલ કહેવું અશક્ય છે. પરંતુ દાહોદ વિધાનસભા બેઠકનું ચિત્ર રસપ્રદ નીવડશે તેમાં કોઈ બેમત નથી.