જીગ્નેશ બારીયા :- દાહોદ/સૌરભ ગેલોત :- લીમડી
ઝાલોદના લીમડીમાં થોડાક દિવસ અગાઉ વેપારીને લાત મારી લૂંટનો પ્રયાસ કરનાર બનાવમાં લીમડી પોલીસને મળી સફળતા
પોલીસે ટેક્નિકલ સોર્સના માધ્યમથી બન્ને લૂંટારુઓને ઝડપી જેલભેગા કર્યા
પકડાયેલ બન્ને લુટારુઓએ લીમડી તેમજ સંજેલીમાં કુલ 6 ગુના આચર્યા
દાહોદ તા.૧૯
થોડા દિવસો પહેલાં દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના નાનકડા લીમડી નગરમાં એક વેપારી દુકાન ખોલવા જતાં બે લુંટારૂઓએ ચાંદીના દાગીના તથા રોકડા રૂપીયાની થેલીની લુંટ કરતાં બુમાબુમ મચી ગઈ હતી અને લુંટારૂઓ માલ મુદ્દામાલ લઈ ફરાર થઈ ગયાં હતાં. ગુન્હાની ગંભીરતાને ધ્યાનમાં લઈ દાહોદ જિલ્લા પોલીસ વડા દ્વારા જરૂરી માર્ગદર્શન અને સુચનાના આધારે લીમડી પોલીસે આ ગુન્હાને ગંભીરતાથી લઈ આરોપીઓને ઝડપી પાડવાની કવાયતો હાથ ધરી હતી ત્યારે ઈ – ગુજકોપ પોકેટ કોપ મોબાઈલ તથા સીસીટીવના માધ્યમથી લીમડી પોલીસે આ લુંટને અંજામ આપનાર બે ઈસમોને ઝડપી પાડી મોટરસાઈકલ કબજે લઈ બંન્ને આરોપીઓને જેલના સળીયા પાછળ ધકેલી દીધાનું જાણવા મળે છે.
તારીખ ૧૫.૦૭.૨૦૨૧ના રોજ વહેલી સવારે લીમડી સુભાષ સર્કલ પાસે ચાંદીના વેપારી રાજેન્દ્રકુમાર મુળચંદ દુગ્ગડ (જૈન) તેમની ઘરેણાં તથા રોકડા રૂપીયા ભરેલ થેલી લઈ દુકાન તરફ ગયાં હતાં અને વહેલી સવારે દુકાન ખોલતાં હતાં. આ દરમ્યાન દુકાનનું શટર ખોલતા હતાં ત્યારે બે લુંટારૂઓએ વેપારીને લાત મારી થેલી લઈને નાસી જતાં રાજેન્દ્રભાઈએ બુમાબુમ કરી મુકતાં આસપાસના લોકો દોડી આવ્યાં હતાં પરંતુ બંન્ને લુંટારૂઓ નાસી જવામાં સફળ રહ્યાં હતાં. આ ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઈ લીમડી પોલીસે આરોપીઓને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યાં હતાં ત્યારે લીમડી પોલીસે ગુન્હામાં વપરાયેલ મોટરસાઈકલના નંબરની ટેકનીકલ માધ્યમથી ચકાસણી કરતી હતી અને આસપાસના સીસીટીવી ફુટેજાેની પણ તપાસ કરી હતી. લીમડી પોલીસે અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યાં હતાં અને લીમડી પોલીસે આ લુંટની ઘટનાને અંજામ આપનાર ચિરાગભાઈ ધનાભાઈ બામણીયા (રહે. મોટી સીમલખેડી, તા.ઝાલોદ,જિ.દાહોદ) અને વિપુલભાઈ માનુભાઈ ડામોર (રહે. ખરસોડ, તા.ઝાલોદ, જિ.દાહોદ)ની ધરપકડ કરી તેઓની પાસેથી ગુન્હામાં વપરાયેલ રૂા.૪૦,૦૦૦ની મોટરસાઈકલ કબજે લીધી હતી. આરોપી વિપુલભાઈ માનુભાઈ ડામોર આ ગુન્હા ઉપરાંત લીમડી અને સંજેલી પોલીસ મથક હદ વિસ્તારમાં પણ ગુન્હાઓને અંજામ આપ્યાં હોવાનું સામે આવ્યું છે. આ મામલે લીમડી અને સંજેલી પોલીસ મથકે તેની વિરૂધ્ધ કુલ ૦૬ ગુન્હાઓ નોંધાયેલ છે.