કપિલ સાધુ @ સંજેલી, સંતરામપુરથી ઇલ્યાસ શેખ ની સાથે દાહોદ બ્યુરોની રિપોર્ટ
માં આદ્યશક્તિના નવ દિવસના નોરતા બાદ આજ રોજ શહેર સહિત જિલ્લામાં વિવિધ સ્થળોએ રાવણ દહન ની સાથે ઠેર-ઠેર શસ્ત્રપૂજા નો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો,સંજેલી પ્રજાપતિ ફળિયામાં અંબે માંના મંદિરે અષ્ટમીનું હવન કરી માઈ ભક્તો દ્વારા માતાજીના જવારાની વાડીઓ ભક્તિ ભાવ સાથે સંજેલી નગરમાં ફરી પુષ્પ સાગર તળાવ ખાતે વિસર્જિત કરી હતી, સંતરામપુરના રાજવી પરમાર દિત્યસિંહજી દ્વારા પ્રતાપપુરા તળાવકિનારે સમડીના વૃક્ષનું અને શસ્ત્ર પૂજન કરી પ્રતાપપુરા મેદાન ખાતે રાવણ દહનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો
દાહોદ તા. ૮
માં આદ્યાશક્તિનુ પર્વ એટલે નવરાત્રી.નવરાત્રીના નવ દિવસોમાં માંઈ ભક્તો માતાની પુજા, અર્ચના તેમજ ગરબા રમી નવરાત્રી પર્વની દાહોદ શહેરમાં પ્રજાએ ધામધુમથી ઉજવણી કરી હતી. નવ દિવસના નોરતા બાદ ગઈકાલે છેલ્લા નોરતામાં સવાર સુધી ગરબા રસીકો ગરબામાં મન મુકીને ઝુમ્યા હતા ત્યારે આજે દશેરા પર્વની પણ લોકોએ ધામધુમ પુર્વક ઉજવણી કરી હતી.
દાહોદ શહેરમાં છેલ્લા નવ દિવસથી માંઈ ભક્તો દ્વારા માતાની પુજા, અર્ચના તેમજ આરાધના કરી માતાને રીઝવવાનો પ્રયાસ કર્યા હતા. ખૈલેયાઓ પણ આ નોરતાના દિવસોમાં મન મુકીને ઝુમ્યા હતા. ગઈકાલે છેલ્લે નોરતે દાહોદ શહેરના ગરબા મંડળો, શેરી ગરબા વિગેરે સ્થળોએ ગરબા રમવા માનવ મહેરામણ ઉમટી પડ્યુ હતુ. ગરબા રસીકોમાં અનેરો ઉત્સાહ અને ઉમંગ પણ જોવા મળ્યો હતો. આજે દશેરા પર્વ નિમિત્તે દાહોદની પ્રજાએ જલેબી,ફાફડા આરોગી તેમજ રાવણ દહનનો કાર્યક્રમ નિહાળી દશેરા પર્વની પણ ધામધુમ પુર્વક ઉજવણી કરી હતી. બીજી તરફ રાવણ દહન દાહોદ શહેરમાં ગોવિંદનગર, પરેલ સાત રસ્તા, ભાગ્યોદય સોસાયટી,ગોદી રોડ જેવા વિસ્તારોમા દર વર્ષની જેમ આ વર્ષે પણ રાવણ દહનનો કાર્યક્રમ યોજાયો હતો. હવે જ્યારે એક પછી એક તહેવારોનો આરંભ થઈ ચુક્યો છે ત્યારે નવરાત્રી પુર્ણ થયા બાદ હવે દાહોદવાસીઓ દિવાળી તેમજ નુતન વર્ષના તહેવારની પણ રાહ જુવે છે અને તે તહેવાર પર ધામધુમથી ઉજવણી કરવા ઉત્સુક જોવા મળ્યા હતા. આજે દશેરા પર્વ નિમિત્તે દાહોદ ટાઉન પોલિસ ખાતે શસ્ત્ર પુજા પણ કરવામાં આવી હતી.
સંજેલી તાલુકામાં વિજયાદસમી ની ભવ્ય ઉજવણી કરવામાં આવી.
સંજેલી તાલુકામાં અષ્ટમીના રોજ આઈ શ્રી ખોડિયાર માતાના મંદિરે સંજેલી પ્રજાપતિ ફળિયા કોટા મહાકાળી મંદિર તથા ચમારીયા અંબેમાં ના મંદિરે અષ્ટમી નું હવન કરવામાં આવ્યુ હતું અને આજરોજ દશેરાના દિવસે માઈ ભક્તો દ્વારા જુદી જુદી જગ્યાએથી માતાજીના જવારા ની વાડીઓ ભક્તિ ભાવ સાથે સંજેલી નગરમાં ફરી પુષ્પ સાગર તળાવ ખાતે વિસર્જિત કરવામાં આવી હતી.
સંતરામપુરના રાજવી પરમાર દિત્યસિંહજીએ પ્રતાપપુરા તળાવકિનારે સમડીના વૃક્ષનું અને શસ્ત્ર પૂજન કરી નગરના વેપારીઓ ઠંડીના વૃક્ષના શુકન મેળવી ધનકુબેર થવાની આસ્થા પરંપરા નિભાવી નગરપાલિકા દ્વારા રાવણ દહનનો કાર્યક્રમ યોજાયો હતો
સંતરામપુર ખાતે આજે દશેરા પર્વની શાનદાર ઉજવણી કરાઇ હતી પ્રતાપપુરા તળાવ કિનારે સમડી પૂજન અને સાંજે પ્રતાપપુરા મેદાનમાં નગરપાલિકા દ્વારા રાવણ દહનનો કાર્યક્રમ યોજાયો હતો દર વર્ષની જેમ ચાલુ વર્ષે સંતરામપુરના રાજવી પરમાર દિત્યસિંહજી દ્વારા પ્રતાપપુરા તળાવકિનારે સમડીના વૃક્ષનું અને શસ્ત્રોનું પૂજન સંતરામપુરના રાજગોર દ્વારા કરવામાં આવ્યું હતું જે કાર્યક્રમમાં સંતરામપુર નગરના વેપારીઓ ઠંડીના વૃક્ષ ના શુકન મેળવી ધનકુબેર થવાની આસ્થા આ પરંપરા નિભાવી હતી સમડી પૂજન કાર્યક્રમ બાદ મોડી સાંજે નગરપાલિકા દ્વારા આયોજિત રાવણ દહનનો કાર્યક્રમ યોજાયો હતો રાવણ દહન ની સાથે આતીશબાજી પણ કરવામાં આવી હતી.