રાજેન્દ્ર શર્મા/જીગ્નેશ બારીયા :- દાહોદ
દાહોદવાસીઓ માટે ધોળા હાથી સમાન સાબિત થતી ઇન્દોર રેલ પરિયોજના:નમાલી નેતાગીરી તેમજ સરકારોના ઇચ્છાશક્તિના અભાવે છેલ્લા ત્રીસ વર્ષથી ડચકા ખાતી રેલ પરિયોજના,કોરોનાકાળમાં નિર્માણ કાર્ય હોલ્ટ પર મૂકી ટેન્ડરો રદ્દ કરાતાં પરીયોજના ખોરંભે પડી: રેલ બજેટમાં માત્ર ૨૦ કરોડ ફળવાતા આશ્ચર્ય, રેલવે તંત્રના સત્તાધીશો તેમજ ક્ષેત્રીય નેતાઓની વર્ચુઅલ મીટીંગમાં કાર્ય શરૂ કરવા થયેલી સહમતિના નિર્ણય બાદ લાંબો સમય વીત્યા છતાંય પરિસ્થિતિ યથાવત:પ્રાથમિક તબક્કાની જમીન સંપાદનની કામગીરી અધૂરી,
દાહોદ તા.૦૪
દાહોદ ઈન્દૌર રેલ પરિયોજના પુનઃ એકવાર ભુગર્ભમાંથી ડોકીયું કરી બહાર આવી છે. કરોડોના ખર્ચે પુર્ણ થનારી આ યોજનાનું કામ કેટલીક પ્રતિકુળતાઓ અને પ્રવર્તમાન પરિસ્થિતીઓને આધિન લગભગ બંધ થઈ જવા પામી હતી.
આ પરિયોજનાના અંગે રજુઆતો અને રેલ લાવો સમિતીનું ગઠન થતાં તાજેતરના બજેટમાં ઈન્દૌર – દાહોદ રેલ પરિયોજના માટે માત્રને માત્ર ૨૦ કરોડ જેટલી નાનો ટુકડો ફાળવવામાં આવતાં આગામી દિવસોમાં આ રેલ પરિયોજનાનનું કામ પુનઃ શરૂ થવાની ગણતરીઓ મંડાઈ રહી છે જાે કે, આ પરિયોજનામાં પ્રાથમીક તબક્કાની જમીન સંપાદનની કામગીરી જ ખુબજ મથંરગતિએ ચાલી રહી છે ત્યારે આ રેલ પરિયોજના ખરેખર પુરીપુર્ણ થશે કે કેમ? તેની મુંઝવણ પ્રજા માનસમાં ઉદ્ભવવા પામી છે. રેલ પરિયોજનાની પુર્ણતા સંપુર્ણ સંપાદિત થયાં પછી ચાર વર્ષના પુર્ણ થવાની ગણાવવામાં આવી રહી છે ત્યારે જમીન સંપાદનની કામગીરી ક્યારે પુરી કરાશે તે એક યક્ષ પ્રશ્ન બની રહ્યો છે.
ઇન્દોર – દાહોદ નવી રેલ પ્રોજેક્ટનું કામ વર્ષ ૨૦૦૭-૦૮માં પ્રારંભ કરવામાં આવ્યું હતું. આ કામગીરી ત્રીસ વર્ષાેથી ચાલી રહી છે પરંતુ આજદિન સુધી આ કામગીરીનો કોઈ અંત ન આવતાં આખરે કંટાળી પ્રજાજનોએ પણ તે તરફ જાણે નજર મંડરાવવાનું બંધ કરી દીધું છે. બીજી મંથરગતિએ ચાલતી આ કામગીરીએ વચ્ચે જાેર પકડ્યું હતું તો કોરોના વૈશ્વિક મહામારીના દોર દરમ્યાન ફરી આ કામગીરી અટકી જવા પામી હતી. અને જે તે સમયે આ કામના અનેક ટેન્ડરો પણ રદ થયા હોવાની બુમો ઉઠવા પામી હતી. બીજી તરફ આ વખતના રેલ બજેટમાં માત્ર ૨૦ કરોડ જેટલી રકમ આ પરિયોજનાને ફાળવવામાં આવતાં કેટલા અંશે અને ક્યાર સુધી હવે આ કામગીરી પુર્ણ થઈ જશે તેના ચોક્કસ એંધાણો પણ હાલ દેખાઈ રહ્યાં નથી
રેલ પરિયોજનામાં લાંબા સમય બાદ પણ જમીન સંપાદન તેમજ ઠેક ઠેકાણે કામગીરી અધૂરી હોવાથી યોજના પૂર્ણ થવાની આશા ધૂંધળી બની
મળતી પ્રાપ્ત વિગતો અનુસાર વાત કરીએ તો, લગભગ આ પરિયોજનાનું ૨૦૪.૭૬ કિલો મીટર પૈકી માત્ર હાલ ૭૭.૦૫ કિલો મીટરનું કામ પુર્ણ થયું છે જેમાં ઈન્દૌર – રાઉના ૨૧ કિલોમીટરના રેલ લાઈનમાં કામકાજ ચાલી રહ્યું છે જ્યારે દાહોદ – કતવારા લાઈનમાં ૨૦૧૯ – ૨૦ ના સમયગાળા દરમ્યાન ૧૧ કિલોમીટરનું ૭૦ ટકા કામ પુર્ણ થઈ ગયું હોવાના અહેવાલો મળી રહ્યાં છે બીજી તરફ પીટોલ – ઝાબુઆની ૧૨.૦૯ કિલોમીટરના કામમાં માત્ર ૨૫ ટકા કામ પુર્ણ થયું છે અને હાલ કામગીરી ચાલુ છે ત્યારે ટીહી – ગુનાવાડના ૩૨.૦૬ કિલોમીટરમાં પણ માત્ર હાલ ૩૦ ટકા કામ થયું હોવાના અહેવાલો મળી રહ્યાં છે અને આ લાઈનનું પણ હાલ કામ ચાલી રહ્યું છે જ્યારે ૧૨૭.૨૬ કિલો મીટરનું કામકાજ પ્રોગ્રેસમાં હોવાનું જાણવા મળી રહ્યું છે. કતવારા – પીટોલની વાત કરીએ તો, આ લાઈનના બધા ડોક્યુમેન્ટ સબમીટ કરી દેવામાં આવ્યાં અને લેન્ડ એક્યુઝીઝેશન પેન્ડીંગમાં હોવાનું કહેવાઈ રહ્યું છે જેમાં ૪૬.૦૯ કરોડ રૂપીયા ૨૦૧૮ના વર્ષમાં ફાળવવામાં આવ્યાં હતાં. ગુનાવાડ – ધારના ૧૨.૧૬ કિલો મીટરના કાર્યની વાત કરીએ તો, આ કામગીરી પણ હાલ પ્રોગ્રેસમાં ચાલી રહી છે તેવી જ રીતે ધાર – ઝાબુઆની ૧૦૩.૦૫ કિલોમીટરની લાઈનમાં પણ ડોક્યુમેન્ટ સબમીટ કરી દેવામાં આવ્યા છે અને લેન્ડ એક્યુઝીઝેશન પેન્ડીંગમાં હોવાનું કહેવાઈ રહ્યું છે.

ઇન્દોર દાહોદ રેલ માર્ગ પર આવતા ટનલ તેમજ પુલ બનાવવાનું કાર્ય વર્ષો બાદ પણ અધૂરા: ટનલ સહિત પુલના નિર્માણ કાર્યના ટેન્ડરો રદ થયા
આ તમામ લાઈનોની કામગીરીની વાત કરીએ તો, અત્યાર સુધી ટનલના કામકાજમાં ૧૬.૩૬ કિલોમીટરના અંતરમાં ૮ નંગ નાંખવામાં આવ્યાં છે.તેવી જ રીતે મેજાેર બ્રીજમાં ૫૪ નંગ. માઈનોર બ્રીજમાં ૧૯૩ નંગ. આરઓબી એન્ડ રબ્સમાં ૨૧ નંગ અને ૩૯ નંગ રીસ્પેક્ટીવ, લેવલ ક્રોસિંગની વાત કરીએ તો ૪૯ નંગ નાંખવામાં આવ્યાં છે. આમ, આ સંપુર્ણ કામગીરી હાલ ચાલી રહી હોવાના વાતો થઈ રહી છે.પરંતુ કોરોના કાળમાં આ યોજનાને હોલ્ડ પર મૂકી ટનલ તેમજ પુલનું નિર્માણ કાર્ય સહિતના ટેન્ડરો રદ્દ કરાતા આ પરિયોજના કામ છેલ્લા કેટલાય સમયથી બંધ હાલતમાં જોવાઈ રહ્યું છે.જોકે રેલબજેટમાં 20 કરોડ ફાળવવામાં આવ્યા છે. ત્યારે આ રેલમાર્ગ કાર્ય પૂર્ણ ક્યારે શરૂ થશે તે કહેવું મુશ્કેલ ભર્યુ લાગી રહ્યું છે.
ક્ષેત્રીય નેતાઓ તેમજ આગેવાનોની વારંવાર રજૂઆત છતાં પરિણામ શુન્ય: રેલવે તંત્રના આશ્વાસન બાદ કોઈ નક્કર કામગીરી ના થતા આદિવાસી બાહુલ્ય ધરાવતા વિસ્તારનો વિકાસ અવરોધાયો
આદિવાસી બાહુલ્ય ધરાવતા વિસ્તારોમાં અતિ મહત્વકાંક્ષી ગણાતી ઇન્દોર દાહોદ પરિયોજનાને પૂર્ણ કરવા માટે જેતે સમયે રેલ લાઓ સમિતિનું ગઠન કરવામાં આવ્યું હતું. તેમજ સમિતિ દ્વારા રેલ પરીયોજના પૂર્ણ કરાવવા માટે અવારનવાર રજૂઆતો તેમજ લાંબી લડત લડયા બાદ પણ કોઈ નક્કર પરિણામ હજી સુધી આવ્યો નથી. જોકે મોદી સરકારમાં તત્કાલીન લોકસભાના સ્પીકર સુમિત્રા મહાજન,ઇન્દોરના મોજુદા સાંસદ શંકર લાલવાની, દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર,તેમજ મધ્યપ્રદેશના ક્ષેત્રીય સાંસદો દ્વારા સમયાંતરે રેલવે વિભાગના ઉચ્ચ અધિકારીઓ તેમજ રેલવે મંત્રી પિયુષ ગોયલ જોડે મુલાકાત કરી આ રેલ પરિયોજનાને પૂર્ણ કરવા લેખિત તેમજ મૌખિક રજૂઆતો બાદ પણ પરિણામ જોવા મળ્યું છે. ત્યારે આ યોજના ખરેખર ક્યારે પૂર્ણ થશે તે ભવિષ્યના ગર્ભમાં છે.જોકે સ્ટેચ્યુ ઓફ યુનિટી (કેવડિયા)રેલમાર્ગ જે ગતિથી પૂર્ણ કરાયો તેજ ગતિથી આ પરિયોજનાને પ્રાથમિકતા આપી પૂર્ણ કરાવવાની લાગણી તેમજ માંગણી ઉઠવા પામી છે.
——————————-