દાહોદ:ખાદ્ય તેલના ભડકે બળતા ભાવ:પામોલિન, કપાસિયા અને સિંગતેલના ભાવમાં ₹૩૦૦ થી ૮૦૦ સુધીનો વધારો:નાના તેમજ મધ્યમ વર્ગનું બજેટ ખોરવાયું:તેલ માફિયાઓ દ્વારા મોટા પ્રમાણમાં સંગ્રહખોરી કરી કૃત્રિમ અછત ઊભી કરાઈ: દાહોદના વેપારીઓ દ્વારા ઉઘાડી લુંટ:ગ્રાહકો પાસેથી મનફાવે તેવા ભાવની વસુલાત:પ્રજા લાચાર
દાહોદ:ખાદ્ય તેલના ભડકે બળતા ભાવ:પામોલિન, કપાસિયા અને સિંગતેલના ભાવમાં ₹૩૦૦ થી ૮૦૦ સુધીનો વધારો:નાના તેમજ મધ્યમ વર્ગનું બજેટ ખોરવાયું:તેલ માફિયાઓ દ્વારા મોટા પ્રમાણમાં સંગ્રહખોરી કરી કૃત્રિમ અછત ઊભી કરાઈ: દાહોદના વેપારીઓ દ્વારા ઉઘાડી લુંટ:ગ્રાહકો પાસેથી મનફાવે તેવા ભાવની વસુલાત:તંત્ર નિદ્રાધીન
દાહોદ તા.૨૦
દાહોદ જિલ્લામાં દિવાળી બાદ એકાએક ખાદ્ય તેલની કિંમતમાં તોતિંગ વધારો થતાં ગૃહિણીઓના બજેટની સાથે સાથે ભાવ સાંભળી સામાન્ય માણસની કમર તુટી જવા પામી છે અને તેમાંય દાહોદ જિલ્લામાં તો તેલના વેપારીઓ જાણે ભુમાફિયા માફીક હવે તેલ માફિયાઓ સાબીત થઈ રહ્યાં છે. મનફાવે તેટલા કિલો દીઠ પૈસા વસુલી રહ્યાં હોવાની છડેચોક બુમો ઉઠવા પામી છે. આ સમગ્ર મામલે દાહોદ જિલ્લાનું લાગતું વળગતું તંત્ર પ્રજાના હિતને ધ્યાનમાં રાખી આવા તેલ માફિયાઓ ઉપર લગામ કશે તેવી લાગણી અને માંગણી ઉઠવા પામી છે.
કોરોના મહામારી દરમિયાન લોકડાઉનના કપરા કાળમાંથી પસાર થયેલા પ્રજા માટે ખાદ્યતેલમાં થયેલો તોતિંગ ભાવ વધારો એટલે પડતા ઉપર પાટુ જેવો ઘાટ સર્જાયો
દેશભરમાં કોરોના કાળના લીધે લોકડાઉનના કપરા કાળમાંથી માંડ માંડ બહાર આવેલા પ્રજા પર તહેવારો દરમિયાન થયેલા એકાએક તેલના ભાવ વધારાથી પડતા પર પાટુ જેવો ઘાટ સર્જાયો છે.દિવાળીના સમયગાળા દરમ્યાન દાહોદ જિલ્લામાં ખાદ્ય તેલના ભાવોમાં તોતિંગ વધારો નોંધાતા પામોલીન તેલનો ૧૫ કિલોનો ડબ્બો રૂા.૧૦૮૦નો ભાવે વેચાતો તેલનો ડબ્બો ૧૬૩૦ ઉપર પહોંચી ગયો છે. તેવી જ રીતે કપાસીયા તેલનો ભાવ ૧ હજારની અંદર હતો અને તે વધીને હમણાં ૧૮૨૦ને પાર કરી ગયો છે.તેમજ સીંગતેલનો ભાવ દિવાળી ટાણે ૨ હજારની આસપાસ હતો તે વધીને અત્યારે તો ૨૩૫૦ની કિંમતે વેચાઈ રહ્યું છે.
ભારતભરમાં ધુમ વેચાણ ધરાવતો પામોલીનન તેલની તો જાણવા મળ્યા અનુસાર, પામોલીન તેલ ઈન્ડોનેશીયા, મલેશિયાથી આવી રહ્યું છે. હાલ જ્યારે કોરોના વાઈરસના નવા સ્ટ્રેન્થના કારણે દેશની સરહદી વિસ્તારોમાં અવર જવર તેમજ ઈમ્પોર્ટ એક્ષપોર્ટની સુવિધા પર પણ ગ્રહણ લાગ્યું છે.તેના કારણે થી પણ કદાચ પામોલીન તેલની અછતના કારણે ભાવમાં વધારો થઈ શકે પરંતુ કપાસીયા તેલ અને સીંગતેલના ભાવોમાં કયાં કારણોસર વધારો છીંકાયો હશે.તે હાલ સમજની બહાર છે. તેલ માફિયાઓ દ્વારા રોકડી કરી લેવાના આશરે લોકોને બેફામ લુંટી રહ્યાં હોય તેમ હાલ દાહોદ જિલ્લામાં જણાઈ રહ્યું છે.ત્યારે અંગત વર્તુળોમાંથી જાણવા મળ્યા અનુસાર, દાહોદ જિલ્લામાં મોટા તેલના વેપારીઓ દ્વારા તગડો નફો રળી લેવાની મનછાએ ખાદ્યતેલની કૃત્રિમ અછત ઉભી કરી મોટા પ્રમાણમાં સંગ્રહખોરી કરવામાં આવી રહી હોવાની વાતો ચર્ચાઈ રહી છે. તેમજ વેપારીઓ દ્વારા બાદમાં ઉંચા ભાવે તેલનું વેચાણ કરી ટેક્સ ચોરી પણ કરવામાં આવી રહી હોવાની છડેચોક બુમો ઉઠવા પામી છે. દાહોદ જિલ્લામાં તેલ માફિયાઓ દ્વારા મનફાવે તેમ લોકો પાસે પૈસા વસુલ કરવામાં આવી રહ્યાં છે. આ તમામ સંદર્ભે જાે લાગતુ વળગતું તંત્ર આવા તેલ માફિયાઓ પર લગામ નહિવત હોવાના પરિણામ સ્વરૂપ દાહોદ જિલ્લાની લાચાર અને મધ્યમ વર્ગીય પરિવારને તેનું નુકસાન ભોગવવા મજબુર બન્યા છે.
દાહોદ જિલ્લાવાસીઓ આમ તો સ્વાદપ્રિય જનતા છે.તેમ કહીએ તો તેમાં કોઈ અતિશ્યોક્તિ નહીં ગણાય. આનો જ ફાયદો ઉઠાવી તેલના ભાવ વધારાની સાથે જ દાહોદ જિલ્લાની ઘણી ફરસાણની દુકાનો દ્વારા પણ મનફાવે તેટલા ભાવોમાં વધારો છીંકી દેવામાં આવ્યો છે. સામાન્ય ગણિત પ્રમાણે તેલના ભાવ પ્રમાણે ફરસાણના ભાવો નક્કી થતાં હોય છે. જેમાં પણ કિલો દીઠના અંતરે ભાવ નક્કી કરવામાં આવતો હોય છે. સાદી ભાષામાં કહીયે તો એક ફરસાણના વ્યાપારીના જણાવ્યા અનુસાર ખાદ્ય તેલના ભાવોમાં આવેલા ઉછાળાથી ફરસાણના ભાવોમાં કિલો પર 10 નો ભાવ વધારો વ્યાજબી ગણાય:પરંતુ જે ફરસાણની કિંમત એક – બે મહિના અગાઉ ૧ કિલોના ૧૬૦ થી ૨૨૦ હતા.આજે આજ ફરસાણમાં કિલો દીઠ ૨૬૦ ઉપરાંતની કિંમતનો વધારો ઝીંકી દેવામાં આવતા સ્વાદ રસિયાઓની રંગત ઉડી જવા પામી છે. આ મામલે સ્થાનિક તંત્ર દ્વારા કોઈ પણ કાર્યવાહી હાથ ન ધરાતાં જિલ્લાવાસીઓ નાછૂટકે મોંઘા ભાવે ફરસાણ ખરીદવા મજબુર બન્યા છે.
લાંબા સમય સુધી ફરસાણને ટકાવી રાખવા મોટાભાગના ફરસાણના દુકાનદારો સીંગતેલની જગ્યાએ પામોલીનમાં ફરસાણ બનાવતા થયાં
અત્રે મહત્વનું ઉલ્લેખનીય એ છે કે, ઘણી મોટી મોટી ફરસાણની દુકાનો પર જાહેરાતો પણ થતી હોય છે કે,ફરસાણમાં સીંગતેલનો ઉપયોગ કરવામાં આવે છે,અને સીંગતેલમાં ફરસાણ બનાવવામાં આવે છે.પરંતુ તજજ્ઞોના જણાવ્યા અનુસાર,સીંગતેલમાં બનાવેલ ફરસાણ ૧૫ દિવસ સુધી બગડતું નથી ત્યારે પામોલીન તેલમાં બનાવેલ ફરસાણ અઢી થી ત્રણ માસ સુધી સુરક્ષિત રહે છે. આવા સમયે સાચા અર્થમાં શું ફરસાણના દુકાનદારો ખરેખર સીંગતેલમાં જ ફરસાણ બનાવતાં હશે ? તે પણ વિચાર માંગી લેતો પ્રશ્ન છે. તગડો નફો રળી લેવાના આશયે ઘણા દુકાનદારો સીંગતેલના નામે પામોલીન તેલમાં ફરસાણ બનાવી વેચાણ કરતાં હોવાનું પ્રતિત થઈ રહ્યું છે.