Monday, 20/01/2025
Dark Mode

લીમખેડા તાલુકાના વટેડામાં મહિલાના ગળામાં પહેરેલો અછોડો તોડવાનો પ્રયાસ ભારે પડ્યો:એક ઝડપાયો,અન્ય એક ફરાર

લીમખેડા તાલુકાના વટેડામાં મહિલાના ગળામાં પહેરેલો અછોડો તોડવાનો પ્રયાસ ભારે પડ્યો:એક ઝડપાયો,અન્ય એક ફરાર

મઝહર અલી મકરાણી :- દે.બારીયા 

દે.બારીયા તા.01

દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના વટેડા ગામે બપોરના સમયે નંબર વગરની કાળા કલરની મોટરસાયકલ પર આવેલા બે ઈસમો પૈકી એક જણાએ પતિ સાથે રોડની સાઈડમાં ઉભા રહી કોઇ વાહનની રાહ જોતી એક મહિલાના ગળામાં હાથ નાખી ગળામાં પહેરેલ રૂપિયા ૨૪,૦૦૦/- ની કિંમતની સોનાની ચેન આજકી લઈ મહિલાના માથાના ભાગે મુક્કા મારી નાસવા જતા બેમાંથી એક ઈસમ પકડાઈ જતાં તેને પોલીસના હવાલે કર્યાનું જાણવા મળેલ છે.

પ્રાપ્ત વિગત અનુસાર દેવગઢ બારિયા તાલુકાના બૈણા ગામના વચલા ફળિયામાં રહેતી ૪૨ વર્ષીય આનંદીબેન ધનસુખભાઈ બારીયા પોતાના પતિ સાથે ગતરોજ બપોરના સાડા ત્રણ વાગ્યાના સુમારે લીમખેડા તાલુકાના વટેડા ગામે હાઈવે પર રોડની સાઈડમાં ઊભા રહી કોઇ વાહનની રાહ જોતી હતી. તે વખતે નંબર વગરની કાળા કલરની એક મોટર સાઇકલ તે લોકોની એકદમ નજીક આવી મોટર સાયકલ પર પાછળ બેઠેલો ઇસ્મે તે મહિલાના ગળામાં હાથ નાખી ગળામાં પહેરેલ રૂપિયા ૨૪૦૦૦/- ની કિંમતની સોનાની ચેન તોડી લઈ તે મહિલાના માથામાં મુક્કા મારી નાસવાનો પ્રયાસ કરતા બંને પતિ-પત્નીએ તેઓને પકડવાનો પ્રયત્ન કરતા ગરબાડા તાલુકાના આમલી ગામનો મનુભાઈ જુમલાભાઈ પલાસ ઝડપાઈ ગયો હતો. જ્યારે આંબલી ગામનો પંકજભાઈ મથુરભાઈ પલાસ મોટરસાયકલ લઈ નાસી ગયો હતો.
આ સંબંધે બૈણા ગામના ચેન સ્નેચિંગના ભોગ બનેલ આનંદીબેન બારીયા લીમખેડા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે આ સંદર્ભે ચેન સ્નેચિંગનો ગુનો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!