Sunday, 08/09/2024
Dark Mode

દે. બારીયાના રામા ગામે છોકરી ભગાડી જવાના મુદ્દે સાત વ્યક્તિઓએ એક વ્યક્તિનું અપહરણ કરી જીવલેણ માર મારી યમસદને પહોંચાડી દેતા ચકચાર:પોલિસ તપાસમાં જોતરાઈ

દે. બારીયાના રામા ગામે છોકરી ભગાડી જવાના મુદ્દે સાત વ્યક્તિઓએ એક વ્યક્તિનું અપહરણ કરી જીવલેણ માર મારી યમસદને પહોંચાડી દેતા ચકચાર:પોલિસ તપાસમાં જોતરાઈ

 જીગ્નેશ બારીયા @ દાહોદ, મઝહર અલી મકરાણી @દે.બારીયા 

દાહોદ/દે.બારીયા  તા.૦૭

દેવગઢ બારીઆ તાલુકાના રામા ગામે છોકરી ભગાડી ગયાના મુદ્દે એક ૪૦ વર્ષીય યુવકને  એક મહિલા સહિત સાત જેટલા ઈસમોએ યુવકનું અપહરણ કરી તેને એક મકાનમાં ગોંધી રાખી ગડદાપાટ્ટુનો ભારે ગેબી માર માર્યાે હતો અને આ બાદ આ યુવકને ગંભીર હાલતમાં પરિવારજનોને સોંપી દીધો હતો. ગેબી મારને કારણે ગંભીર ઈજાગ્રસ્ત યુવકને પરિવાજનો દ્વારા નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો જ્યાં યુવકનું સારવાર દરમ્યાન મોત નીપજતાં આ સંબંધે મૃતક યુવકની પત્ની દ્વારા સાત ઈસમો વિરૂધ્ધ પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે તમામના ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે.

પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકામાં સરસવા ગામે રહેતા રમણભાઈ મનસુખભાઈ પટેલની છોકરીને ગોધરા તાલુકાના ભામૈયા ગામે રહેતો  રાજેશભાઈ બકાભાઈ બારીયા લગ્ન કરવાને ઈરાદે લઈ નાસી ગયો હતો. આ બાદ બંન્ને પરિવારોમાં ભારે માથાકુટ પણ થઈ હતી. આ બાબતની અદાવત રાખી છોકરીને ભગાડી લઈ જનાર રાજેશભાઈને બનેવી શંકરભાઈ મનજીભાઈ બારીયા (રહે. રામા, બારીયા ફળિયુ, તા.દેવગઢ બારીઆ, જિ.દાહોદ) ના ઘરે  જસલીબેન હીરાભાઈ નટવરભાઈ જુજાર (રહે.રામા), રમેશભાઈ નટવરભાઈ જુજાર (રહે.રામા), રમણભાઈ મનસુખભાઈ પટેલ (રહે.સરસાવ, તા.ગોધરા) દિનેશભાઈ ગોપાળભાઈ પટેલ (રહે. સાલીયા, તા.મોરવા(હ),  રતીલાલ શનાભાઈ પટેલ (રહે. સાલીયા,સંતરોડ) તથા તેમની સાથેના બીજા બે થી ત્રણ ઈસમો ગત તા.૩૦મી મે ના રોજ રામા ગામે શંકરભાઈના ઘરે મોટરસાઈકલો લઈ આવ્યા હતા અને બેફામ ગાળો બોલી કહેવા લાગેલ કે, તમારો સાળો છોકરી લાવ્યો છે તે અમને સોંપી દો, તેમ કહેતા શંકરભાઈએ જણાવેલ કે,  હું કંઈ જાણતો નથી, તેમ કહેતા જ ઉપરોક્ત મહિલા સહિત સાતેય જણા એકદમ ઉશકેરાઈ જઈ શંકરભાઈ સાથે ઝપાઝપી પર ઉતરી આવ્યા હતા અને શંકરભાઈને લાપટો ઝાપટો મારી ઈજા પહોંચાડી હતી. આ બાદ તમામે ભેગા મળી શંકરભાઈને બળજબરી પુર્વક મોટરસાઈકલ પર બેસાડી અપહરણ કરી લઈ નાસી ગયા હતા. આ બાદ તેઓને એક ઓરડીમાં બે દિવસ સુધી ગોંધી રાખી ત્યા પણ તેઓને ગડદાપાટ્ટુનો ગેબી માર માર્યાે હતો. ગંભીર ઈજાગ્રસ્ત શંકરભાઈને ત્રીજા દિવસે તેઓના ઘરે છોડી જઈ તમામ નાસી ગયા હતા. ગંભીર ઈજાગ્રસ્ત શંકરભાઈની હાલત જાઈ પરિવારજનોના પગ તળેથી જમીન સરકી ગઈ હતી અને તેઓને તાત્કાલિક નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમ્યાન શંકરભાઈનું મોત નીપજતાં પરિવારજનોમાં આઘાતનું મોજુ ફરી ગયું હતુ. આ ઘટનાથી પંથક સહિત ગ્રામીણોમાં ચકચાર મચી જવા પામ્યો હતો.

આ સંબંધે મૃતક શંકરભાઈની પત્ની લલીતાબેન શંકરભાઈ મનજીભાઈ બારીયા દ્વારા દેવગઢ બારીઆ પોલીસ મથકે ઉપરોક્ત મહિલા સહિત સાતે જણા વિરૂધ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે બનાવની ગંભીરતાને ધ્યાને લઈ તપાસના ધમધમાટ સાથે તમામની અટકાયતના પગલાં લીધા છે.

error: Content is protected !!