બાબુ સોલંકી, સુખસર
ફતેપુરા તાલુકાના સુખસરમાં એક બંધ મકાનને નિશાન બનાવતા તસ્કરો :1.74 લાખના માલમત્તાની ચોરી.
દાહોદ તા.૨૩
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના સુખસર નગરમાં એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોના ચાંદીના દાગીના, લેપટોપ તેમજ રોકડા રૂપીયા મળી કુલ રૂા. ૧,૭૪,૦૦૦ની મત્તાની ચોરી કરી તસ્કરો નાસી જતાં પંથકમાં તસ્કરોના આતંકને પગલે ભયનો માહોલ સર્જાઈ જવા પામ્યો છે.
તા. ૨૦મી ઓગષ્ટના રોજ સુખસર નગરમાં પંચાલ ફળિયામાં રહેતાં રાધાબેન જયદિપભાઈ તાવિયાડના બંધ મકાનમાં રાત્રીના કોઈપણ સમયે અજાણ્યા ચોર ઈસમોએ બંધ મકાનને નિશાન બનાવ્યું હતું અને મકાનના દરવાજાનું તાળુ તોડી તસ્કરોએ મકાનમાં પ્રવેશ કર્યાં હતો. મકાનમાં મુકી રાખેલ તિજાેરી તોડી અંદરથી રોકડા રૂપીયા ૮૪,૦૦૦, સોનાની ચેઈન, સોનાની વીટી, કાનમાં પહેરવાની સોનાની બુટ્ટી, ચાંદીના કડા (ભોરીયા), ચાંદીના છડા અને એક લેપટોપ મળી કુલ રૂા. ૧,૭૪,૦૦૦ની ચોરી કરી અંધારાનો લાભ લઈ અજાણ્યા તસ્કરો નાસી જતાં ચકચાર મચી જવા પામી હતી.
આ સંબંધે રાધાબેન જયદિપભાઈ તાવિયાડે સુખસર પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.