બાબુ સોલંકી :- સુખસર
*સુખસર તાલુકાના નીંદકાપૂર્વ ચાંદલી થી ઇંગલિશ દારૂ સહિત રૂપિયા 3,82,615 નો મુદ્દામાલ કબજે કરતી દાહોદ એલ.સી.બી પોલીસ*
*પોલીસને જોઈ ઇંગલિશ દારૂ ભરેલી તુફાન ગાડી લઇ ભાગી ગયેલા ચાલકે ટ્રેક્ટરને ટક્કર મારી પલટી ખવડાવી ભાંગી છૂટ્યો*
સુખસર,તા.2
ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર કાયદાના પુસ્તકો પૂરતી મર્યાદિત રહી ગઈ હોય તેમ દેશી,ઇંગ્લીશ દારૂની હેરાફેરી કરતા બુટલેગરો નીડર બનતા પાણીની કટોકટી સર્જાય પરંતુ માંગો તે બ્રાન્ડનો દારૂ ગુજરાતમાં આસાનીથી મળતો હોવાના કિસ્સા અવાર-નવાર પ્રકાશમાં આવતા હોય છે.ગુજરાતમાં દારૂબંધીનો કાયદો કડક હોય તો રાજસ્થાન,મધ્યપ્રદેશ, હરિયાણા,ગોવાની સરહદો ઉપરથી ઇંગલિશ દારૂ ગુજરાતમાં કેવી રીતે જે-તે સ્થળે સહી સલામત કેવી રીતે પહોંચી જાય છે?પોલીસ તંત્ર પાસે બુટલેગરોને પકડવા માટે હાથ ટૂંકા પડે છે કે બુટલેગરની હોશિયારી કામ કરી જાય છે?તેનું મનોમંથન જરૂરી છે.
જાણવા મળેલ વિગતો મુજબ રવિવાર રાત્રિના સાડા અગ્યાર વાગ્યાના અરસામાં દાહોદ એલ.સી.બી પોલીસ ફતેપુરા વિસ્તારમાં ખાનગી વાહનમાં બેસી પેટ્રોલિંગમાં નીકળેલ હતા.તે દરમ્યાન ફતેપુરા થી ઝાલોદ જતા રસ્તા ઉપર ઉભા હતા.તેવા સમયે ફતેપુરાથી ઝાલોદ તરફ જતા રસ્તા ઉપર એક ફોરવીલર ગાડી પૂર ઝડપે હંકારી જતા ગાડી ચાલકને બેટરીના અજવાળાથી ઈશારો કરી ગાડી ઉભી રાખવા જણાવતા તુફાન ચાલક પોતાના કબજાની ગાડીને પુરપાટ ઝડપે હંકારી જતા દાહોદ એલ.સી.બી પોલીસના કર્મચારીઓ દ્વારા પીછો કરતા તુફાન ગાડી સુખસર બાજુ નીદકાપૂર્વના ચાંદલી બાજુના રસ્તે ગઈ હોવાની ખાતરી થતાં પોલીસે પીછો કર્યો હતો.
જ્યાં રસ્તે ચાલતા વાહન ચાલકો મારફતે પોલીસને જાણવા મળેલ કે તુફાન ગાડીના ચાલકે તેની તુફાન ગાડી જાહેર રસ્તા ઉપર પોતાની તથા અન્ય વાહન ચાલકો અને રાહદારીઓની જિંદગી જોખમમાં મુકાય તે રીતે પૂર ઝડપે ગફલત ભરી રીતે હંકારી જઈ ચાંદલી ગામે રોડ ઉપર આગળના ભાગે જઈ રહેલા કલ્ટી સાથેના ટ્રેક્ટરને ટક્કર મારી દીધેલાનું જાણવા મળતા પોલીસ ચાંદલી ગામે જઈ જોતા તુફાન ગાડીને આગળના ભાગે કલ્ટી સાથેનું ટેક્ટર પલટી ખાઈ ગયેલ જોવા મળ્યું હતું.અને તુફાન ગાડીનો આગળનો ભાગ ટ્રેકટર ઉપર ચડી ગયેલ જોવા મળ્યો હતો.જે ટ્રેક્ટર કે તુફાન ગાડીમાં કોઈ ઈસમ જોવા મળેલ ન હતો.જ્યારે તુફાન ગાડીમાં તપાસ કરતા ભારતીય બનાવટનો પરપ્રાંતિય ઇંગલિશ દારૂ તથા ટીન બિયરની પેટીઓ ભરેલ હોય જે અંગે કાયદેસર કરવા પંચનામું કરવામાં આવ્યું હતું.
જ્યારે તુફાન ગાડીનો રજીસ્ટ્રેશન નંબર જોતા જીજે-09.બીડી-1277 હોવાનું જણાઇ આવેલ.જ્યારે આ તુફાન ગાડીમાં તપાસ કરતાં ભારતીય બનાવટનો પરપ્રાંતીય ઇંગલિશ દારૂ તથા ટીન બિયરની બોટલો નંગ 524 જેની કિંમત રૂપિયા 77,615 નો પ્રોહી મુદ્દામાલ તથા ફોર્સ મોટર્સ લિમિટેડ કંપનીની તુફાન ગાડીની કિંમત રૂપિયા 3 લાખ તથા તુફાન ગાડીમાંથી મળી આવેલ મોબાઈલ ફોનની કિંમત રૂપિયા 5,000 મળી કુલ રૂપિયા 3,82,615 ના મુદ્દામાલ પ્રોહી પ્રતિબંધક એરિયામાં બિન અધિકૃત રીતે હેરાફેરી પરિવહન કરી લઈ આવી પોલીસને રસ્તા ઉપર ઉભેલ જોઈ તુફાન ગાડી ચાલકે ફતેપુરા થી સુખસર તરફ જતા રસ્તે પોતાની તથા અન્ય વાહન ચાલકો અને રાહદારીઓની જિંદગી જોખમમાં મુકાય તે રીતે પૂર ઝડપે રીતે ચલાવી ચાંદલી ગામે રોડ ઉપર આગળના ભાગે જઇ રહેલા કલ્ટી સાથેના ટ્રેક્ટરને ટક્કર મારી પલટી ખવડાવી હાજર મળી નહીં આવી ગુનો કર્યો હોવા બાબતે ફરાર તુફાન ચાલક વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ દાખલ કરી આગળની તપાસ દાહોદ એલ.સી.બી ના હેડ કોન્સ્ટેબલ જશપાલસિંહ નરેન્દ્રસિંહ રાઠોડનાઓ ચલાવી રહ્યા હોવાનું જાણવા મળે છે.
