દાહોદમાં વાવાઝોડાનો કહેરથી ઠેર-ઠેર તારાજી:સ્માર્ટ સિટીનો સાઈન બોર્ડ ધરાશાયી થતા 3 લોકોના મોત.! *સંજેલીમાં કાચુ મકાન ધરાશાયી: સંખ્યાબંધ વૃક્ષો ધરાશાયી થતા માર્ગ બાધિત, વીજ પુરવઠો ખોરવાયો.*

Editor Dahod Live
4 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

દાહોદમાં વાવાઝોડાનો કહેરથી ઠેર-ઠેર તારાજી:સ્માર્ટ સિટીનો સાઈન બોર્ડ ધરાશાયી થતા 3 લોકોના મોત.!

*સંજેલીમાં કાચુ મકાન ધરાશાયી: સંખ્યાબંધ વૃક્ષો ધરાશાયી થતા માર્ગ બાધિત, વીજ પુરવઠો ખોરવાયો.*

*પતરા તેમજ શેડ તૂટ્યા,એક વ્યક્તિ ઈજાગ્રસ્ત,સદનશીબે કોઈ જાનહાનિ નહીં.!*

*વાવાઝોડાએ કાર્નિવલ મેળાને ધમરોળ્યો, વ્યાપક નુકસાનીના અહેવાલ.!*

દાહોદ તા.02

  દાહોદ શહેર સહિત જિલ્લાભરમાં ગઈકાલે પ્રંચડ વાવાઝોડા તેમજ ગાજવીજ સાથે વરસાદ પડતા વિવિધ વિસ્તારોમાંથી તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. ખાસ કરીને ગરબાડા ચોકડી પાસે સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત મહાકાય સાઈન બોર્ડ પડતાં ત્રણ નિર્દોષ લોકોના કરુણ મોત નીપજતા અરેરાટી ફેલાઈ જવા પામી છે. સાથે સાથે વાહનોનો પણ ખુરદો બોલાઈ ગયો છે.જ્યારે એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયાના અહેવાલો સામે આવ્યા છે. જોકે આ ઘટનામાં દાહોદ ગરબાડા – અલીરાજપુર જતો NH 56 નો બન્ને તરફનો માર્ગ અવરોધિત થતા સ્થાનિક પોલીસ, ફાયર તેમજ સ્થાનિક લોકોએ તત્કાલિક રાહત અને બચાવ કામગીરી હાથ ધરી હતી.મરણ પામેલા તેમજ ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં મોકલી JCB મશીનો દ્વારા માર્ગ ખુલ્લો કરવાની કવાયત હાથ ધરી હતી. આ ઘટનામાં એક તરફ નબળી કામગીરી અને ભ્રષ્ટાચારના આક્ષેપોથી લોકોમાં રોષ છે. સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત થયેલા કામો અંગે ભ્રષ્ટાચારના પ્રશ્નો ઉપસ્થિત થઈ રહ્યા છે. ત્યારે આ મામલે નિવાસી અધિક કલેકટર RAC દ્વારા ઘટનાની તટસ્થ તપાસ હાથ ધરી દોષિતો સામે કાર્યવાહી કરવાની જાહેરાત કરી છે. ત્યારે દાહોદ જિલ્લામાં ગત મોડી રાત્રે આવેલા ભારે પવન અને વાવાઝોડાએ ભારે તારાજીમાં ગરબાડા ચોકડી પાસે ઉભેલો સ્માર્ટ સિટીનો વિશાળ સાઈન બોર્ડ રસ્તા પર ધરાશાયી થતા નીચે દબાઈ જવાથી ત્રણ લોકો દબાઈ જતા ઘટનાસ્થળે જ તેમના મોત નિપજ્યા હતા. જેમાં શક્કરિયાભાઈ નીનામા, હિમસિંગભાઈ પરમાર અને બાબુભાઈ બારીયાનો સમાવેશ થાય છે.

*સંજેલીમાં કાચુ મકાન ધરાશાયી: સંખ્યાબંધ વૃક્ષો ધરાશાયી થતા માર્ગ બાધિત, વીજ પુરવઠો ખોરવાયો.*

ગઈકાલે વાવાઝોડા બાદ વરસાદ વચ્ચે સંજેલીના કોટામાં કાચુ મકાન પડી જતા ઘરવખરી તેમજ અનાજને નુકશાન થયું છે. જેના પગલે મકાન માલિક ઘરવિહોણા થયો છે. જોકે આશ્ચર્યજનક રીતે અસરગ્રસ્ત મકાનમાલિકના પરિવારનો વહીવટી તંત્ર કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા કોઈ સંપર્ક ન કરતા ગામલોકોમાં આક્રોશ ફેલાયો છે. આ ઉપરાત દાહોદ શહેરના પરેલ વિસ્તારમાં, ગરબાડા તાલુકામાંથી પસાર થતા NH 56 પર દેવધા- સાહડા ગામ વચ્ચે સંખ્યાબંધ વૃક્ષો ધરાશાયી થતા હાઈવે બાધિત થયો હતો, જેના પગલે પોલીસે જાતે કુહાડી વડે ઝાડાને કાપી માર્ગ ખુલ્લો કર્યો હતો.આ ઉપરાત સંજેલીમાં ચમારીયા, સુખસર ફતેપુરા ખાતે પણ વીજલાઇન પર વૃક્ષો ધરાશાયી થતાં ઠેક-ઠેકાણે વીજ પુરવઠો બંધ થયો હતો.

*પતરા તેમજ શેડ તૂટ્યા,એક વ્યક્તિ ઈજાગ્રસ્ત,સદનશીબે કોઈ જાનહાનિ નહીં.!*

ગઈકાલે સર્જાયેલા પ્રચંડ વાવાઝોડામાં દેસાઈવાડ ખાતે શેડ તૂટ્યા હોવાનું સામે આવ્યુ જોકે નસીબજોગ નીચે કોઈ વ્યક્તિ હાજર ન હોવાથી જાનહાનિ ટળી હતી, આ ઉપરાત તળાવ ફળિયા ભીલવાડામાં એક પતરાંનું ટીન ઉડેને હવામાં કાગળની જેમ ફંગોળાતા ત્યાંથી પસાર થતા બાઈક ચાલક ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. ઉપરાંત ગલાલીયાવાડમાં દીવાલ ધરાસાઈ થતાં એક યુવતી ઈજાગ્રસ્ત થયો હોવાનું પણ સામે આવ્યું છે.

*વાવાઝોડાએ કાર્નિવલ મેળાને ધમરોળ્યો, વ્યાપક નુકસાનીના અહેવાલ.!*

દાહોદ શહેરના પડાવ નજીક ચાલતા કાર્નિવલ મેળો પણ વાવાઝોડાની ઝપટમાં આવ્યો હતો.અને મેળો શરૂ થાય તે પહેલા મેળાનો ગેટ અને લગાવવાની દુકાનોને ભારે નુકસાન થયું હતું.સાથે દુકાનો ઉપર લગાવેલા પતરા નીચે પડ્યા હતા.સદ્દનસીબે પતરા હવામાં ના ઉડતા કોઈ જાનહાની થઈ ન હતી.વાવાઝોડામાં મેળામાં લગાવાયેલાઝુલાને કોઈ નુકસાન થયું નથી.પરંતુ વાવાઝોડાના કારણે કાર્નિવલ મેળાના સંચાલકને મેળો ચાલુ કરતા પહેલા જ લાખોનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

Share This Article