ગરબાડા તાલુકા કોંગ્રેસ સમિતિની કારોબારી બેઠક યોજાઈ: ‘સંગઠન સૃજન અભિયાન’ હેઠળ ગરબાડા વિધાનસભા વિસ્તારમાં સંગઠનને મજબૂત કરવા રણનીતિ ઘડાઈ

Editor Dahod Live
2 Min Read

રાહુલ ગારી :- ગરબાડા 

ગરબાડા તાલુકા કોંગ્રેસ સમિતિની કારોબારી બેઠક યોજાઈ: ‘સંગઠન સૃજન અભિયાન’ હેઠળ ગરબાડા વિધાનસભા વિસ્તારમાં સંગઠનને મજબૂત કરવા રણનીતિ ઘડાઈ

દાહોદ તા. 2

ગરબાડા વિધાનસભા વિસ્તારના ગરબાડા તાલુકામાં ભરસડા સ્થિત હિંગળાજ માતાજીના મંદિર પરિસરમાં ‘સંગઠન સૃજન અભિયાન’ અંતર્ગત તાલુકા કોંગ્રેસ સમિતિની એક અત્યંત મહત્વપૂર્ણ કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. 

ગરબાડાના માજી ધારાસભ્ય ચંદ્રિકાબેન બારિયાના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ વિશેષ બેઠકમાં સમગ્ર તાલુકા અને ગ્રામ્ય સ્તરે કોંગ્રેસ પક્ષના સંગઠનને આક્રમક, સક્રિય અને વધુ મજબૂત બનાવવાની દિશામાં ગંભીર ચર્ચા-વિચારણા હાથ ધરવામાં આવી હતી. આ પ્રસંગે ગરબાડા તાલુકા કોંગ્રેસ પ્રમુખ મુકેશભાઈ, કાર્યકારી પ્રમુખ કાળુભાઈ ભુરીયા, માજી વિરોધ પક્ષના નેતા કિરીટભાઈ પટેલ, ગાંગરડી તાલુકા સીટના સભ્ય તેમજ દાહોદ જિલ્લા કોંગ્રેસના માજી પ્રમુખ રમીલાબેન ભુરીયા સહિત સંગઠનના વિવિધ મોરચાના પ્રમુખો, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં નિષ્ઠાવાન કાર્યકરો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા. 

બેઠકની શરૂઆતમાં હિંગળાજ માતાજીના દર્શન અને આશીર્વાદ મેળવીને સંગઠન પર્વનો પ્રારંભ કરાયો હતો, ત્યારબાદ ઉપસ્થિત અગ્રણીઓ દ્વારા પક્ષના બૂથ સ્તરના માળખાને ફરીથી સક્રિય કરવા, છેવાડાના ગામડાઓ સુધી પહોંચવા અને સ્થાનિક પ્રજાના પાયાના પ્રશ્નોને વાચા આપી તેમની લડાઈ લડવા માટે એકસૂત્રતાથી કામ કરવાનો દ્રઢ નિર્ધાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. 

અધ્યક્ષસ્થાનેથી બોલતા માજી ધારાસભ્ય ચંદ્રિકાબેન બારિયા અને પ્રદેશ કક્ષાના નેતાઓએ કાર્યકરોમાં નવો આત્મવિશ્વાસ પૂરતાં જણાવ્યું હતું કે સંગઠન જ પક્ષની ખરી શક્તિ છે અને આગામી દિવસોમાં દરેક પંચાયત અને ગામમાં જનસંપર્ક વધારીને કોંગ્રેસ પક્ષની પ્રજાલક્ષી નીતિઓ સામાન્ય નાગરિકો સુધી પહોંચાડવામાં આવશે.

Share This Article