બાબુ સોલંકી :- સુખસર
*ફતેપુરા તાલુકના મોટી રેલપૂર્વમાં લાખોની લૂંટના કેસમાં આરોપીના પોલીસ રિમાન્ડ નામંજૂર ઉપલી કોર્ટમાં રજૂ કરવામાં આવશે*
*રિમાન્ડ ના મંજૂર થતા અનેક ભેદો ઉકેલવાના બાકી આમની સાથે મોટી ગેંગ હોવાની પ્રબળ શકયતા*
સુખસર,તા.22
ફતેપુરા તાલુકાના મોટીરેલપૂર્વ ગામના ખેડા ફળિયામાં પરિવારજનોને બંધક બનાવી તલવારની અણીએ લાખો રૂપિયાના સોના-ચાંદીના દાગીના અને રોકડની લૂંટ ચલાવવાના કેસમાં ઝડપાયેલા મુખ્ય આરોપી કલ્પેશભાઈ રમેશભાઈ ચામઠાને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.
ફતેપુરા પોલીસે આરોપીની વધુ પૂછપરછ અને લૂંટના મુદ્દામાલ અંગે તપાસ માટે કોર્ટ સમક્ષ પાંચ દિવસના પોલીસ રિમાન્ડની માંગણી કરી હતી. જોકે, કોર્ટે પોલીસની રિમાન્ડ અરજી નામંજૂર કરી હોવાનું સામે આવ્યું છે.
પોલીસ તપાસ મુજબ આરોપીઓએ અગાઉ ઘરની રેકી કરી હતી અને 9 માર્ચ, 2026ના રોજ સાંજના સમયે મોટીરેલપૂર્વ ખાતેના રહેણાંક મકાનમાં પ્રવેશ કરી પરિવારજનોના હાથ-પગ બાંધી બંધક બનાવી તલવાર બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી લૂંટ ચલાવી હતી.
લૂંટમાં સોનાના હાર,પાટલા, વીંટી,ચેન,મંગળસૂત્ર સહિતના દાગીના તેમજ ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી થઈ હોવાનો આરોપ છે.લૂંટના ગંભીર કેસમાં પોલીસે રિમાન્ડની માંગણી કરી હતી, પરંતુ કોર્ટ દ્વારા રિમાન્ડ નામંજૂર કરવામાં આવતા હવે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મોટી રેલ ગામે થયેલી ચોરીના કેસમાં પકડાયેલા આરોપીના રિમાન્ડ ના મંજૂર થતા આ આરોપી પાસેથી હજુ ઘણું બધું ઓકવાનું બાકી છે.જો રિમાન્ડ મંજૂર થાય તો આ આરોપી સાથે મોટી ગેંગ હોવાની પ્રબળ શક્યતા સેવાય રહી છે.ત્યારે ઉપલીકોટમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે.
