
ઇલ્યાસ શેખ :- સંતરામપુર
ઓપરેશન ગંગા અંતર્ગત યુક્રેનથી સંતરામપુર પરત ફરેલી વિદ્યાર્થીની જીમી મુનીને મંત્રીશ્રી કુબેરભાઇ ડિડોરે સ્વાગત કર્યું
યુક્રેનમા એમ.બી.બી.એસ ના અભ્યાસાર્થે ગયેલી જીમી હેમખેમ પોતાના ઘરે પરત ફરતા લાગણી સભર દ્રશ્યો સર્જાયા
પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલા ‘ઑપરેશન ગંગા’ થકી હું આજે મારા પરિવાર સાથે છું-જીમીબેન મુની
લુણાવાડા તા.06
યુક્રેનની યુદ્ધગ્રસ્ત સ્થિતિમાંથી મહીસાગર જિલ્લાના સંતરામપુરની જીમીબેન પંકજભાઇ મુની હેમખેમ પોતાના ઘરે પરત ફરી છે. ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા ‘ઑપરેશન ગંગા’ અંતર્ગત યુક્રેનમાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓને સ્વદેશ પરત લાવવામાં આવી રહ્યા છે ત્યારે જીમી સહી સલામત ઘરે પરત ફરતાં પરિવારજનોએ આનંદની લાગણી સાથે સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો છે. સંતરામપુર ખાતે આજ રોજ જીમી મુની પરત ફરી તે સમયે ખાસ ઉપસ્થિત રહેલા ઉચ્ચ શિક્ષણ રાજ્ય મંત્રીશ્રી કુબેરભાઇ ડીડોર, અગ્રણીઓ અને પરીવારજનોએ સ્વાગત કર્યુ ત્યારે લાગણી સભર દશ્યો સર્જાયા હતા.
યુક્રેનના કિવ શહેરમાં ઓ ઓ બોગોમોલેટ્સ નેશનલ મેડીકલ યુનિવર્સીટીમાં એમબીબીએસના પથમ વર્ષમાં અભ્યાસ કરી રહેલી જીમી રશિયા દ્વારા યુક્રેન પર કરવામાં આવેલા હુમલા અને યુદ્ધની સ્થિતિમાં ત્યાં ફસાઈ હતી. જીમી જણાવે છે કે, ભારતીય એમ્બેસીની એડવાઈઝરી મુજબ અમારે યુક્રેન છોડી દેવાનું હતું યુધ્ધ ગ્રસ્ત પરિસ્થિતીમાં અસહ્ય મુશ્કેલી વેઠી કિવ શહેરથી લીવ અને ત્યાર બાદ પોલેન્ડ બોર્ડર પહોચી હતી.
યુદ્ધની ભયંકર સ્થિતિ વચ્ચે આકરી મુશ્કેલીઓ વેઠી સંતરામપુર સુધી પહોંચેલી જીમી જણાવે છે કે, ‘ઑપરેશન ગંગા’ અંતર્ગત ભારત એમ્બેસી દ્વારા અમને પોલેન્ડ બોર્ડરથી બસ દ્વારા ત્યારપછી ખાસ ફ્લાઈટ દ્વારા દિલ્હી પહોંચાડવામાં આવ્યા. દિલ્હીથી બસ દ્વારા અમે ગુજરાત આવતાં હું ઘર સુધી પહોંચી શકી છું. આ દરમ્યાન અમને કોઈપણ પ્રકારની મુશ્કેલી પડી નથી. દિલ્હી ખાતે તેમજ ગાંધીનગર સચિવાલય ખાતે ઉષ્માસભર સ્વાગત તેમજ અમારા રહેવા અને જમવા સહિતની સુંદર વ્યવસ્થા સરકારશ્રી દ્વારા કરવામાં આવી હતી.
યુક્રેનથી સલામતી રીતે પોતાના ઘરે પહોંચાડવા બદલ આભારની લાગણી વ્યક્ત કરતાં જીમી કહે છે કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલા ‘ઑપરેશન ગંગા’ થકી હું આજે મારા પરિવાર સાથે છું. તેઓ ખુબ પ્રશંસનિય કામગીરી કરી રહ્યા છે આવી કપરી પરિસ્થિતિમાં વહારે આવેલી ભારત સરકારે ઓપરેશન ગંગા શરૂ કરી વિનામુલ્યે સંવેદનાથી સ્વગૃહે પહોચાડ્યા છે ત્યારે સરકારનો ખુબ ખુબ આભાર માનુ છું.
જીમીની માતા રેખાબેન જણાવે છે કે, યુદ્ધના સમાચાર સાંભળી દિકરીની ચિંતા થતી હતી કે આવી સ્થિતિમાં તે કઈ રીતે પાછી આવી શકશે. તેવા સમયે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ‘ઑપરેશન ગંગા’ શરૂ કર્યું હોવાનું જાણવા મળ્યું અને આશા બંધાઈ કે હવે જીમી સલામત રીતે ઘરે પહોંચશે. અમારો વિશ્વાસ સાચો સાબિત થયો, આજે જીમી અમારી સાથે છે.
વધુમાં જણાવે છે કે, અમે જીમી સાથે સતત સંપર્કમાં હતા રાજ્ય મંત્રીશ્રી કુબેરભાઇ ડીડોરે અમારો સંપર્ક સાધી હૈયા ધારણા આપી હતી તથા વહિવટી તંત્રના અધિકારીઓએ અમારા ઘરની મુલાકાત લઈ યુક્રેનમાં ફસાયેલી જીમીની સ્થિતિ અંગે માહિતી મેળવી હતી. જેના આધારે અન્ય વિદ્યાર્થીઓ સાથે જીમીને પણ ઘરે લાવવાની વ્યવસ્થા કરી શકાય.
મંત્રીશ્રી કુબેરભાઇ ડિડોરે ‘ઑપરેશન ગંગા’ અંતર્ગત પરત ફરેલ જીમીબેન પંકજભાઇ મુની પરીવારની ખુશીમાં સામેલ થતા જીમીને આશીર્વાદ સહ શુભેચ્છાઓ પાઠવી હતી. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન અને સરકારના પ્રયત્નોથી દેશ અને રાજ્યના યુવાઓ સ્વગૃહે પરત ફરી રહ્યાં છે અને હજુ અન્યોને પરત લાવવાના પ્રયત્નો ચાલુ છે ગુજરાતના ૨૮૮ વિદ્યાર્થીઓ હેમખેમ પરત આવેલ છે. તેમજ મહીસાગર જિલ્લામાંથી અભ્યાસાર્થે ગયેલા ૧૪ વિદ્યાર્થીઓ પૈકી ૦૭ વિદ્યાર્થીઓને હેમખેમ ભારત લાવી દેવામાં આવ્યા છે.
**********************