
બાબુ સોલંકી:- સુખસર
ફતેપુરા તાલુકાના કરમેલમાં મનરેગા યોજના હેઠળ લાખોનો ભ્રષ્ટાચાર આચરાયો હોવાની રજૂઆત.
કરમેલમાં વર્ષ 2019-20માં માટી મેટલ રસ્તાની કામગીરી ઓન પેપર બતાવી રૂપિયા 8,61054/-ઉપરાંતની ગેરરીતિ આચરવામાં આવી હોવાની રજૂઆત.
કરમેલ ગામે મનરેગા યોજના હેઠળ કૂવાઓની કામગીરીમાં મોટા પાયે ગેરરીતિ આચરવામાં આવી હોવાનો આક્ષેપ.
બોગસ મજૂરો અને બાળકોના નામે મનરેગાની કામગીરીના નાણાં ઉપાડયા હોવાનો રજૂઆતમાં ઉલ્લેખ.
( પ્રતિનિધિ ) સુખસર,તા.28
દાહોદ જિલ્લાનો ફતેપુરા તાલુકો તકવાદી ભ્રષ્ટાચારી લોકો માટે ભ્રષ્ટાચાર આચરવા માટે સ્વર્ગ સમાન મનાય છે.તાલુકામાં અનેક નાના-મોટા કૌભાંડો આચરવામાં આવી રહ્યા છે. જેની રજૂઆતો પણ થાય છે.છતાં તેના કોઇ નક્કર પરિણામ નહીં આવતા ભ્રષ્ટાચારી લોકોને મોકળું મેદાન મળી જતા ભ્રષ્ટાચારી લોકો બેફામ બનતા જાય છે.સરકાર દ્વારા વિકાસના કામો પાછળ લાખો-કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે.છતાં આ નાણાંનો સદુપયોગ નહી થતા ગ્રામ્ય વિસ્તારોનો વિકાસ આઝાદીના દાયકાઓ બાદ પણ થઇ શક્યો નથી. તેમજ તાલુકામાં આવી જ રીતે સરકારી તંત્રો વહીવટ ચલાવતા રહેશે તો હજી પણ તાલુકાના વિકાસ માટે દાયકાઓ નો સમય લાગશે તેમ જણાઇ રહ્યુ છે. જો તાલુકાનો વિકાસ કરવો જ હોય તો ભ્રષ્ટાચારી લોકો સામે સરકારના જવાબદાર તંત્રો સહિત સ્થાનિક લોકોએ ભ્રષ્ટાચારની સામે બાંયો ચઢાવવા આગળ આવવું પડશે.નહીં તો લોકોએ હાલની પરિસ્થિતિથી પ્રજાની બદતર હાલત જોવાની તૈયારી રાખવી પડશે તેમ જણાય છે.
પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકાના કરમેલ ગામ માં વર્ષ 2019- 2020 ના સમયગાળા દરમિયાન મનરેગા યોજના હેઠળના કામો સ્થળ ઉપર કર્યા વિના બારોબાર નાણા ઉપાડવામાં આવ્યા હોવાની કરમેલ ગામના સ્થાનિકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે.તેમાં કરમેલ ગામે મેઈન રોડથી માતા ફળિયા સુધીનો નવીન માટી મેટલ રસ્તાનું કામ સ્થળ ઉપર કર્યા વગર જુદા જુદા નંબરના 10 માસ્ટરો ઉભા કરી રૂપિયા. 2,53,860/- તેમજ મટિરિયલ બિલના ક્રિષ્ના સિમેન્ટ ડેપોના નામના બોગસ બિલો બનાવી રૂપિયા.,1,54,368/- તથા કરમેલ પારગી પારસીંગભાઈ નામ ઘરથી માતા ફળિયા સુધી નવીન માટી મેટલ રસ્તાનું કામ સ્થળ ઉપર કર્યા વગર 13 માસ્ટરો દ્વારા રૂપિયા.2,98,458/ તથા ક્રિષ્ના સિમેન્ટ ડેપોના નામના બોગસ બિલોથી મટીરીયલ બિલના રૂપિયા.1,54,368/- સ્થળ ઉપર કામો કર્યા વગર ઉપાડી લઇ રસ્તાના નામે કુલ રૂપિયા.8,61,054/-નો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાની રજૂઆત કરવામાં આવી છે.
વધુમાં રજૂઆતમાં જણાવ્યા મુજબ મનરેગા યોજના હેઠળ જે લોકોએ કૂવાઓની કામગીરી કરી છે અને તેમાં જે મજૂરોએ કામો કર્યા છે તેવા લોકોને મજૂરીકામના નાણાં ચૂકવવામાં આવ્યા ન હોવા બાબતે રજૂઆત કરી જણાવ્યું છે કે, કૂવાઓની થયેલ કામગીરીના નાણા બોગસ મજુરોના નામે મસ્ટરો ભરી નાણાં ચાઉ કરવામાં આવ્યા હોવાની રજૂઆત કરવામાં આવી છે.જ્યારે 6 જેટલા કુવોઓની કામગીરી કર્યા વિના બારોબાર નાણા ઉપાડવામાં આવ્યા હોવાનું તેમજ આ મજૂરીના નાણાં કેટલાક બાળકોના ખાતાઓમાં પણ નંખાવી નાણાકીય ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનો રજૂઆત માં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.તેમાં કરમેલ ગામના હાલાભાઇ પારગીની માલિકીના સર્વે નંબરમાં જૂથ કુવો ખોદાણથી લઈ બાંધકામ પૂર્ણ થયેલ હોવા છતાં આ કુવા માલિકના જુદાજુદા 6 મસ્ટરો તાલુકા પંચાયત કચેરી ફતેપુરા દ્વારા ઇશ્યૂ કરવા છતાં અન્ય બીજા મજૂરોના નામે નાણાં ચુકવેલ હોવાનું જણાવ્યું છે.જ્યારે લાલાભાઇ પારગીના સર્વે નંબરમાં પોતાના ખર્ચે કુવો બનાવવાનું કામ કરવામાં આવેલ જે કુવાના નામે જુદા જુદા 12 મસ્ટરો દ્વારા બોગસ મજૂરો તથા મટિરિયલ્સના બિલના નાણાં ઉપાડી લઇ મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાની રજૂઆત કરવામાં આવી છે.
ઉપરોક્ત કથિત કૌભાંડ અંગે કરમેલના રમેશભાઈ હાલાભાઈ પારગી,રમેશભાઈ લાલાભાઇ પારગી તથા સોમજીભાઈ ચતુરભાઈ પારગી નાઓએ તાલુકા-જિલ્લાના લાગતા- વળગતા તંત્રોને 17 જુલાઈ-2021 ના રોજ રજૂઆત કરી કરમેલ ગામે માટી મેટલ રસ્તા તથા કુવાના બોગસ મસ્ટર ઊભા કરનાર અને રસ્તા અને કૂવાના કામો કર્યા વગર માલસામાન મટિરિયલ્સ પૂરું પાડનાર,બોગસ બિલો બનાવનારાઓ સહિત આ કૌભાંડમાં સંડોવાયેલા તમામ ભ્રષ્ટાચારીઓની સામે તટસ્થ અને નિષ્પક્ષ તપાસ કરી,સ્થળ તપાસ કરી કાયદાકીય કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.અગર આ કૌભાંડમાં ભીનું સંકેલવાનો પ્રયાસ થશે તો તેની રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરી નાછૂટકે નામદાર હાઇકોર્ટનો આશરો લેવા રજૂઆત કર્તાઓ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી રહી હોવાનું જાણવા મળે છે.