
બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકાના લખનપુર ખાતે આદિવાસી સમાજના સામાજિક રીતી રિવાજ સુધારણા માટે આગેવાનો દ્વારા મીટીંગનું આયોજન કરાયું.
આદિવાસી સમાજમાં વર્ષોથી રિવાજોના નામે ઘર કરી ગયેલા કુરિવાજો દૂર કરવા ચર્ચા વિચારણા કરવામાં આવી.
આદિવાસી સમાજમાં કન્યાના દહેજ પેટે રોકડ તથા લાખો રૂપિયાના દાગીનાની લેવડ- દેવડ કરવામાં આવે છે તેમાં મર્યાદા નક્કી કરવામાં આવી.
આદિવાસી સમાજમાં લગ્ન પ્રસંગો સહિત અન્ય સામાજિક પ્રસંગોમાં નવા બંધારણ પ્રમાણે સામાજિક પ્રસંગો ઉજવવા આગેવાનો દ્વારા ગ્રામજનોને આહવાન કરવામાં આવ્યું.
સુખસર,તા.10
સામાજિક રીત રિવાજો તે દરેક સમાજ માટે એક લક્ષ્મણરેખા છે.અને તે રેખાની અંદર રહી સામાજિક પરંપરા ને જાળવી રાખવા સમાજના નાના-મોટા તમામ સભ્યોનો સહકાર જરૂરી છે.પરંતુ કેટલાક સમાજોમાં વર્ષોથી રિવાજોના નામે ઘર કરી ગયેલા કુરિવાજોના લીધે સમાજમાં અનેક મધ્યમ તથા ગરીબી રેખા હેઠળ જીવતા પરિવારો રિબાઈ રહ્યા છે.અને કુરિવાજોના ભોગ બનેલા કેટલાક પરિવારોમાં જીવનભર રામાયણ સર્જાય છે.ત્યારે ફતેપુરા તાલુકાના નવ યુવાનો અને આગેવાનો દ્વારા સમાજમાં રિવાજોના નામે ઘર કરી ગયેલા કુરિવાજોને તિલાંજલિ આપવા સજાગ બની રહ્યા હોવાનું જાણવા મળે છે. તેમાં લખણપુર ગામના યુવાનો અને સામાજિક આગેવાનોએ એક મિટિંગનું આયોજન કરી નવીન બંધારણ પ્રમાણે સામાજિક પ્રસંગોની ઉજવણી કરવા આહવાન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે.
મોટાભાગે આદિવાસી સમાજના સભ્યો ખેતીવાડી સાથે સંકળાયેલા છે અને લોખંડી તાકાત ધરાવે છે.તેમાં શારીરિક શ્રમ કરવામાં મહિલાઓ પણ બાકાત નથી.મહેનત મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવવું તે તેમનો મુખ્ય હેતુ છે.અને સારી એવી કમાણી પણ કરી લેતા હોય છે.પરંતુ આદિવાસી સમાજના સામાજિક રીત રિવાજો ખર્ચાળ સાબિત થતા જતા હોય સમાજ અધોગતિ તરફ ધકેલાતો જાય છે સમાજમાં રિવાજોના નામે ઘર કરી ગયેલા કુરિવાજો દૂર કરી સામાજિક રીત રિવાજોમાં કરવામાં આવતા ખોટા ખર્ચાઓ ઉપર રોક લગાવવામાં આવે તો આદિવાસી સમાજને ગરીબી દ્વારા ડોકિયું કરી જોવાની પણ તાકાત નથી. અને મોઢે મોઢે સમજી ચૂકેલા આદિવાસી સમાજના નવયુવાનો તથા સામાજિક કાર્યકરો દ્વારા સમાજમાં પરિવર્તન લાવવા શ્રી ગણેશ કરવામાં આવી રહ્યા છે તે પ્રશંસનીય પગલું છે.
હાલ ફતેપુરા તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં આદિવાસી સમાજને અધોગતિ તરફ ધકેલતા કુરિવાજો નાબૂદ કરવા મીટીંગોનું આયોજન કરી સામાજિક પરિવર્તન લાવવા માટે પહેલ કરવામાં આવી રહી છે.તેમાં લખણપુર ગામે માતા ફળિયા વર્ગ પ્રાથમિક શાળામાં લખણપુરના સામાજિક આગેવાન પારસીગભાઈ પુંજાભાઈ તથા ભીમાભાઇ ખાતુભાઈ તાવિયાડ નાઓની તેમજ કમિટી સભ્યોની અધ્યક્ષતામાં અને ગ્રામજનોની હાજરીમાં આદિવાસી સમાજની સામાજિક મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં સમાજના રિવાજ પ્રમાણે વર્ષોથી દહેજ પ્રથા ચાલે છે.જેમાં કન્યાના દહેજ પેટે લાખો રૂપિયા ખર્ચ પેટે રોકડ,લાખો રૂપિયાના સોના-ચાંદીના દાગીના તેમજ અલગ-અલગ રિવાજ પેટે ખર્ચના નામે હજારો રૂપિયા વર પક્ષ પાસેથી વસૂલ કરવામાં આવે છે.જોકે કેટલાક સંજોગોમાં આદિવાસી સમાજમાં કન્યાની ભણતર અને લાયકાત મુજબ પણ દહેજ નક્કી કરવામાં આવતું હોય છે.જેના લીધે ક્યારેક યોગ્ય પાત્ર જતુ કરવું પડતું હોય છે.બીજી બાજુ જોઈએ તો એક પુત્રના લગ્ન કરવા આખું કુટુંબ વર્ષો સુધી મહેનત મજૂરી કરવા છતાં આ નાણાં સરભર કરી શકતા નથી.ત્યારે વધુ પુત્રો હોય તેવા લોકોને વર્ષો સુધી દહેજ પેટે ખર્ચ કરવામાં આવેલ રકમ ભરપાઈ થઈ શકતી નથી અને પેઢી દર પેઢી આદિવાસી સમાજ સામાજિક સ્તરે માથું ઊંચું રાખવાની લ્હાયમાં રીબાતા રહ્યા છે.ત્યારે સામાજિક પ્રસંગોમાં ખોટા ખર્ચાઓ ઉપર કાપ મુકવા ઉપસ્થિત ગ્રામજનોને માહિતગાર કરવામાં આવ્યા હતા.જેમાં ગ્રામજનો દ્વારા પણ પૂરતો સાથ અને સહકાર આપવા સંમતિ દર્શાવી હતી.
લખણપુર ખાતે યોજાયેલ આદિવાસી સમાજની સમાજ સુધારણા મિટીંગમાં સામાજિક આગેવાનો સહિત કમિટી સભ્યો દ્વારા નવીન બંધારણ પ્રમાણે રૂપિયા 1,11011/-ખર્ચ પેટે, પાંચ સો ગ્રામ ચાંદીના દાગીના, અઢી તોલા સોનાના દાગીના, વરની આગેવાની લેનાર ભાંગજેડના રૂપિયા સોળસો,કન્યાની આગેવાની લેનાર ભાંગજેડના રૂપિયા અગ્યારસો,ગામ ખર્ચના રૂપિયા અગ્યારસો, લગેતીયાના રૂપિયા અગ્યારસો, ઢોલવાળાના રૂપિયા ત્રણ હજાર,વાર બકરીના નાણાં બંધ કરવામાં આવ્યા છે.ડી.જે વગાડવા ઉપર પણ પ્રતિબંધ લાવવા બંધારણ ઘડવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. આમ આ ઘડવામાં આવેલ નવીન બંધારણ મુજબ સામાજિક રીત રિવાજોમાં સુધાર લાવવામાં આવે તો હાલ સુધી ચાલી આવેલ ખર્ચમાં અડધો ફાયદો થઈ શકે તેમ છે.
ઉપરોક્ત મુજબના નવીન બંધારણ સહિત સામાજિક બાબતમાં કોઈપણ પ્રકારે સમાજના સભ્યને મુશ્કેલી ઊભી થાય તો તેના માટે પણ હાલમાં ચાલી રહેલ પરંપરાથી વિમુખ થઈ બંને પક્ષમાંથી કોઈ એક પક્ષને નુકસાન નહીં થાય તેની પણ જોગવાઈ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.ફતેપુરા તાલુકામાં આદિવાસી સમાજના સ્થાન માટે મિટીંગોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.અને તે પ્રમાણે સમાજના સભ્યો પૂરતો સાથ સહકાર આપશેતો આદિવાસી સમાજ અવશ્ય ગરીબી રેખા ઉપર આવશે તેમાં કોઈ બે મત નથી.