બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકાના સુખસર પોસ્ટ ઓફિસના મકાનનું ભાડું નહીં ચૂકવતા માર્કેટયાર્ડના સત્તાધિશોએ કાર્યાલયને તાળું માર્યું.
સુખસર ખાતે માર્કેટયાર્ડના ભાડાના મકાનમાં ચાલતી પોસ્ટ ઓફિસનુ સત્તાધિશો દ્વારા બે વર્ષનું ભાડું ચૂકવાયું નથી.
સુખસર વિસ્તાર ના 45 ગામડાની 14 પોસ્ટ ઓફિસોનો વહીવટ સુખસર પોસ્ટ ઓફિસથી કરવામાં આવે છે.
સુખસર,તા.28
ફતેપુરા તાલુકાના સુખસર ખાતે આવેલ પોસ્ટ ઓફિસ વર્ષોથી ભાડાના મકાનોમાં ચલાવવામાં આવી રહી છે.બે વર્ષ અગાઉ માર્કેટ યાર્ડના એક ખંડિયેર મકાનમાં પોસ્ટ ઓફિસનો વહીવટ ચલાવવામાં આવી રહ્યો હતો.પરંતુ આ મકાનમાં ચોમાસા દરમિયાન છત ઉપરથી વરસાદી પાણી ટપકતા તથા ખંડિયેર મકાન પડી જવાના ભયથી આ મકાનની પાસે આવેલ માર્કેટ યાર્ડનુ જ મકાન પોસ્ટ ખાતાના જવાબદારો દ્વારા ભાડા પેટે લઈ પોસ્ટ ખાતાની કામગીરી કરવામાં આવી રહી હતી.પરંતુ છેલ્લા બે વર્ષથી ભાડું નહીં ચૂકવતા આજરોજ પોસ્ટ ઓફિસ કાર્યાલયને માર્કેટ યાર્ડના જવાબદારો દ્વારા તાળાં મારવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકાના સુખસર ખાતે આવેલ પોસ્ટ ઓફિસમાં 45 ગામડાઓનો સમાવેશ કરવામાં આવેલ છે.અને આ 45ગામડાઓ માટેની 14 જેટલી ગ્રામ્ય વિસ્તારોમાં સબ પોસ્ટ ઓફિસો કાર્યરત છે.જેનો તમામ વહીવટ સુખસર પોસ્ટ ઓફિસ ખાતેથી કરવામાં આવી રહ્યો છે.જોકે સુખસર પોસ્ટ ઓફિસનો સીડીઆર પણ સારો હોવા છતાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા વહીવટી કામગીરીને ધ્યાને લઈ કાર્યાલય સ્થાનનું આદિન સુધી ધ્યાન આપવામાં આવેલ નહીં હોવાનું જાણવા મળે છે.કેન્દ્ર સરકાર સંચાલિત એક કાર્યાલય માટે આઝાદીના દાયકાઓ બાદ પણ સરકાર દ્વારા વ્યવસ્થા થઈ નથી તે વિચિત્ર બાબત કહી શકાય.વર્ષોથી સુખસર માર્કેટ યાર્ડની અંદર આવેલ એક મકાનમાં પોસ્ટ ઓફિસ કાર્યાલય આવેલી હતી. પરંતુ આ મકાન ખંડિયેર હાલતમાં ફેરવાયા છતાં વર્ષો સુધી આ મકાનમાં પોસ્ટ ખાતાની કામગીરી કરવામાં આવતી હતી.પરંતુ છેલ્લા બે વર્ષથી આ ખંડિયર જેવા મકાનમાં છત ઉપરથી વરસાદી પાણી ટપકતા ઓફિસના દફ્તરો,કોમ્પ્યુટર તથા ટપાલને નુકસાન પહોંચતા સુખસર પોસ્ટ ઓફિસના પોસ્ટ માસ્તર દ્વારા ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરતા તાત્કાલિક માર્કેટયાર્ડની અંદર જ આવેલ અને માર્કેટયાર્ડની માલિકીના એક મકાનમા ઓક્ટોબર-2021 થી પોસ્ટ કાર્યાલય શિફ્ટ કરવામાં આવી હતી.અને તેનું માસિક ભાડું રૂપિયા 5500 નક્કી કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે.
હાલ છેલ્લા બે વર્ષથી સુખસર માર્કેટયાર્ડના મકાનમાં પોસ્ટ ખાતાના કાર્યાલયની કામગીરી ચાલી રહી છે. પરંતુ જે-તે વખતે આ મકાન પોસ્ટ ખાતાના જવાબદારો દ્વારા માર્કેટ યાર્ડના જવાબદારો પાસેથી ભાડા પેટે મકાન લીધેલ જેનું ભાડું દર માસે ચૂકવવા મૌખિક કરાર કરેલ હોવાનું પણ જાણવા મળે છે.તેમ છતાં બબ્બે વર્ષનો સમય વીતી જવા છતાં પોસ્ટ ખાતાના જવાબદારો દ્વારા માર્કેટયાર્ડને ભાડાની ચુકવણી નહીં કરાતા માર્કેટયાર્ડ તથા સુખસર પોસ્ટ ઓફિસના જવાબદારો દ્વારા પોસ્ટ ખાતાના ઉચ્ચ અધિકારીઓને અનેકવાર લેખિત મૌખિક રજૂઆતો કરવા છતાં તે પ્રત્યે ધ્યાન નહીં આપી આંખ આડા કાન કરવામાં આવતા આખરે આજરોજ માર્કેટ યાર્ડના જવાબદારો દ્વારા પોસ્ટ ઓફિસ કાર્યાલયને તાળાં મારેલ હોવાનું જાણવા મળે છે.
અહીંયા જણાવવું જરૂરી છે કે, સુખસર પોસ્ટ ઓફિસ કાર્યાલયને તાળાં મરાતા 45 જેટલા ગામડાઓના પોસ્ટમેનો સહિત પોસ્ટના કામ માટે આવતી પ્રજા રઝળી પડી છે.ત્યારે પોસ્ટ ખાતાના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ધ્યાન આપે તથા પોસ્ટના કર્મચારીઓ સહિત પોસ્ટના ગ્રાહકોને ઉભી થયેલ મુશ્કેલી તાકીદે દૂર કરે તે જરૂરી જણાય છે.