કલ્પેશ શાહ :- સીંગવડ
સીંગવડ તેમજ આસપાસમાં હોટલોમાં ઘરેલું સિલિન્ડર ઉપયોગથી ઉઠ્યા સવાલો.?
ગેસ એજન્સી અને વહીવટી તંત્રની બેદરકારી સામે લોકોમાં રોષ.!
સીંગવડ તા.23
દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના અંતેલા, પીપલોદ ગુણા તમામ ગેસ એજન્સીઓ અને બારિયા વિસ્તારોમા પણ એલપીજી ગેસની સમસ્યાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. એક તરફ દેશના વડાપ્રધાન કટોકટી જેવી પરિસ્થિતિમાં દેશની વ્યવસ્થા જાળવવા માટે પ્રજાને સહકાર અને સંયમ રાખવાની અપીલ કરતા હોય છે, ત્યારે બીજી તરફ જીવન જરૂરિયાત ગણાતી એલપીજી ગેસ જેવી મૂળભૂત સુવિધામાં અછત જેવી સ્થિતિ ઉભી થતાં સામાન્ય લોકોમાં રોષ ફેલાયો છે.
વિસ્તારના લોકોના આક્ષેપ મુજબ ઇન્ડિયન ગેસ અને ભારત ગેસ એજન્સીઓ દ્વારા “સિસ્ટમ એરર”, “નવી અપડેટ”, “ઓટીપી સમસ્યા” જેવા કારણો બતાવી ગ્રાહકોને દિવસો સુધી ધક્કા ખવડાવવામાં આવે છે. અનેક પરિવારોને 45 થી 60 દિવસ સુધી ગેસ બુકિંગ ન થવા અને સિલિન્ડર ન મળવાના બનાવો સામે આવ્યા હોવાનું લોકો જણાવી રહ્યા છે.
બીજી તરફ હાઈવેની હોટલો, નાસ્તાના ઠેલા અને લારીઓ પર કોમર્શિયલ સિલિન્ડરના બદલે ઘરેલું લાલ રંગના ઇન્ડિયન અને ભારત ગેસના સિલિન્ડરો ખુલ્લેઆમ વપરાતા હોવાના દ્રશ્યો ચર્ચાનો વિષય બન્યા છે. જેના કારણે સામાન્ય લોકોમાં સવાલ ઉઠી રહ્યો છે કે જરૂરિયાતમંદ પરિવારોને ગેસ ન મળે અને વેપારી સ્થળોએ ઘરેલું સિલિન્ડરો સરળતાથી કેવી રીતે પહોંચી રહ્યા છે?
લોકોમાં એવી ચર્ચા પણ ચાલી રહી છે કે ગેસ એજન્સીઓની બેદરકારી, વધારાની કમાણીની લાલચ અને સ્થાનિક વહીવટી તંત્રની નિષ્ક્રિયતા કારણે ગેરવહીવટ અને કાળા બજાર જેવી સ્થિતિ ઊભી થઈ રહી છે. પુરવઠા વિભાગ અને મામલતદાર કચેરીના જવાબદાર અધિકારીઓ સામે પણ લોકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે.
હવે લોકો માંગ કરી રહ્યા છે કે સ્થાનિક પ્રશાસન, પુરવઠા વિભાગ અને જવાબદાર અધિકારીઓ તાત્કાલિક તપાસ હાથ ધરી ઘરેલું ગેસના વેપારી ઉપયોગ સામે કડક કાર્યવાહી કરે અને સામાન્ય પ્રજાને સમયસર ગેસની સુવિધા ઉપલબ્ધ કરાવે.
