
બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકાના ફતેપુરા તથા સુખસર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા જી.આર.ડી ના જવાનોને પાંચ માસથી વેતનના વલખા..!?
રાત્રિના સમયે પ્રજાના જાન,માલ, મિલકતનું રક્ષણ કરતા જી.આર.ડી ના જવાનો પોતાને મળતા માનદ્ વેતન ઉપર ઘર ખર્ચ ચલાવવા મદાર રાખતા હોય છે.
મળવાપાત્ર માનદ્ વેતન વહેલી તકે ચૂકવી આપવામાં આવે તેવી જી.આર.ડી જવાનોમાં ઉઠેલી માંગ.
સુખસર,તા.18
ફતેપુરા તાલુકામાં પોલીસની સમક્ષ ફરજ બજાવતા જી.આર.ડીના જવાનોને છેલ્લા પાંચ માસથી મળવા પાત્ર વેતન ચૂકવવામાં નહીં આવતા હાલ આ જવાનો મુશ્કેલી ભોગવી રહ્યા છે.ત્યારે આ જવાનોને વહેલી તકે મળવાપાત્ર વેતન ચૂકવી આપવામાં આવે તેવી ફતેપુરા તાલુકામાં ફરજ બજાવતા જી.આઇ.ડી જવાનોની માંગ ઉઠવા પામેલ હોવાનું જાણવા મળે છે.
ફતેપુરા તાલુકાના ફતેપુરા તથા સુખસર પોલીસ સ્ટેશનોમાં ફરજ બજાવતા જી.આર.ડી ના જવાનો મોટાભાગે શ્રમિક પરિવારો માંથી આવે છે.અને તેઓ દિવસે ખેતી કામ કે છૂટક મજૂરી ધંધો કરી રાત્રિના સમયે જી.આર.ડી તરીકે ફરજ બજવવા આવતા હોય છે.એક લાકડીના સહારે અને જીવના જોખમે પ્રજાના જાન, માલ,મિલકતનું રક્ષણ કરતા હોય છે. જોકે જ્યાં-જ્યાં જી.આર.ડી/ હોમગાર્ડના જવાનો ફરજ બજાવતા હોય ત્યાં પોલીસનો માણસ પણ હાજર હોવો જોઈએ છતાં આ પોઇન્ટ ઉપર કોઈ પોલીસ હાજર નહીં રહેતા માત્ર હોમગાર્ડ તથા જી.આર.ડી ના જવાનો પોઇન્ટ સંભાળી લેતા હોય છે. તેમ છતાં જી.આર.ડી ના જવાનોને મળવાપાત્ર માનદ વેતન ચૂકવવામાં મહિનાઓ વિતાવવામાં આવે ત્યારે આ જવાનોને ઘરનું તંત્ર કઈ રીતે ચલાવવું તેવો યક્ષ પ્રશ્ન ઉભો થાય છે. અને તેવી જ રીતે હાલ છેલ્લા પાંચ માસથી તેઓને માનદ વેતન નહીં ચુકવાતા મોટી મુશ્કેલીમાં મુકાઈ ચૂક્યા છે.જોકે મોટા ભાગના આ જવાનો ખેતી સાથે સંકળાયેલા છે.અને તેઓને ખેતીમાં વાવેતરના સમયે બિયારણ, ખાતર વિગેરે લાવવા માટે જ્યારે રક્ષાબંધન જેવા તહેવારોમાં નાણાની જરૂરત પડતી હોય છે.તેમ છતાં ચાલુ વર્ષે છેલ્લા પાંચ માસથી જી.આર.ડી જવાનોને વેતન નહીં ચૂકવતા હાલ આ જવાનો મુશ્કેલી ભોગવી રહ્યા છે.ત્યારે જી.આર.ડી ના જવાનોને વહેલી તકે મળવા પાત્ર વેતન ચૂકવી આપવામાં આવે તેવી ફતેપુરા સુખસર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા જી.આર.ડી જવાનોની માંગ ઉઠવા પામેલ હોવાનું જાણવા મળે છે.