
દેવગઢ બારિયા તાલુકાના ભથવાડા ગામની ટીબીની બીમારીથી પીડિત પરણીતાએ સાસરિયાઓના ત્રાસથી ઝાડ પર સાડી વડે ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું: પંથકમાં ચકચાર
પરિણીતાના પિતાએ પીપલોદ પોલીસ મથકે જમાઈ તેમજ વેવાઈ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા પિપલોદ પોલીસે સાસરિયાઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો..
દાહોદ તા.૦૯
દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના ભથવાડા ગામે બીમારીથી પીડીત પરણિતાને તેના પતિ તથા સાસુ દ્વારા મેણા, ટોણા મારી શારિરીક અને માનસીક ત્રાસ આપી જમવાનું સમયસર ન આપતા સાસરીયાના અમાનવીય ત્રાસથી વાજ આવેલ પરણિતાએ ગામના એક ઝાડ સાથે સાડી બાંધી ગળે ફાંસો ખાઈ આયખું ટૂંકાવી લેતાં ચકચાર મચી જવા પામી છે.
મળતી માહિતી અનુસાર પંચમહાલ ગોધરા તાલુકાના ઓરવાડા ગામે બલુપુંરા મંદિર ફળિયાની ૨૪ વર્ષીય પરણિતા શકુન્તલાબેન ઉર્ફે ચકુબેન મોહનભાઈ કોળીના લગ્ન દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના ભથવાડા (ભુતીયા) ગામે રહેતા મોહનભાઈ બુધાભાઈ કોળી સાથે થયાં હતાં. લગ્ન જીવન દરમ્યાન પરણિતા શકુન્તલાબેનને ટીબીની બીમારી થઈ હતી.જે બાદ શકુન્તલાબેનના પતિ મોહનભાઈ તથા તેમના સાસુ સોનડીબેન બુધાભાઈ કોળી બંન્ને જણા અવાર નવાર પરણિતા શકુન્તલાબેનને મેણા ટોણા મારી જમવાનું ન આપતાં શકુન્તલાબેનથી ઘરનું કામકાજ થતું ન હોવાને કારણે શકુન્તલાબેનને મરી જવા માટે દુષ્પ્રેરણા કરતાં તારીખ ૦૮ ફેબ્રુઆરીના રોજ શકુન્તલાબેને ગામમાં આવેલ એક ઝાડ સાથે સાડી બાંધી ગળે ફાંસો ખાઈ આઇખું ટૂંકાવી લીધું હતું.
ઉપરોક્ત બનાવ સંબંધે પંચમહાલ જિલ્લા ગોધરા તાલુકાના ઓરવાડા ગામના મનસુખભાઈ બાપુભાઈ પટેલે પોતાના જમાઈ અને વેવાઈ વિરૂધ્ધ પીપલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
——————————-