બાબુ સોલંકી :- સુખસર
*સુખસર ફતેપુરા સંજેલી તાલુકામાં વિરપ્પનો દ્વારા વન સંપતિનો આડેધડ કરાતો નાશ*
*જંગલ ખાતું નિષ્ક્રિય:લાકડા ચોરો સામે કડક કાર્યવાહીની માંગણી*
*જંગલ વિસ્તારના રહીશોમાં વન સંપદા બચાવવા જાગૃતિના કાર્યક્રમોની જરૂર*
સુખસર,તા. 4
પૃથ્વીના ફેફસા ગણાતા વૃક્ષ સંપદાનો વિનાશ થતા વાતાવરણમાં ફેલાતો કાર્બન ડાયોક્સાઇડ વાયુ હવે વાતાવરણ માટે ખતરા રૂપ બનતો જાય છે.વૃક્ષોનું આડેધડ થતું નિકંદન તેમજ માનવસર્જિત ઉદ્યોગોના કારણે અંગાર વાયુનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે.આમ કુદરતી આપત્તિઓ કરતા મોટાભાગની મુશ્કેલીઓ માણસે પોતાના હાથે કરીને ઊભી કરેલી છે. જ્યારે મુશ્કેલીઓનો સામનો કરવાનો સમય આવતા કુદરતનો દોષ કાઢવામાં આવે છે.
આવનાર આપત્તિઓને ભૂલી જંગલોનો નાશ કરવાના કારણે વરસાદ ઘટી રહ્યો છે.વરસાદી પાણી ઉપર નભતા ખેડૂતોના પાકો સતત નિષ્ફળ જઈ રહ્યા છે.અગાઉના વર્ષોમાં જ્યાં જુઓ ત્યાં ઘટાદાર વૃક્ષો જોવા મળતા હતા ત્યારે હાલમાં જે પાણી માટેની કટોકટી છે તેવી મુશ્કેલી પડતી નહોતી.જ્યારે જંગલોનો નાશ થતાં વર્ષો વર્ષ વરસાદ ઘટી રહ્યો છે. અને વાતાવરણમાં અચાનક પલટો આવી જાય છે.જો જંગલોનો નાશ થતો અટકે તેમજ નવા વૃક્ષોનું વાવેતર કરી તેની માવજત કરવામાં આવે તો આવનાર સમયમાં પાણી માટેની જે ગંભીર કટોકટીના એંધાણ વર્તાઇ રહ્યા છે તે હજી પણ સજાગ બની વૃક્ષોનું વાવેતર કરી તે સમસ્યા નિવારી શકાય તેમ છે.
દાહોદ જિલ્લાના સુખસર, ફતેપુરા તથા સંજેલી તાલુકામાં સારા એવા પ્રમાણમાં જંગલોનો વિકાસ કરી શકાય તેવો વિસ્તાર છે.જ્યારે હાલ આ વિસ્તારમાં જંગલ ખાતાની બેદરકારીના કારણે જંગલો નામ શેષની દિશામાં જઈ રહ્યા છે. જંગલોની જાળવણી માટે સરકાર કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે છતાં આજે આખા ગુજરાતમાં ઘાટું જંગલ કહી શકાય તેવો કોઈ વિસ્તાર નથી. જંગલો માંથી વૃક્ષોનું નિકંદન નિરંતર ચાલુ છે.તે લાકડું ક્યાં જાય છે તેની આજે કોઈને ખબર નથી.જ્યારે વન ખાતાના રખેવાળો કુંભકર્ણની નિંદ્રામાં ઊંઘતા હોય તેમ જણાય છે.જો વન ખાતું પહેલાથી જ સજાગ રહ્યું હોય તો હાલ જે”વૃક્ષો વાવો વરસાદ લાવો,પર્યાવરણ બચાવો” ના સૂત્રો પાછળ કરવામાં આવતો ખર્ચ બચાવી શકાય હોત.
જંગલોનો નાશ થવાના કારણે જંગલી પશુઓ પણ નામ શેષ થઈ રહ્યા છે.અગાઉ ફતેપુરા,સંજેલી, સુખસર તાલુકાના નાના જંગલ વિસ્તારોમાં વાઘ,સિંહ,દીપડા તેમજ અન્ય જંગલી પશુઓની રાડ પડતી હતી.જ્યાં હાલ શિયાળવાના દર્શન પણ દુર્લભ છે.જંગલ વિસ્તારમાં જંગલ નાશ થવાના કારણે જંગલ ખાતાની જમીનમાં આજુબાજુ વસવાટ કરતા લોકો તે જમીનનો ઉપયોગ ખેતીવાડી માટે કરી રહ્યા છે. જેથી જંગલ વિસ્તારની સરહદ ટૂંકી થઈ રહી છે.
વૃક્ષોની ગેર કાયદે કાપણી થાય છે જેમાં મોટાભાગના વૃક્ષ છેદનમાં જંગલ ખાતાના કર્મચારીઓની રહેમ નજર હેઠળ તે લાકડા સગેવગે કરવામાં આવતા હોય મોટાભાગના વિરપ્પનો પકડાઈ શકતા નથી.જંગલ ચોરીના ગણ્યા ગાંઠ્યા કિસ્સા પ્રકાશમાં આવે છે.પ્રકાશમાં આવેલ કિસ્સા લગભગ તો દબાવી દેવામાં આવે છે.અને જેથી લાકડા ચોર લોકોને મોકળુ મેદાન મળી જાય છે. હાલ જંગલ વિસ્તારમાં સાગ,સાલ, સીસમ જેવા ઈમારતી લાકડા ની સાચવણી કરી શકાય નથી તેમજ નવીન વૃક્ષોની વાવણી બાદ તેની માવજત કરવામાં નહી આવતા આ રોપાઓ નાશ પામે છે.આમ વારંવાર ખર્ચ કરવા છતાં વૃક્ષોની વૃદ્ધિ થઈ શકતી નથી કે જૂના વૃક્ષોની જંગલ ખાતા દ્વારા સાચવણી પણ કરી શકાતી નથી.આવી જ રીતે જંગલ ખાતું હજી થોડા વર્ષ ઊંઘતું રહેશે તો કદાચ વન ખાતુ વિસર્જન કરવાનો સમય આવશે તેમ જણાઈ રહ્યું છે.
જો જંગલ ખાતા દ્વારા નવા વૃક્ષોનું વાવેતર કરી તેની માવજત કરવામાં આવે,થઈ રહેલા વૃક્ષ છેદન અટકાવવામાં આવે તેમજ લાકડા ચોર લોકોની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તે સાથે ગ્રામ્ય વિસ્તારોમાં જે તે જમીન માલિકોને ગ્રામ પંચાયત તથા સરકાર દ્વારા દર વર્ષે નવીન વૃક્ષો વાવેતર કરી તેની માવજત કરી વૃક્ષ ઉછેર કરવા નિયમ બનાવવામાં આવે તો વૃક્ષોની વૃદ્ધિ થશે અને અચાનક પલટાતા વાતાવરણમાં આવતો પલટો અને તેનાથી થતા નુકસાન થી લોકો બચી શકશે. જંગલ ખાતા ના નામે વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે તે ખર્ચનો સદ ઉપયોગ કરવામાં આવે તો શેષ થતા જંગલોને બચાવી જંગલ ખાતામાં પણ ફરજ નિષ્ઠ અધિકારીઓ છે નો દાખલો બેસાડી શકાય તેમ છે.
