Sunday, 28/11/2021
Dark Mode

ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સ…દાહોદની નાઇટીન્ગલ ! ૧૪ માસથી કોરોના વોર્ડમાં કામ કરતી આ નર્સ થાકતી નથી,હારતી નથી

May 11, 2021
        691
ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સ…દાહોદની નાઇટીન્ગલ ! ૧૪ માસથી કોરોના વોર્ડમાં કામ કરતી આ નર્સ થાકતી નથી,હારતી નથી

દાહોદ લાઈવ….

ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સ દાહોદની નાઇટીન્ગલ ! ૧૪ માસથી કોરોના વોર્ડમાં કામ કરતી આ નર્સ થાકતી નથી, હારતી નથી

ઝાયડ્સના આઇસીયુ વોર્ડમાં પરિચારિકાનું કપરૂ કામ કરતી રીમા કપૂર દર્દીઓમાં આત્મવિશ્વાસના પ્રાણવાયુ પૂરવાનું કામ કરે છે

દાહોદ તા.11

બહાર સૂરજ દાદા ૪૪ ડિગ્રી તાપ વરસાવી રહ્યા હોય અને હોસ્પિટલમાં પીપીઇ કિટ પહેરી કોરોના પીડિત દર્દીઓની શુશ્રૂષા કરવી એ કોઇ નાનીસૂની વાત નથી. કોરોનાકાળમાં આવા અનેક પ્રથમ હરોળના આરોગ્યસેનાનીઓ પોતાની અને પોતાનાની ચિંતા કર્યા વિના દિનરાત દર્દીઓની સેવા કરી રહ્યા છે. આવા જ એક નર્સ છે દાહોદની ઝાયડ્સ મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલના રીમા કપૂર ! તેનું કામ ફ્લોરેન્સ નાઇટીન્ગલથી કમ નથી.
કોરોના વોર્ડમાં કામ કરવાનો સૌથી અઘરો હિસ્સો આઇસીયુ વિભાગ છે. રીમા કપૂર છેલ્લા ૧૪ માસથી આઇસીયુ વોર્ડમાં કામ કરે છે. દરેક શ્વાસ માટે તડપતા કોરોનાના દર્દીઓમાં આત્મવિશ્વાસનો પ્રાણવાયુ પૂરવાનું કામ રિમા કરે છે. તેમની વાત જાણ્યા પછી પછી એટલો ખ્યાલ ચોક્કસ આવશે કે કોરોના વોર્ડમાં દર્દીઓને સારવાર કરવામાં પરિચારિકાઓ કેવી રીતે દિનરાત મહેનત કરે છે.
રીમાએ હૈદરાબાદથી નર્સિંગનો અભ્યાસ કર્યો છે. તેમના પતિ આશુતોષ રેલ્વેમાં નોકરી કરે છે. તે છેલ્લા બે વર્ષથી ઝાયડ્સમાં સ્ટાફ નર્સ તરીકે નોકરી છે. ઝાયડ્સમાં તેમની નોકરીના કુલ સમયગાળામાં કરતા સૌથી વધુ ૧૪ માસ કોરોના વોર્ડમાં કામ કરી રહી છે.
ઝાયડ્સના તમામ સ્ટાફમાં સૌથી પહેલા રીમા કોરોના વાયરસથી સંક્રમિત થઇ. ગત ૧૨ જુલાઇ-૨૦૨૦ના એ તે સંક્રમિત થઇ અને બાદમાં ૧૪ જુલાઇના તેમના સાસુ, સસરા અને કાકાજી પણ સંક્રમિત થયા. થોડા સમયમાં રીમા ફરી સ્વસ્થ થઇ ગઇ ને કોઇ પણ જાતનો ડર રાખ્યા વિના ફરી કોરોના વોર્ડમાં કામે લાગી ગઇ છે.
કોરોનાથી સંક્રમિત દર્દી ગંભીર બને તે પછી વિશેષ સારવાર માટે આઇસીયુ વોર્ડમાં લાવવામાં આવે છે. આવા દર્દીઓની વિશેષ ખેવનાની જરૂરત રહે છે. તેમને સમયસર દવા ઉપરાંત, ભોજન તથા પીવાના પાણી આપવામાં ચોક્કસાઇ રાખવી પડે છે. તેમને સ્પન્ઝ કરવા પડે છે. આ કામ રીમા બખૂબી કરે છે. કોઇ પણ હિચકિચાટ વિના, ફરજમાં સેવાભાવના ઉમેરીને દર્દીનારાયણની સેવા કરે છે.
તે કહે છે, કોરોનાના કારણે મારા વોર્ડમાં કોઇ પોતાના અંતિમ શ્વાસ લે ત્યારે મને ખૂબ જ દુઃખ થાય છે. કોઇને ના બચાવી શક્યાનો અફસોસ થાય છે. મારા

પરિવારજનમાંથી કોઇ ગુમાવ્યું હોઇ એવી લાગણી થાય છે. તેની સામે આઇસીયુ વોર્ડમાંથી સાજા થઇ દર્દી ઘરે જાય ત્યારે આનંદ પણ થાય છે. અત્યાર સુધીમાં અનેક દર્દીઓ હસતા મુખે ઘરે જતાં જોયા છે.

રીમા પોતાના અનુભવ કહે છે, દાહોદમાં કોરોનાના દર્દીઓ છેલ્લી ઘડીએ દવાખાને જાય છે. એના કારણે મોર્ટાલિટીની શક્યતા વધી જાય છે. એટલે, કોરોના સામે લડવું હોય તો તેની સમયસર સારવાર કરાવી લેવામાં જ હિત છે. લોકો સામાજિક અંતરનું પાલન કરે, માસ્ક પહેરે અને હાથ સેનિટાઇઝ કરતા રહે તે જરૂરી છે. વેક્સીન લઇ લેવી ખૂબ જ ફાયદાકારક છે.

મારા વોર્ડમાં એક ખૂબ જ દર્દભર્યો કિસ્સો આવ્યો હતો. માત્ર છ માસના બાળકને કોરોના થયો અને અંદ્ધશ્રદ્ધાગ્રસ્ત વાલીએ તેમને ડામ મૂકાવ્યા હતા. તે બાળકને જોઇને મારૂ દિલ ભરાઇ આવ્યું હતું. તેમને બચાવી શકાયું નહોતું. દાહોદના લોકોએ પણ એ વાત સમજી લેવી જોઇએ કે કોરોનાની સારવાર દવાખાને જ કરાવવી જોઇએ. કોઇ અંદ્ધશ્રદ્ધામાં રહેવું જોઇએ નહી.

રીમાની ફરજ સવારના આઠ વાગ્યાથી શરૂ થઇ જાય છે. શરીર ઉપર પીપીઇ કિટના વેશભૂષા ધારણ કરી સાંજના છ વાગ્યા સુધી આઇસીયુ વોર્ડમાં ફરજ બજાવવાની હોય છે. પણ ક્યારેક સાતઆઠ પણ વાગી જાય ! નોકરી કરી ઘરે જાય એટલે પ્રથમ કામ સ્નાન કરવાનું. એ બાદ પોતાના આઠ વર્ષના પુત્ર આરૂષને મળી શકે. પતિ અને પરિવારનો પણ તેમને પૂર્ણ સહયોગ છે. તે વ્યવસાયિક અને પારિવારિક જીંદગી વચ્ચે સારી રીતે સમન્વય સાધી શકે છે.

આગામી તા. ૧૨ના રોજ વિશ્વ નર્સ ડે છે, ત્યારે કોરોનાકાળમાં દર્દીઓની અવિરત સેવા કરતા આવા અનેક આરોગ્યકર્મીઓ પ્રત્યે સમાજ હંમેશા ઋણી રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!