રાહુલ ગારી :- ગરબાડા
દાહોદ-અલીરાજપુર હાઈવે સુરક્ષિત કરવા અને અકસ્માત નિવારવા હાઈવે પરથી સૂકા ઝાડની ડાળીઓ હટાવાઈ !
દાહોદ તા. ૧૪
ચોમાસાની ઋતુ બિલકુલ માથે છે, ત્યારે વાવાઝોડા અને ભારે વરસાદ દરમિયાન હાઈવે પર વૃક્ષો ધરાશાયી થવાની કે ડાળીઓ તૂટી પડવાની ઘટનાઓ સામાન્ય બની જતી હોય છે. આવી જ એક સંભવિત હોનારત અને અકસ્માતોને રોકવા માટે ગરબાડા-દાહોદ-અલીરાજપુર નેશનલ હાઈવે પર તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે પ્રશંસનીય કામગીરી હાથ ધરવામાં આવી છે. હાઈવે પર વર્ષો જૂના પૌરાણિક અને વિશાળકાય વૃક્ષોની જોખમી બનેલી સૂકાયેલી ડાળીઓને કાપીને રસ્તો સુરક્ષિત કરવામાં આવ્યો છે.
આ સમગ્ર મામલે જાગૃત યુવાન નયનભાઈ ખપેડ અને ફતેસિંહભાઈ ડામોર દ્વારા નાયબ વન સંરક્ષણ કચેરી દાહોદને તારીખ 04/06/2026ના રોજ લેખિત રજૂઆત કરી હતી, જેના પગલે આજે તંત્ર દ્વારા હાઈવે પર લટકતી સૂકાયેલી ડાળીઓ ટ્રીમીગની કામગીરી શરૂ કરવામાં આવી હતી.
જેમાં ફોરેસ્ટ વિભાગ (વન વિભાગ) અને પોલીસ તંત્રના સંયુક્ત સહયોગથી ગરબાડા નજીકના દેવધા ગામે હાઈવે પર જોખમી રીતે લટકતી સૂકાયેલી ડાળીઓને કાપવાનું મેગા ઓપરેશન હાથ ધરાયું હતું. હાઈવે પર ભારે વાહનોની અવરજવર સતત ચાલુ રહેતી હોવાથી, પોલીસ વિભાગ દ્વારા ટ્રાફિક નિયમન સંભાળવામાં આવ્યું હતું. વાહનચાલકોને કોઈ મુશ્કેલી ન પડે અને હાઈવે પર ટ્રાફિક જામ ન સર્જાય તે રીતે અત્યંત સાવચેતીપૂર્વક ઝાડનું ટ્રિમિંગ (કટિંગ) કરવામાં આવ્યું હતું.
આ નેશનલ હાઈવે પર ખૂબ જ જૂના અને પૌરાણિક મોટા વૃક્ષો આવેલા છે. ચોમાસામાં અવારનવાર વાવાઝોડા કે તેજ પવનના કારણે આ વૃક્ષોની ભારેખમ ડાળીઓ રોડ પર તૂટી પડતી હોય છે, જેના લીધે અકસ્માતોનો ભય રહે છે. આગામી ચોમાસામાં વાહનચાલકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને કોઈ મોટી દુર્ઘટના ન ઘટે તેવા હેતુથી આ પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે.
