
સુમિત વણઝારા
દાહોદ ખાતે યોજાનારા પ્રધાનમંત્રીશ્રીના કાર્યક્રમની પૂર્વતૈયારીઓની સમીક્ષા કરતા સાંસદશ્રી જસવંતસિંહ ભાભોર
દાહોદ, તા. ૧૧ :
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી આગામી તા. ૨૦ એપ્રીલે દાહોદ જિલ્લામાં વિવિધ વિકાસકાર્યોનો પ્રારંભ તેમજ લોકાર્પણ કરશે. પ્રધાનમંત્રીશ્રી દાહોદનાં ખરોડ ખાતે (સબજેલ પાસે) આવેલા મેદાનમાં અંદાજે બે લાખથી વધુ જનમેદનીને સંબોધન કરવાના છે ત્યારે સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરે કાર્યક્રમની પૂર્વતૈયારીઓની સમીક્ષા કરી હતી.
જિલ્લા સેવા સદન ખાતે સાંસદ શ્રી ભાભોરની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં પ્રધાનમંત્રીશ્રીના કાર્યક્રમ અંગેનો ચિતાર કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીએ આપ્યો હતો. કાર્યક્રમના સુચારૂ આયોજન તેમજ કાર્યક્રમ દરમિયાન સામાન્ય નાગરિકોને કોઇ પણ પ્રકારની અગવડ ન પડે તે માટે સાંસદશ્રીએ જરૂરી સૂચનો આપ્યા હતા. જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નેહા કુમારીએ આ અંગેની માહિતી સાંસદશ્રીને આપી હતી. જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણાએ કાર્યક્રમમાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે કરવામાં આવેલા બંદોબસ્તની માહિતી આપી હતી.
બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર શ્રી એ.બી. પાંડોર, ડીઆરડીએ નિયામક શ્રી સી.બી.બલાત, પ્રાયોજના વહીવટદાર શ્રી સંજય પંડયા, નાયબ કલેક્ટરશ્રીઓ સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા.