
રાજેશ વસાવે – દાહોદ
દાહોદ જિલ્લામાં વિદેશી દારૂની રેલમછેલ.. દાહોદ જિલ્લામાં પાંચ જુદી-જુદી જગ્યાએથી 14,91,000 ના મુદ્દામાલ સાથે 5 ઈસમો ઝડપાયા,કુલ 11 સામે ગુનો નોંધાયો..
દાહોદ પોલીસે પાંચ જુદા જુદા બનાવોમાં 5,10,350 રૂપિયાનો વિદેશી દારૂના જથ્થા સાથે પાંચ ને જેલ ભેગા કર્યા, બે ફરાર
પોલીસે પ્રોહીના પાંચેય બનાવોમાં કુલ 11 ઇસમો સામે ગુનો દાખલ કર્યો..
પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે ચાર ફોર વીલર ગાડી તેમજ એક મોપેડ મળી 5 વાહનો ડિટેઇન કર્યા..
દાહોદ તા.21
દાહોદ જિલ્લામાં હોળીના તહેવાર બાદ લગ્નસરાની મોસમ શરૂ થતા ગાંધીના ગુજરાતમાં વિદેશી દારૂની રેલમછેલ કરી તગડો નફો રળી લેવાના આશયથી બુટલેગર તત્વો ફૂલ્યા ફાલ્યા છે.ત્યારે દાહોદ જિલ્લામાં વિદેશી દારૂની બદીને કડક રીતે ડામી દેવા સક્રિય બનેલી દાહોદ પોલીસે જિલ્લામાં પાંચ જુદા જુદા પ્રોહીના બનાવોમાં 5,10,350 રૂપિયા કિંમતનો વિદેશી દારૂના જથ્થા સાથે પાંચ ઈસમોને ઝડપી પાડયા છે. ત્યારે બે ઈસમો પોલીસને ચકમો આપી ફરાર થવામાં સફળ થયા છે.જયારે પોલીસે ઉપરોક્ત બનાવોમાં વિદેશી દારૂના જથ્થા તેમજ 8,81,400 કિંમતનાના 5 વાહનો તેમજ એક મોબાઇલ ફોન મળી કુલ 13,91,750 નો મુદ્દામાલ જપ્ત કરી વિદેશી દારૂની હેરફેરમાં સામેલ 11 ઈસમો સામે પ્રોહી અંગેનો ગુનો દાખલ કરતા બુટલેગર તત્વોમાં ફફડાટ નો માહોલ જોવા મળી રહ્યો છે.
પ્રોહીનો પ્રથમ બનાવ ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પર હોટલ ભગવતી પાસે બનવા પામ્યો છે જેમાં દાહોદ તાલુકાના કતવારા ખોયડા ફળિયાના રહેવાસી વિશાલભાઈ રાયચંદભાઈ હઠીલા તેમજ અક્ષયભાઈ ગીરીશ ભાઈ ચૌહાણ રહે. આમીન ફળિયું. દુધિયા લીમખેડા સાથે પોતાના કબજા હેઠળની Gj-20-A- 6061 નંબરની ઈન્ડીકા ગાડીમાં મધ્ય પ્રદેશ ઝાબુઆ જિલ્લાના પીટોલ ઠેકા ઉપરથી વિદેશી દારૂનો જથ્થો ભરી લીમખેડા તાલુકાના હાથીયાવન ગામના દિનેશભાઈ પલાસને આપવા જઈ રહ્યા હતા તે સમયે રસ્તામાં દાહોદ નજીક ઇન્દોર અમદાવાદ હાઈવે પર હોટલ ભગવતી પાસે વોચમાં ઊભેલી દાહોદ પોલીસે તેઓને રોકી ગાડીની તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ બિયરની 31,200 કિંમતની 312 બોટલો મળી આવતા પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે 50 હજાર કિંમતની ફોરવહીલ ગાડી,10 હજાર કિંમતના મોબાઇલ ફોન મળી 91,200 નો મુદ્દામાલ જપ્ત કરી વિદેશી દારૂની હેરફેરમાં સામેલ ઉપરોક્ત ત્રણેય ઈસમો વિરૂદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.
પ્રોહીનો બીજો બનાવ દાહોદ તાલુકાના ભાઠીવાડા ગામે બનવા પામ્યો છે.જેમાં રામકુમાર ઉર્ફે રામુ કૈલાશ સાંસી રેહ.નિશાળ ફળિયા, વૈભવ ઉર્ફે નાનું નવીન્દ્ર ક્ષત્રિય રહે. ગોધરા રોડ નાઓએ પોતાના કબ્જાની Gj-20-N-3603 નંબરની એક્સેસ ગાડીમાં પીદીયાભાઈ રતનભાઇ સંગાડીયા (રહે.ગોવાળિ પતરા, મધ્ય પ્રદેશ) ના ત્યાંથી વિદેશી દારૂનો જથ્થો ભરી દાહોદ તરફ આવી રહ્યા હતા. રસ્તામાં ભાઠીવાડા ઝેર ફળિયા પાસે વોચમાં ઉભેલી એલ.સી.બી પોલીસે તેઓને રોકી ગાડીની તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી બિયર ટીનની 198 બોટલો મળી 25,400 વિદેશી દારૂનો જથ્થો મળી આવતા પોલીસે 20,000 રૂપિયાની કિંમતની એકસેસ ગાડી તેમજ વિદેશી દારૂનો જથ્થો મળી કુલ 45,400 ના મુદ્દામાલ જપ્ત કરી વિદેશી દારૂની હેરફેર મા સામેલ ત્રણ ઈસમો વિરૂદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
પ્રોહીનો ત્રીજો બનાવ દાહોદ તાલુકાના કતવારા નજીક કઠલા ગામે બનવા પામ્યો છે.જેમાં દાહોદ તાલુકાના કઠલા ગામના કમલેશ નુરજીભાઈ આમલીયર ( રહે. નવાપુરા વ્હોરાની દુકાનની બાજુમાં), સુનિલ મગન ભાભોર, તેમજ વિવેક નામક ઈસમો મળી જેમાં કમલેશભાઈ આમલીયર પોતાના કબ્જાની Gj-10-F-7928 નંબર મહિન્દ્રા બોલેરો ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો ભરી લઈને આવતા કઠલા ગામેથી પોલીસે ગાડી રોકી તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂના પ્લાસ્ટિકના ક્વાટરીયા તેમજ બિયર ટીનની 2149 બોટલો મળી 2,64,150 રૂપિયા કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવતા પોલીસે વિદેશી દારૂના જથ્થા તેમજ 3,25,000 કિંમતની મહિન્દ્રા બોલેરો ગાડી મળી 5,89,150 નો મુદ્દામાલ જપ્ત કરી વિદેશી દારૂની હેરફેરમાં સામેલ કુલ ત્રણ ઈસમો વિરૂદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.
પ્રોહીનો ચોથો બનાવ દાહોદ તાલુકાના કતવારા નજીક દસલા ગામે બનવા પામ્યો છે. જેમાં Gj-23-EL-7814 નંબરની હુન્ડાઈ i20 ગાડી માં વિદેશી દારૂનો જથ્થો ભરી લાવતાં પોલીસે નાકાબંધી જોઈ ગાડી રોડની સાઇડની ઉભી રાખી ભાગી ગયો હતો. ત્યારબાદ પોલીસે ગાડીની તલાશી લેતાં તેમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની પ્લાસ્ટિકના તેમજ કાચના ક્વાટરીયા તેમજ બીયરની કુલ 1152 બોટલો મળી 1,63,200 કિંમતનો દારૂ તેમજ 4 લાખ કિંમતની હુન્ડાઈ i20 ગાડી મળી 5,63,200 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી ભાગી ગયેલ ઈસમ વિરુદ્ધ પ્રોહી અંગેનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.
પ્રોહીનો પાંચમો બનાવ ગરબાડા તાલુકાના ભે ગામે બનવા પામ્યો છે. જેમાં Gj-03-AB-1540 નંબરની મારૂતિ 800 ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો ભરી લાવતાં ગરબાડા તાલુકાના ભે ગામે પોલીસની નાકાબંધી જોઈ ચાલક ગાડીને રોડની સાઈડમાં ઉભી રાખી અંધારાનો લાભ લઇ ભાગી છૂટ્યો હતો. ત્યારબાદ પોલીસે ગાડીની તલાશી લેતાં તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 264 બોટલો મળી 26,400 નો મુદ્દામાલ મળી આવતા પોલીસે 60 હજાર કિંમતની મારૂતિ 800 ગાડી તેમજ વિદેશી દારૂનો જથ્થો પડી 86,400 નો મુદ્દામાલ જપ્ત કરી ભાગી ગયેલ ઈસમ વિરુદ્ધ પ્રોહી અંગેનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.