*સુખસરથી મોટાનટવા તરફ જતા માર્ગ ઉપર કાદવ-કીચડ થતાં રાહદારીઓ તથા વાહનચાલકો પરેશાન*

Editor Dahod Live
2 Min Read

બાબુ સોલંકી :- સુખસર 

સુખસરથી મોટાનટવા તરફ જતા માર્ગ ઉપર કાદવ-કીચડ થતાં રાહદારીઓ તથા વાહનચાલકો પરેશાન

રસ્તા ઉપર કાદવ કિચડના લીધે ગ્રાહકો તુટતા વેપારી વર્ગને નુકસાન પહોંચતું હોવાનો અક્ષેપ

 સુખસર,તા.25

 સુખસર ખાતે ખારી નદી ઉપર નિર્માણાધીન નવા બ્રિજનું કામ લગભગ પૂર્ણતાના આરે છે.છતાં બસ સ્ટેશન ચોકડીથી ખારી નદી બ્રિજ સુધીનો એપ્રોચ રોડ હજુ સુધી બનાવવામાં આવ્યો નથી.સતત વરસાદને કારણે સમગ્ર માર્ગ કાદવ અને કીચડથી લથપથ બની ગયો છે. જેના કારણે રોજિંદી અવર-જવર કરતા લોકો સહિત વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.

          આ માર્ગ રાવળ ના વરુણા, મોટા નટવા,નાની ઢઢેલી,ડબલારા અને વાસીયાકુઇ સહિતના અનેક ગામોને સુખસરને જોડતો મુખ્ય માર્ગ છે.દરરોજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ,નોકરીયાતો,વેપારીઓ અને ગ્રામજનો આ રસ્તાનો ઉપયોગ કરે છે.

      વરસાદી પાણી ભરાઈ રહેતા કાદવ વધી ગયો છે.જેના કારણે બાઈક ચાલકો અને રાહદારીઓ લપસી પડવાના બનાવો પણ સામે આવી રહ્યા છે.માર્ગની લપસણી સ્થિતિને કારણે રસ્તાની બંને બાજુ આવેલા દુકાનદારો પણ ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે. ગ્રાહકોને દુકાનો સુધી પહોંચવામાં મુશ્કેલી પડે છે.જેના કારણે વેપાર પર પણ માઠી અસર પડી રહી હોવાનું દુકાનદારો જણાવી રહ્યા છે.

         સ્થાનિકોનું કહેવું છે કે,છેલ્લા એક મહિનાથી વધુ સમયથી બ્રિજના કામ સ્થળે લેબર,એન્જિનિયર કે સુપરવાઇઝર જોવા મળતા નથી. જેના કારણે લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે જો બ્રિજનું કામ પૂર્ણ થઈ ગયું હોય તો એપ્રોચ રોડ કેમ બનાવવામાં આવ્યો નથી?લઅને જો કામ બાકી હોય તો તે હજુ સુધી પૂર્ણ કેમ કરવામાં આવ્યું નથી?

          આ અંગે માર્ગ અને મકાન વિભાગના અધિકારી શૈલેષભાઈ ભુરીયા સાથે ટેલિફોનિક વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે,પુલનું થોડું કામ હજુ બાકી હોવાથી એપ્રોચ રોડનું કામ શરૂ કરવામાં આવ્યું નથી. પુલનું બાકી રહેલું કામ પૂર્ણ થતાં જ રસ્તાની કામગીરી હાથ ધરવામાં આવશે.

    સ્થાનિક લોકો સહિત રાહદારીઓ અને વાહન ચાલકોની માંગ છે કે,તંત્ર દ્વારા રસ્તા અને પુલનું બાકી રહેલું કામ તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠવા પામેલ છે. અને કામગીરી પૂર્ણ થાય તો લોકોને વરસાદી મોસમમાં હાલાકીમાંથી રાહત મળી શકે તેમ છે.

Share This Article