ગ્રામજનોના વિરોધની અસર: કચલધારા-છાયણમાં GIDC માટેની જમીન સંપાદન પ્રક્રિયા હાલ પૂરતી સ્થગિત GIDC વડોદરાના પ્રાદેશિક મેનેજરે દાહોદ કલેક્ટરને પત્ર લખી જાણ કરી;

Editor Dahod Live
2 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

ગ્રામજનોના વિરોધની અસર: કચલધારા-છાયણમાં GIDC માટેની જમીન સંપાદન પ્રક્રિયા હાલ પૂરતી સ્થગિત

GIDC વડોદરાના પ્રાદેશિક મેનેજરે દાહોદ કલેક્ટરને પત્ર લખી જાણ કરી;

 અનેક ગ્રામસભા અને રજૂઆતો બાદ વડી કચેરીના સક્ષમ સત્તાધિકારીની સૂચનાથી કાર્યવાહી અટકાવાઈ

દાહોદ તા.10

દાહોદ જિલ્લામાં નવી ઔદ્યોગિક વસાહત (GIDC) સ્થાપવા માટે કચલધારા અને છાયણ ગામે હાથ ધરવામાં આવેલી જમીન સંપાદનની પ્રક્રિયા હાલ પૂરતી સ્થગિત કરવામાં આવી છે. GIDC વડોદરાના પ્રાદેશિક મેનેજર દ્વારા દાહોદ જિલ્લા કલેક્ટરને સત્તાવાર પત્ર પાઠવી આ અંગે જાણ કરવામાં આવી છે. જેમાં કચલધારા અને છાયણ ગામની જમીન GIDC માટે સંપાદિત કરવાની પ્રક્રિયા સામે સ્થાનિક ગ્રામજનો દ્વારા લાંબા સમયથી વિરોધ કરવામાં આવી રહ્યો હતો. ગ્રામજનોએ અનેક વખત ગ્રામસભા યોજી વિરોધ નોંધાવવાની સાથે તાલુકા અને જિલ્લા કક્ષાએ પણ તંત્ર સમક્ષ રજૂઆતો કરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ છાયણ ગામના સર્વે નંબર 38/4 તથા કચલધારા ગામના સર્વે નંબર 32ની જમીન સંપાદન પ્રક્રિયા ચાલી રહી હતી. દરમિયાન જમીન-આયોજન વિભાગના જનરલ મેનેજરની સૂચના તેમજ વડી કચેરીના સક્ષમ સત્તાધિકારીના નિર્દેશ બાદ સમગ્ર પ્રક્રિયા હાલ પૂરતી સ્થગિત કરવામાં આવી છે.જમીન સંપાદનની કામગીરી સ્થગિત થતાં GIDCનો વિરોધ કરી રહેલા કચલધારા અને છાયણ ગામના ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. જોકે, આ સ્થગિતી હાલ પૂરતી છે કે ભવિષ્યમાં પ્રક્રિયા અંગે શું નિર્ણય લેવાશે, તે અંગે આગળની કાર્યવાહી મહત્વપૂર્ણ રહેશે.

Share This Article