બાબુ સોલંકી :- સુખસર
*સુખસર તાલુકાના લખણપુરમાં એગ્રીકલ્ચર વીજ લાઈન સાત ગાળાના વીજ વાયરોની ચોરી*
*વીજ વાયરોની ચોરી થતા ખેડૂતોએ સુખસર પોલીસ સ્ટેશન સહિત ફતેપુરા એમ.જી.વી.સી.એલ માં જાણ કરી*
સુખસર,તા.10
સુખસર તાલુકામાં વરસાદના અભાવે તમામ ખેતી પાકો નિષ્ફળ જવાના આરે ઉભેલા છે.તેવા જ સમયે કેટલાક કુવાઓમાં સામાન્ય કહી શકાય તેટલું પાણી હોય તે પાણીથી મોટરો દ્વારા ખેતીમાં પાણી પહોંચાડવા ખેડૂતો મરણિયો પ્રયાસ કરી રહ્યા છે.અને તેવા જ સમયે લખણપુરના તળગામ ફળિયા ખાતે કોઈ જાણભેદુ ચોર લોકોએ એગ્રીકલ્ચર વીજ લાઈનના વાયરોની ચોરી કરી જતા નવીન વીજ વાયરો નાખવા માટે સુખસર પોલીસ સ્ટેશન સહિત ફતેપુરા એમજીવીસીએલ તંત્રોને લેખિત જાણ કરવામાં આવેલ છે.છતાં તંત્રો દ્વારા દિવસો વીતવા છતાં બેદરકારી દાખવવામાં આવતાં રહ્યા સહ્યા પાકો પણ સુકાઈ જવાની ભીતિ સેવાઈ રહી હોવાનો ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે.જેથી વહેલી તકે વીજ વાયરો નાખી વીજ પ્રવાહ ચાલુ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે.
જાણવા મળેલી વિગતો મુજબ સુખસર તાલુકાના લખણપુર ગામના તળગામ ફળિયા ખાતે સાત જેટલા ખેડૂતોએ પોતાના કુવાઓ ઉપર એગ્રીકલ્ચર વીજ કનેક્શન લીધેલા છે.જે વીજ લાઈન માનસિંગભાઈ જોતીભાઈ તાવીયાડના કુવા સુધી જાય છે.અને ખેતીમાં પાણીની ખેંચના સમયે કુવાઓ માંથી ઈલેક્ટ્રીક મોટરો દ્વારા ખેતીમાં પાણી પૂરું પાડે છે.તેવી જ રીતે હાલમાં વરસાદી પાણીના અભાવે ખેડૂતો દ્વારા પોતાના કુવામાં રહ્યા સહ્યા પાણી ખેતીમાં પહોંચાડી ખેતી બચાવવા પ્રયાસ કરી રહ્યા છે. તેવા જ સમયે લખણપુરના તળ ગામ ફળિયા થી પસાર થતી એગ્રીકલ્ચર વીજ લાઈનના વાયરો ગત દશેક દિવસ આગાઉ જાણભેદુ તસ્કરોએ રાત્રિના સમયે વીજ વાયરો કાપી ચોરી કરી જતા તેની 2 ઓગસ્ટ 2026 ના રોજ સુખસર પોલીસ સ્ટેશન તથા એમજીવીસીએલ કચેરી ફતેપુરાને લેખિતમાં જાણ કરવામાં આવેલ હોવાનું જાણવા મળે છે.અને પોલીસ સ્ટેશન દ્વારા તેની સ્થળ તપાસ કરવામાં આવી હોવાનું પણ જાણવા મળે છે.ત્યારે એમજીવીસીએલ કચેરીના જવાબદારો દ્વારા પોલીસ સ્ટેશન માંથી ફરિયાદની નકલ આપો ત્યારે આગળની કાર્યવાહી કરીશું તેવું જણાવાય છે.જ્યારે સુખસર પોલીસ સ્ટેશનમાં પૂછતા હાલ સાહેબ રજા ઉપર હોવાનું જણાવાય છે.જેના લીધે વીજ વાયર જોડાણ માટે કોઈ કાર્યવાહી નહીં થતાં ખેડૂતો કુદરતી સંકટમાં તો છે જ પરંતુ કાયદાકીય સંકટોથી વધુ પરેશાન થઈ રહ્યા હોવાનું જાણવા મળે છે.અને પોતાના ખેતી પાકોને નજર સમક્ષ નિષ્ફળ જઈ રહ્યા હોવાનું જોઈ રહ્યા હોવા છતાં ખેડૂતો લાચાર છે ત્યારે ખેડૂતોનો રણધણી કોઈ છે કે કેમ?તેવો પ્રશ્ન થાય તે સ્વાભાવિક છે.
અમારા લખણપુર ગામના તળગામ ફળિયા ખાતે દશેક દિવસ અગાઉ કોઈ જાણભેદુ ચોર લોકોએ રાત્રિના સમયે એગ્રીકલ્ચર વીજ કનેક્શનની લાઈનના સાત જેટલા ગાળાના વીજ વાયરો કાપી ચોરી કરી ગયેલ છે.અને જેની જાણ તારીખ 2/9/2026 ના રોજ સુખસર પોલીસ સ્ટેશન સહિત ફતેપુરા એમજીવીસીએલ કચેરી ખાતે કરેલ છે.સુખસર પોલીસ દ્વારા સ્થળ તપાસ પણ કરવામાં આવેલ છે.પરંતુ વીજ તંત્રના જવાબદારો દ્વારા પોલીસ સ્ટેશન ફરિયાદની નકલ માંગે છે.જ્યારે પોલીસ સ્ટેશનમાં સાહેબ રજા ઉપર હોવાનું જણાવે છે.ત્યારે અમારે ફરિયાદ કરવી તો કોને કરવી?
*(માનસિંગભાઈ જોતીભાઈ તાવીયાડ, લખણપુર સ્થાનિક,ખેડૂત)*
