ચાંદીપુરા વાયરસ અને વરસાદી પરિસ્થિતિને લઈ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઉદય ટીલાવતની પીપલોદ સામુહિક આરોગ્ય કેન્દ્રની આકસ્મિક મુલાકાત

Editor Dahod Live
2 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

ચાંદીપુરા વાયરસ અને વરસાદી પરિસ્થિતિને લઈ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઉદય ટીલાવતની પીપલોદ સામુહિક આરોગ્ય કેન્દ્રની આકસ્મિક મુલાકાત

દાહોદ, તા. 25 જુલાઈ, 2026:

રાજ્યમાં ચાંદીપુરા વાયરસ અંગે રાખવામાં આવી રહેલી સાવચેતી તેમજ ભારતીય હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલા વરસાદના રેડ એલર્ટને ધ્યાનમાં રાખીને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઉદય ટીલાવત દ્વારા પીપલોદ સામુહિક આરોગ્ય કેન્દ્રની આકસ્મિક મુલાકાત લઈ આરોગ્ય સેવાઓ અને ઇમરજન્સી તૈયારીઓની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.

મુલાકાત દરમિયાન ડૉ. ટીલાવતે ચાંદીપુરા વાયરસ સહિતની કોઈપણ ઇમરજન્સી પરિસ્થિતિને પહોંચી વળવા માટે આરોગ્ય કેન્દ્રમાં કરવામાં આવેલી તૈયારીઓનું નિરીક્ષણ કર્યું. તેમણે હોસ્પિટલમાં દાખલ દર્દીઓ અને તેમના સ્વજનો સાથે સીધી વાતચીત કરીને સારવાર, દવાઓની ઉપલબ્ધતા તથા હોસ્પિટલમાં મળતી આરોગ્ય સેવાઓ અંગે પ્રતિસાદ મેળવ્યો અને સારવારની ગુણવત્તાની ચકાસણી કરી હતી.

આ ઉપરાંત હોસ્પિટલમાં આવશ્યક દવાઓનો જથ્થો, ઇમરજન્સી સારવાર માટે ઉપલબ્ધ સાધનો, ઓક્સિજન સહિતની જીવનરક્ષક સુવિધાઓ, સ્ટાફની હાજરી તેમજ વરસાદી પરિસ્થિતિ દરમિયાન આરોગ્ય સેવાઓ અવિરત ચાલુ રહે તે માટે કરવામાં આવેલી વ્યવસ્થાઓની પણ વિગતવાર સમીક્ષા કરવામાં આવી.

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઉદય ટીલાવતે આરોગ્ય કર્મચારીઓને ચાંદીપુરા વાયરસ અંગે સતત સતર્ક રહેવા, શંકાસ્પદ દર્દીઓની તાત્કાલિક ઓળખ, યોગ્ય સારવાર અને જરૂરી હોય ત્યાં સમયસર રિફરલની કામગીરી સુનિશ્ચિત કરવા સૂચના આપી. તેમણે વરસાદી ઋતુ દરમિયાન સામાન્ય નાગરિકોને ગુણવત્તાસભર, સમયસર અને અસરકારક આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવા માટે તમામ આરોગ્ય કર્મચારીઓને સંપૂર્ણ સજ્જતા અને જવાબદારી સાથે કામગીરી કરવાની હાકલ કરી.

જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા જિલ્લામાં તમામ આરોગ્ય સંસ્થાઓમાં ચાંદીપુરા વાયરસ સહિતની સંભવિત ઇમરજન્સી પરિસ્થિતિ સામે સજ્જ રહેવા તથા વરસાદી ઋતુમાં આરોગ્ય સેવાઓ સતત કાર્યરત રહે તે માટે જરૂરી તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી રહી છે.

000

Share This Article