પશ્ચિમ રેલવેની ગોદી બની વેપાર અને ઉદ્યોગનું નવું કેન્દ્ર: દાહોદના ઉદ્યોગ- કૃષિ એકમો વેપારીઓને સીધો લાભ.!
દાહોદમાં ચાર મહિનાના ટૂંકા ગાળામાં માત્ર 21 રેકના લોડિંગ-અનલોડિંગથી રેલવેને આશરે રૂ. 9 કરોડની આવક,
આસપાસના 200 કિમી વિસ્તારને મળશે સીધો લાભ.
રાજેશ વસાવે:દાહોદ
દાહોદ તા.૦૫

દાહોદ ખાતે પશ્ચિમ રેલવે દ્વારા શરૂ કરવામાં આવેલી નવી રેલવે ગોદીએ ટૂંકા સમયમાં જ વેપાર અને ઉદ્યોગ ક્ષેત્ર માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. જેમાં મધ્યપ્રદેશ અને રાજસ્થાનની સરહદને અડીને આવેલા દાહોદ શહેરને મળેલી આ મહત્વપૂર્ણ સુવિધાના કારણે સમગ્ર વિસ્તારના વેપાર-વાણિજ્યને નવી ગતિ મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

પશ્ચિમ રેલવે દ્વારા કરોડોના ખર્ચે ગત ફેબ્રુઆરી માસમાં ગોદીની શરૂઆત કરવામાં આવી હતી જે બાદ બાદ એપ્રિલ માસથી લોડિંગ અને અનલોડિંગની કામગીરી શરૂ કરવામાં આવી હતી. ખાસ કરીને એપ્રિલ માસથી જુલાઈના અંત સુધીમાં કુલ 21 રેકની હેરફેર નોંધાઈ હતી.જેમાંથી 19 રેક મારફતે રાજસ્થાનના બાસવાડાનું માર્બલ પથ્થરનું લોડિંગ કરી તેને જિંદાલ સ્ટીલ, રાયગઢ મહારાષ્ટ્ર ખાતે મોકલવામાં આવ્યું હતું. સિમેન્ટ અને અન્ય સ્ટીલની વસ્તુઓ નિર્માણ માટે ઉપયોગી બને છે. આ ઉપરાંત એફસીઆઈના અનાજ સાથેના ત્રણ રેક દાહોદ ખાતે પહોંચ્યા હતા,જેનું અનલોડિંગ અહીં કરવામાં આવ્યું હતું.
ચાર મહિનાના ટૂંકા ગાળામાં લોડીંગ- અનલોડિંગથી રેલવેને કરોડનો નફો.!

મહત્વની બાબત એ છે કે માત્ર 21 રેકના લોડિંગ અને અનલોડિંગના વ્યવહારમાંથી જ પશ્ચિમ રેલવેને અંદાજે રૂ. 9 કરોડની આવક પ્રાપ્ત થઈ હોવાનું જાણવા મળે છે.જોકે મે માસ દરમિયાન લોડિંગ-અનલોડિંગની કામગીરી સ્થગિત રહી હતી, તેમ છતાં શરૂઆતના પરિણામોએ આ ગોદીની ઉપયોગિતા અને સંભાવનાઓને ઉજાગર કરી છે. જેમાં માર્બલ પથ્થર અનલોડીંગ કરી મહારાષ્ટ્રના રાયગઢ ખાતે આવેલા જીન્દાલ સ્ટીલ ખાતે મોકલવામાં આવ્યા હતા. આ ઉપરાંત મધ્યપ્રદેશના રીવા સતનાથી ચોખા ભરેલા 3 ગાડીઓ દાહોદમાં ખાલી થઈ છે.
રેલવેની ગોદીથી વેપારીઓ ઉદ્યોગકારો અને કૃષિ આધારિત એકમોને લાભ મળશે
દાહોદ રેલવે ગોદીનો લાભ માત્ર શહેર પૂરતો મર્યાદિત નહીં રહે, પરંતુ આસપાસના આશરે 200 કિલોમીટર વિસ્તારના વેપારીઓ, ઉદ્યોગકારો અને કૃષિ આધારિત એકમોને પણ મળશે. ખાસ કરીને સ્થાનિક ઉદ્યોગોને કાચા માલ અને તૈયાર માલની હેરફેર માટે ઝડપી તથા ખર્ચ બચતવાળી સુવિધા ઉપલબ્ધ બનશે.રોલર ફ્લોર મિલોના સંચાલકો માટે પણ આ ગોદી લાભદાયી સાબિત થવાની છે. એફસીઆઈના ટેન્ડરમાં ભાગ લેતી મિલોને હવે દાહોદ ખાતે જ માલસામાનની હેરફેરની સુવિધા મળતાં પરિવહન ખર્ચમાં ઘટાડો થશે. સાથે જ ડેમરેજના ખર્ચમાં પણ રાહત મળશે અને ઉદ્યોગોથી ગોદી સુધીનું અંતર ઓછું થતાં સમય તથા નાણાં બંનેની બચત થશે.અત્યાર સુધી દાહોદ અને આસપાસના વેપારીઓને રેલવે મારફતે માલસામાનની હેરફેર માટે ગોધરા સુધીનો આધાર લેવો પડતો હતો. પરંતુ હવે દાહોદ ખાતે જ આધુનિક રેલવે ગોદીની સુવિધા ઉપલબ્ધ થતાં વેપાર-વાણિજ્ય, ઉદ્યોગ અને રોજગારીની નવી તકોનું સર્જન થશે. આ સુવિધા દાહોદને પ્રાદેશિક વેપાર હબ તરીકે વિકસાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
