*સુખસર તાલુકાની ગ્રામ પંચાયતોમાં તલાટી કમ-મંત્રીઓની અનિયમિતતાથી જાતિ-આવકના પ્રમાણપત્ર મેળવવા અરજદારોને ધરમધક્કા*

Editor Dahod Live
4 Min Read

*સુખસર તાલુકાની ગ્રામ પંચાયતોમાં તલાટી કમ-મંત્રીઓની અનિયમિતતાથી જાતિ-આવકના પ્રમાણપત્ર મેળવવા અરજદારોને ધરમધક્કા*

*તાલુકામાં એક તલાટી કમ-મંત્રીને અનેક ગ્રામ પંચાયતોનો ચાર્જ, જ્યારે કેટલાક તલાટી કમ-મંત્રીની બદલી થતાં ચાર્જ નહીં સંભાળતા અરજદારો મુશ્કેલીમાં મુકાયા છે*

*સુખસર તાલુકા પંચાયત તથા મામલતદાર કચેરીમાં કામ અર્થે આવતા અરજદારો પાસે કેટલાક લોકો દ્વારા ઉઘાડી લૂંટ ચલાવતી હોવાની બૂમો*

 સુખસર,તા.14

 ફતેપુરા તાલુકાનું વિભાજન થઈ સુખસર તાલુકાને તાલુકા કક્ષાનો દરજ્જો મળ્યા બાદ સ્થાનિક લોકોને સમય અને નાણાનો થતા વ્યય ઉપર લગામ આવી છે.પરંતુ સુખસર તાલુકામાં તાલુકા પંચાયત તથા મામલતદાર કચેરીમાં તાલુકા કક્ષાએ થવી જોઈતી પુરતી કામગીરીમાં ઉણપ જણાય છે.ત્યારે તાલુકાની પ્રજાને તાલુકા કક્ષાએ થવી જોઈતી પૂરતી તમામ કામગીરી મળી રહે તેવી પ્રજાની માંગ ઉઠવા પામેલ છે.તેમજ તાલુકામાં કેટલીક જગ્યાઓ ઉપર અભણ અને અબુધ લોકોને તાલુકાની કામગીરી કરી આપવાના બહાને કેટલાક લોકો દ્વારા ઉઘાડી લૂંટ ચલાવાઇ રહી હોવાની ચર્ચાઓ પણ સાંભળવા મળી રહી છે.ત્યારે તાલુકા જિલ્લાના જવાબદારો દ્વારા ધ્યાન આપવામાં આવે તેમજ કેટલીક ગ્રામ પંચાયતોમાં કેટલાક તલાટી કમ-મંત્રીઓ દ્વારા મનસ્વી રીતે ચલાવતા વહીવટમાં સુધાર લાવવા ધ્યાન આપવામાં આવે તેવી તાલુકાની જનતામાં માંગ ઉઠવા પામેલ છે.

        જાણકાર સૂત્રો દ્વારા જાણવા મળેલ વિગતો મુજબ હાલમાં ખાસ કરીને પ્રાથમિક-માધ્યમિક શાળાઓમાં પ્રવેશ મેળવવા માટે જાતિ પ્રમાણપત્ર તથા આવકના દાખલાની ખાસ જરૂરિયાત ઊભી થયેલ છે.અને આ દાખલા જે-તે વિદ્યાર્થીને સમય મર્યાદામાં મળી રહે તો પોતાનું એડમિશન મળી શકે.પરંતુ હાલ કેટલીક ગ્રામ પંચાયતોમાં તલાટી કમ-મંત્રીઓની અનિયમિતતા તથા કેટલીક ગ્રામ પંચાયતોમાં બદલી થયેલા તલાટી કમ-મંત્રીઓ પોતાની ફરજની પંચાયત કચેરીએ હાજર નહીં થયા હોય જાતિ આવકના પ્રમાણપત્રો મેળવવા તલાટી કમ- મંત્રીની જે સહી કરવાની થતી હોય છે તે નહીં થઈ શકતા બાળકો તથા વિદ્યાર્થીઓ અને તેમની સાથે વાલીઓ ગ્રામ પંચાયતના ધક્કા ખાઈ રહ્યા છે.જોકે અનેક ગ્રામ પંચાયતો ના તલાટી કમ-મંત્રીઓને એકથી વધુ ગ્રામ પંચાયતનો ચાર્જ સોપાતા તલાટી કમ-મંત્રીઓ દરરોજ ગ્રામ પંચાયતો ઉપર પહોંચી નહી શકતા જાતિ આવકના દાખલા મેળવવા માટે લોકોને મુશ્કેલી પડી રહી છે.ત્યારે હાલ શાળાઓમાં પ્રવેશ મેળવવા માંગતા બાળકો તથા વિદ્યાર્થીઓને તલાટી કમ-મંત્રીની સહી સમયસર થાય તો જે તે વિદ્યાર્થીને પોતાને યોગ્ય શાળા કોલેજમાં પ્રવેશ મળી શકે તેમ હોય સુખસર તાલુકામાં તમામ ગ્રામ પંચાયતો ખાતે તલાટી કમ-મંત્રીઓ હાજર રહે તેવું તાલુકા જિલ્લાના જવાબદાર અધિકારીઓ આયોજન કરે તેવી લોકોમાં માંગ ઉઠવા પામેલ છે.

સુખસર તાલુકાને તાલુકા કક્ષાનો દરજ્જો મળ્યો તે સ્થાનિક ખેડૂતો અને ગરીબી રેખા હેઠળ જીવતા લોકો સહિત પ્રજા માટે આશીર્વાદ સમાન છે.પરંતુ કેટલાક લોકો ગરીબ પ્રજાનો ગેરલાભ ઉઠાવી તાલુકાના કામ માટે આડેધડ નાણાં પડાવાતા હોવાની ચર્ચા થઈ રહી છે.તેમાં રૂપિયા 50 ના સ્ટેમ્પના સ્ટેમ્પ કાઢી આપનાર ડબલ નાણાં પડાવતા હોવાની તેમજ મામલતદાર કચેરી પાસે બેસતા સ્ટેમ્પ વેલ્ડરો સામાન્ય ફોર્મ ભરવાના અરજદારો પાસેથી આડેધડ નાણા વસુલાત કરતા હોવાની બુમો ઉઠી રહી છે.જ્યારે જન્મ-મરણ નોંધના દાખલા બાબતે સમાચાર પત્રમાં નોટિસ આપવા કચેરીના કર્મચારીના મેળાપીપણાથી સ્ટેમ્પ વેલ્ડરો અરજદારો પાસેથી વધુ નાણા પડાવતા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. તેમજ સુખસર મામલતદાર કચેરીમાં સ્ટેમ્પ વેલ્ડર તરીકે કામ કરતા કોઈ નોટરી વકીલ બેસતા ન હોવા છતાં તકવાદી તત્વો દ્વારા નોટરીના સહી સિક્કા કરી આપી વધુ નાણા લેવાઈ રહ્યા હોવાનું ચર્ચાય છે.ત્યારે તકવાદી તત્વો ગરીબોનો ગેરલાભ ઉઠાવે નહીં અને નિયમોનુસાર કામગીરી કરે તે બાબતે તાલુકા- જિલ્લાના જવાબદાર અધિકારીઓ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવે તે જરૂરી જણાઈ રહ્યું છે.

Share This Article