કેબિનેટ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીએ દાહોદના વિવિધ વિસ્તારોમાં આવેલ ગણેશ મંડપોની મુલાકાત લઈ ગણેશજીના દર્શન-અર્ચન કર્યા*

Editor Dahod Live
1 Min Read

રાજેશ વસાવે :- દાહોદ

*કેબિનેટ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીએ દાહોદના વિવિધ વિસ્તારોમાં આવેલ ગણેશ મંડપોની મુલાકાત લઈ ગણેશજીના દર્શન-અર્ચન કર્યા*

દાહોદ,

વડનગરથી વારાણસી સુધી આયોજિત ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત નીકળેલી ‘સેવા સંકલ્પ યાત્રા’નું દાહોદ જિલ્લામાં આગમન થતાં સ્થાનિક નાગરિકો, કાર્યકરો અને આગેવાનો દ્વારા અત્યંત ઉત્સાહપૂર્વક અને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ, સહકાર, પશુપાલન અને ગૌસંવર્ધન વિભાગના કેબિનેટ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ આ સેવા યાત્રા દાહોદ શહેર આવી પહોંચી હતી.

દાહોદ મુલાકાત દરમિયાન અને ગણેશોત્સવના પાવન પર્વ નિમિત્તે કેબિનેટ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીએ શહેરના વિવિધ વિસ્તારોમાં જઈને ધાર્મિક અને સામાજિક ઉત્સવમાં સહભાગિતા નોંધાવી હતી. તેમણે દાહોદ સ્થિત પારસી કોલોની, દરજી સોસાયટી, દગડુ શેઠ, ગારખાયા તેમજ એમ. જી. રોડ ખાતે સ્થાપિત વિવિધ ગણેશ મંડપો અને પંડાલોની રૂબરૂ મુલાકાત લીધી હતી. આ તકે તેમણે વિઘ્નહર્તા શ્રી ગણેશજીની પ્રતિમા સમક્ષ શીશ નમાવી દર્શન તથા પૂજા-અર્ચના કરી હતી અને સમગ્ર રાજ્યના નાગરિકોના સુખ, શાંતિ, સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.

આ પ્રસંગે રાજ્ય કક્ષાના મંત્રીશ્રી રમેશભાઈ કટારા, સ્થાનિક ધારાસભ્યશ્રી કનૈયાલાલ કિશોરી, દાહોદ નગરપાલિકાના પ્રમુખશ્રીમતી મીનાક્ષીબેન નિનામા, દાહોદ પ્રાંત અધિકારીશ્રી મિલિંદ દવે, મામલતદારશ્રી પ્રદીપસિંહ ગોહિલ, ચીફ ઓફિસરશ્રી દીપસિંહ હઠીલા સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ, સ્થાનિક અગ્રણીઓ તથા ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા.

Share This Article