રાજેશ વસાવે :- દાહોદ
દાહોદ:2022ના ST ઈ-ટિકિટિંગ કૌભાંડ કેસમાં દાહોદના કોંગ્રેસના કોર્પોરેટર સહિત ત્રણની ધરપકડ.!
ચાર વર્ષથી ફરાર સાયબર ક્રાઇમ કેસમાં આણંદ પેરોલ ફર્લોની કાર્યવાહી.!
; 2022ના ST ઈ-ટિકિટિંગ કૌભાંડ કેસમાં 2.16 લાખના ઉચાપત મામલે કાર્યવાહી.!
દાહોદ તા. ૪
દાહોદ નગરપાલિકાના વર્તમાન કોંગ્રેસના કોર્પોરેટર સહિત ત્રણ આરોપીઓને ચાર વર્ષ જૂના ST ઈ-ટિકિટિંગ કૌભાંડ કેસમાં આણંદ જિલ્લા પોલીસની પેરોલ-ફર્લો સ્કોડે દાહોદમાંથી ઝડપી પાડ્યા છે. જેના પગલે રાજકીય વર્તુળોમાં ચર્ચાની સાથે ખળભળાટનો વિષય જવા પામ્યો હતો. નોંધનીય બાબત છે કે વર્ષ 2022માં નોંધાયેલા ST ઓનલાઈન ટિકિટ બુકિંગ અને રિફંડ કૌભાંડમાં આરોપીઓ લાંબા સમયથી ફરાર હતા. પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરીને ત્રણેય આરોપીઓને કાયદેસરની કાર્યવાહી માટે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનને સોંપ્યા છે.
અમદાવાદ વિભાગના પોલીસ મહાનિરીક્ષકના માર્ગદર્શન હેઠળ અને આણંદ જિલ્લા પોલીસ અધિક્ષકના નિર્દેશ મુજબ લાંબા સમયથી ફરાર આરોપીઓને પકડવા માટે વિશેષ કોમ્બિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.આ અભિયાન દરમિયાન આણંદ પેરોલ-ફર્લો સ્કોડે ટેકનિકલ સર્વેલન્સ, હ્યુમન સોર્સ અને બાતમીદારોની મદદથી દાહોદમાં દરોડો પાડી ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસના જણાવ્યા મુજબ વર્ષ 2022માં નોંધાયેલા સાયબર ક્રાઇમના ગુનામાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)ની ઓનલાઈન ટિકિટ બુકિંગ અને કેન્સલેશન પ્રક્રિયામાં ગેરરીતિ આચરી અંદાજે રૂ. 2.16 લાખથી વધુની છેતરપિંડી કરવામાં આવી હતી.આ કેસમાં ભારતીય ન્યાય સંહિતા પૂર્વેની IPC કલમ 409, 420, 34 તેમજ IT Actની કલમ 66(C) અને 66(D) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. જેમાં ઝડપાયેલા આરોપીઓમાં દાહોદ નગરપાલિકાના કોંગ્રેસના હાલના કોર્પોરેટર પ્રહર્ષ ઉર્ફે મુન્નાભાઈ ભરતભાઈ ડીંડોડ, ઉપરાંત મીરાન મહંમદ સફી છીપા અને મહેશકુમાર રામદયાલ અગ્રવાલનો સમાવેશ થાય છે.
પોલીસે ત્રણેય આરોપીઓને દાહોદમાંથી ઝડપી પાડી વધુ કાયદેસરની કાર્યવાહી માટે આણંદ જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનને સોંપ્યા છે.સાયબર ક્રાઇમના આ ચાર વર્ષ જૂના કેસમાં લાંબા સમયથી ફરાર રહેલા આરોપીઓની ધરપકડ બાદ હવે તપાસમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી સામે આવે છે કે કેમ, તેના પર સૌની નજર રહેશે. હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
