રાજેશ વસાવે :- દાહોદ
*જિલ્લા કલેકટરશ્રી સુરભી ગૌતમની અધ્યક્ષતામાં જિલ્લા સ્વાગત ફરિયાદ કાર્યક્રમ યોજાયો*
*જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણમાં નાગરિકોના પ્રશ્નો અંગે અધિકારીઓને જરૂરી માર્ગદર્શન સહિત સુચના આપતા જિલ્લા કલેકટરશ્રી*
દાહોદ તા. ૨૨
જિલ્લા કલેકટરશ્રી સુરભી ગૌતમની અધ્યક્ષતામાં જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો.
જિલ્લા કક્ષાએથી રજૂ થયેલ અરજદારશ્રીઓની કુલ ૧૨ જેટલી અરજીઓ આવી હતી. જેમાંથી ઉપસ્થિત રહેલ અરજદારશ્રીઓની રજૂઆતો સાંભળી તેનો નિકાલ કરવા માટે સંબંધિત અમલીકરણ અધિકારીશ્રીઓને જરૂરી સુચના સહિત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ દરમિયાન અરજદારશ્રીઓ દ્વારા જમીનની ફાઈનલ માપણી, રી-સર્વે રેકોર્ડ સુધારા તથા હદ નિશાની પથ્થર રોપણીની બાકી કામગીરી, નળ સે જલ યોજના અંતર્ગત કામની તપાસ સાથે કમ પૂર્ણ કરવા તેમજ વપરાયેલ ગ્રાન્ટની વિગતનો ખુલાસો આપવા બાબત, નળ સે જલ યોજનામાં પાણી ન આવવા બાબત, સોસાયટીના ડેવલપર્સ તથા બેંક અધિકારીની મિલી ભગતની તપાસ હાથ ધરવા બાબત, દાહોદ શહેરમાં ગેરકાયદેસર બાંધકામો અંગે કાયદેસરની કાર્યવાહી કરવા બાબત, લેન્ડ ગ્રેબિંગ, દાહોદથી ચાકલીયા સુધીનો રોડ નવીન બનાવવા અંગે, ૧૫ માં નાણાપંચન નાણાના દુરુપયોગ કરવા અંગે, ગટરનું કામ કરવા અંગે, અડચણ દુર કરી રસ્તો ખુલ્લો કરવા અંગે તેમજ માતૃશક્તિનો લાભ ન મળવા જેવા પ્રશ્નો રજુ કરવામાં આવ્યા હતા.
જિલ્લા કલેકટરશ્રીએ દરેક અરજી અંગે સંબંધિત વિભાગના અધિકારીઓ પાસેથી વિગતવાર માહિતી મેળવી હતી અને રજૂ થયેલ પ્રશ્નોનો ત્વરિત, પારદર્શક અને નિયમોનુસાર નિકાલ કરવા જરૂરી સૂચનાઓ આપી હતી. આ બેઠકમાં પોલીસ અધિક્ષકશ્રી રવિરાજસિંહ જાડેજા, નિવાસી અધિક કલેકટર શ્રી જે.એમ. રાવલ સહિત સંબંધિત અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦
