લીમખેડા–મંગલ મહુડી વચ્ચે સુપરફાસ્ટ ટ્રેનમાંથી યુવક પટકાતા મોત, રેલવેનો OHE વાયર તૂટતાં રેલવે વ્યવહાર ખોરવાયો,અનેક ટ્રેનો મોડી પડી.!

Editor Dahod Live
2 Min Read

લીમખેડા–મંગલ મહુડી વચ્ચેની ઘટના:સુપરફાસ્ટ ટ્રેનમાંથી યુવક પટકાતા મોત, રેલવેનો OHE વાયર તૂટતાં રેલવે વ્યવહાર ખોરવાયો

લીમખેડા–મંગલ મહુડી વચ્ચેની ઘટના: મૃતદેહનો ભાગ OHE સાથે અથડાતા વાયર તૂટ્યો, સાબરમતી ટ્રેનનો પેન્ટોગ્રાફ ફસાયો; અનેક ટ્રેનો મોડી પડી

રાજેશ વસાવે :દાહોદ 

દાહોદ, તા. 11:

પશ્ચિમ રેલવેના રતલામ મંડળ હેઠળ લીમખેડા અને મંગલ મહુડી વચ્ચે ગઈકાલે રાત્રે ગંભીર અકસ્માત સર્જાયો હતો. સુપરફાસ્ટ ટ્રેનમાંથી એક યુવક નીચે પટકાતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ યુવકનો મૃતદેહ ઇલેક્ટ્રિક પોલ સાથે અથડાયો હતો અને તેના શરીરનો એક ભાગ ઉપરથી પસાર થઈ રહેલા ઓવરહેડ ઇલેક્ટ્રિક (OHE) વાયર સાથે અથડાતાં OHE વાયર તૂટી ગયો હતો.OHE વાયર તૂટી જતાં આ રૂટ પરથી પસાર થઈ રહેલી સાબરમતી ટ્રેનનો પેન્ટોગ્રાફ પણ તેમાં ફસાઈ ગયો હતો, જેના કારણે ટ્રેનને નિર્ધારિત સમય કરતાં વધુ સમય સુધી રોકાવું પડ્યું હતું. ઘટનાની અસર ડાઉન લાઇન પર જોવા મળી હતી અને અનેક ટ્રેનો મોડી પડી હતી.

 

ઘટનાની જાણ થતાં જ રેલવે તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. ગુજરાત રેલવે પોલીસ (GRP) તેમજ રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)ના અધિકારીઓ અને કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. રેલવે તંત્ર દ્વારા OHEની કામગીરી તથા ટ્રેન વ્યવહારને સામાન્ય કરવા માટે કાર્યવાહી કરવામાં આવી હતી.પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મૃતક યુવક વડોદરાના છાયાપુરીથી ઉત્તર પ્રદેશ જવા માટે ટ્રેનમાં સવાર થયો હતો. તેનો ભાઈ તેને ટ્રેનમાં બેસાડ્યા બાદ ઘરે પરત ફર્યો હતો. અકસ્માત બાદ મૃતક પાસેથી મળેલી વિગતોના આધારે પોલીસે તેના પરિવારજનોનો સંપર્ક કરી મૃતકની ઓળખ અંગે તપાસ હાથ ધરી હતી.દરમિયાન ઘટનાની ગંભીરતાને પગલે રતલામ મંડળમાંથી RPFના ઉચ્ચ અધિકારીઓ પણ દાહોદ પહોંચ્યા હતા અને સમગ્ર બનાવ અંગે તપાસ હાથ ધરી હતી. બીજી તરફ ગુજરાત રેલવે પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડ્યો હોવાનું જાણવા મળ્યું છે. જોકે આ સમગ્ર બનાવને પગલે લીમખેડા–મંગલ મહુડી વચ્ચેના રેલવે રૂટ પર થોડા સમય માટે ટ્રેન વ્યવહારને અસર પહોંચી હતી.

Share This Article