રાજેશ વસાવે :- દાહોદ
પોલીસની ઓળખ બતાવી રેન્ટલ એજન્સીનો વિશ્વાસ જીત્યો;ફોર્ચ્યુનર, થાર,બે સ્કોર્પિયો અને સ્વિફ્ટના GPS બંધ કરી ₹42 લાખથી વધુની ઠગાઈનો આક્ષેપ.!
ધાનપુરના કોન્સ્ટેબલનું કાર કૌભાંડ: 5 મોંઘી ગાડીઓ ભાડે લઈ બારોબાર વેચી દીધી.!
દાહોદ તા.13
દાહોદના ધાનપુર પોલીસ મથકમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ સહિત ત્રણ લોકોની ટોળકી સામે મોંઘી કારોના કથિત કૌભાંડનો પર્દાફાશ થયો છે. આરોપીઓએ પોલીસની ઓળખ અને વર્દીનો ઉપયોગ કરીને અમદાવાદની કાર રેન્ટલ એજન્સીનો વિશ્વાસ જીત્યો અને એક પછી એક કુલ 5 મોંઘી ગાડીઓ ભાડે મેળવી લીધી હતી. આ ગાડીઓમાં ફોર્ચ્યુનર, થાર, બે સ્કોર્પિયો અને સ્વિફ્ટનો સમાવેશ થાય છે. ભાડાની મુદત પૂરી થયા બાદ પણ ગાડીઓ પરત ન કરતાં એજન્સીને શંકા ગઈ હતી. તપાસ દરમિયાન તમામ વાહનોના GPS ટ્રેકર બંધ હોવાનું સામે આવ્યું હતું.
*પોલીસ ઓળખપત્ર બતાવી શરૂઆતમાં વિશ્વાસ જીત્યો*
આરોપી કોન્સ્ટેબલ જીતેન્દ્રસિંહ નરેન્દ્રસિંહ સોલંકીએ 6 ફેબ્રુઆરી 2026ના રોજ અમદાવાદની ‘ગો વિથ ઝુપ સર્વિસ પ્રા.લિ.’નો સંપર્ક કર્યો હતો. પોલીસ ઓળખપત્ર અને વર્દીનો ફોટો બતાવી કાયદાકીય તપાસ માટે વાહનની જરૂર હોવાનું જણાવાયું હતું.શરૂઆતમાં ફોર્ચ્યુનર એક મહિના માટે ભાડે લઈ ₹50 હજારનું ઓનલાઈન પેમેન્ટ કરવામાં આવ્યું હતું. આ વ્યવહાર બાદ એજન્સીનો વિશ્વાસ કેળવી અન્ય ચાર વાહનો પણ ભાડે મેળવવામાં આવ્યા હોવાનો આક્ષેપ છે.
*GPS બંધ થતાં સમગ્ર ખેલ પર શંકા ગઈ.*
સમયસર વાહનો પરત ન મળતાં એજન્સીએ તપાસ શરૂ કરી હતી. દરમિયાન પાંચેય વાહનોના GPS ટ્રેકર બંધ હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. આથી સમગ્ર મામલો શંકાસ્પદ બન્યો હતો.પોલીસ ફરિયાદ મુજબ જીતેન્દ્રસિંહે તેના સાથીદારો રુદ્રપાલસિંહ ગોપાલસિંહ સોલંકી અને રાજ નાનુભાઈ ભરવાડ સાથે મળીને ગાડીઓ અન્ય લોકોને વેચી દીધી હોવાનો આક્ષેપ છે. જેમાં ફોર્ચ્યુનર સહિત પાંચ વાહનોના કથિત સોદાથી રેન્ટલ એજન્સીને ₹42 લાખથી વધુનું નુકસાન થયાનું ફરિયાદમાં જણાવાયું છે.
*કપડવંજથી આવેલા એક ફોનથી સમગ્ર કૌભાંડનો ભાંડો ફૂટ્યો.!*
મામલામાં સૌથી મોટો વળાંક 13 ઓગસ્ટે આવ્યો. એજન્સીના માલિકને કપડવંજથી ફોન આવ્યો હતો. ફોન કરનાર વ્યક્તિએ જણાવ્યું કે, “તમારી એજન્સીની ફોર્ચ્યુનર જીતેન્દ્રસિંહ સોલંકીએ મને ₹10 લાખમાં વેચી છે.”આ માહિતી મળતાં એજન્સી સંચાલક ચોંકી ઉઠ્યા હતા. ત્યારબાદ દાહોદ પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો અને તપાસ આગળ વધતા ધાનપુરના કોન્સ્ટેબલ સહિત ત્રણ લોકોની સંડોવણી સામે આવી હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે.આ મામલે દાહોદ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. PSI આઈ.યુ. સુરતી દ્વારા ફરિયાદ નોંધી આરોપીઓને ઝડપી પાડવા તપાસ હાથ ધરવામાં આવી છે.
