*સરકારી માધ્યમિક શાળા બોરવાણી, દાહોદ ખાતે કલેક્ટરસુશ્રી સુરભિ ગૌતમના અધ્યક્ષસ્થાને અલ્પાહાર યોજનાનો કરાયો શુભારંભ*

Editor Dahod Live
2 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

*સરકારી માધ્યમિક શાળા બોરવાણી, દાહોદ ખાતે કલેક્ટરસુશ્રી સુરભિ ગૌતમના અધ્યક્ષસ્થાને અલ્પાહાર યોજનાનો કરાયો શુભારંભ*

દાહોદ, તા. ૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૬

દાહોદ જિલ્લામાં સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત અનેકવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે, ત્યારે વિદ્યાર્થીઓના પોષણ, આરોગ્ય અને શૈક્ષણિક પ્રગતિને પ્રોત્સાહન આપવાના હેતુથી સરકારી માધ્યમિક શાળા, બોરવાણી ખાતે આજે કલેક્ટરસુશ્રી સુરભિ ગૌતમના અધ્યક્ષસ્થાને અલ્પાહાર યોજનાનો વિધિવત્ શુભારંભ કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે કલેક્ટરશ્રીએ ઉપસ્થિત વિદ્યાર્થીઓને અલ્પાહારનું વિતરણ કરી યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે ગુણવત્તાયુક્ત શિક્ષણની સાથે પૂરતું અને પૌષ્ટિક આહાર પણ અત્યંત જરૂરી છે. 

શાળા કક્ષાએ વિદ્યાર્થીઓને પૌષ્ટિક અલ્પાહાર મળી રહે તેનાથી તેમની તંદુરસ્તી જળવાઈ રહેવાની સાથે અભ્યાસમાં એકાગ્રતા અને નિયમિત હાજરીમાં પણ સકારાત્મક અસર જોવા મળશે.

કલેક્ટરશ્રીએ વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરી તેમના અભ્યાસ, શાળાની સુવિધાઓ તેમજ દૈનિક પ્રવૃત્તિઓ અંગે જાણકારી મેળવી હતી. તેમણે વિદ્યાર્થીઓને નિયમિત શાળાએ આવવા, મન લગાવીને અભ્યાસ કરવા તથા સ્વચ્છતા અને આરોગ્ય પ્રત્યે જાગૃત રહેવા પ્રેરણા આપી હતી.

અલ્પાહાર યોજનાના શુભારંભ પ્રસંગે શાળાના શિક્ષકોએ પણ યોજનાના મહત્વ અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. વિદ્યાર્થીઓને સ્વચ્છ અને પૌષ્ટિક અલ્પાહાર મળી રહે તેમજ યોજનાનો લાભ યોગ્ય રીતે મળી રહે તે અંગે જરૂરી વ્યવસ્થાઓની પણ સમીક્ષા કરવામાં આવી હતી.

કાર્યક્રમ દરમિયાન શાળાના આચાર્યશ્રી, શિક્ષકગણ, સંબંધિત અધિકારીશ્રીઓ, કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

00

Share This Article