રાજેશ વસાવે :- દાહોદ
*પ્રધાનમંત્રીશ્રીના જન્મદિવસ નિમિત્તે દાહોદ વૃદ્ધાશ્રમ ખાતે વસ્ત્ર અને પ્રસાદ વિતરણ કાર્યક્રમ યોજાયો*
દાહોદ તા. 17

ભારતના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે ગુજરાત રાજ્યમાં સેવા અને લોકકલ્યાણલક્ષી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
જેના ભાગરૂપે દાહોદ ખાતે “સેવા મેરા યોગદાન” અભિયાન અંતર્ગત વૃદ્ધજનો પ્રત્યે સંવેદના અને સન્માનની ભાવના સાથે વસ્ત્ર તથા પ્રસાદ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.
ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના સમાજ સુરક્ષા ખાતા દ્વારા અનુદાનિત તથા “શાંતિ એકતા ચેરીટેબલ ટ્રસ્ટ, દાહોદ” સંચાલિત નિ:શા વૃદ્ધાશ્રમ, દાહોદ ખાતે આ સેવા પ્રવૃત્તિ યોજાઈ હતી.
આ પ્રસંગે કલેકટરસુશ્રી સુરભિ ગૌતમ દ્વારા વૃદ્ધાશ્રમમાં નિવાસ કરતા વડીલોને વસ્ત્રો તથા પ્રસાદનું વિતરણ કરી તેમના પ્રત્યે આત્મીયતા વ્યક્ત કરવામાં આવી હતી. તેમજ વડીલો સાથે સંવાદ કરી તેમના સુખાકારી અંગે જાણકારી મેળવવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, શ્રી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષશ્રી તથા દેશના યશસ્વી વડાપ્રધાનશ્રીના જન્મદિવસ નિમિત્તે ગુજરાત રાજ્યના ૨૯ જિલ્લાઓમાં આવેલા ૧૩૪ વૃદ્ધાશ્રમોમાં વસ્ત્ર અને પ્રસાદ વિતરણ કરવામાં આવી રહ્યું છે.
મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલએ આ સંદર્ભે વર્ચ્યુઅલ માધ્યમથી ઉપસ્થિત રહી આ સેવાકીય પહેલ દ્વારા સમાજના વડીલો પ્રત્યે આદર, સંવેદના અને સામાજિક જવાબદારીનો સંદેશ આપ્યો હતો.
આ પ્રસંગે નિવાસી અધિક કલેકટરશ્રી જે. એમ. રાવલ એ વડીલોને સમાજનું અમૂલ્ય માર્ગદર્શન અને અનુભવનું ભંડાર ગણાવી તેમની સેવા અને સંભાળ સમાજની સહિયારી જવાબદારી હોવાનું જણાવ્યું હતું.
વૃદ્ધાશ્રમના ટ્રસ્ટીશ્રી દ્વારા વૃદ્ધાશ્રમ હેઠળ ચાલતી તમામ પ્રકારની સવલતો તેમજ અન્ય માહિતી રજૂ કરવામાં આવી હતી. સાથે કાર્યક્રમના અંતે વૃદ્ધજનોના સુખ, સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
આ દરમ્યાન દાહોદ પ્રાંત અધિકારીશ્રી મિલિન્દ દવે, મામલતદારશ્રી ગોહિલ, તેમજ સંબંધિત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
00
