બાબુ સોલંકી :- સુખસર
*ઝાલોદથી સુખસર થઈ સંતરામપુર જતા માર્ગ ઉપર ખાડાઓનું પુરાણ કરવા માંગ*
*સુખસર ખારી નદી પુલ પાસે હાઇવે માર્ગ ઉપર ખાડાઓની ભરમાર:ટુ વ્હીલર વાહનો સ્લીપ થવાની દહેસત*
સુખસર,તા.21
દાહોદ જિલ્લામાં જાહેર માર્ગોની મરામત માટે સરકાર દ્વારા લાખો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે.પરંતુ કેટલાક માર્ગો ઉપર લાંબા સમયથી ખાડા પડી ગયેલ હોવા છતાં તેની મરામત કામગીરી નહીં કરાતા વાહન ચાલકો મુશ્કેલી ભોગવી રહ્યા છે.અને તેવી જ રીતે ઝાલોદથી સુખસર થઇ સંતરામપુર જતા હાઇવે માર્ગ ઉપર કેટલીક જગ્યા ઉપર મોટા મોટા ખાડાઓ પડવા છતાં તેમાં કાંકરી પુરાણ કરી રોડની મરામત કામગીરી કરવામાં આવેલ હોવાનો સંતોષ માની લેવામાં આવતો હોવાનું જોવા મળે છે.તેવું જ સુખસરમાં ખારી નદીના પુલ પાસે મોટા ખાડાઓ લાંબા સમયથી પડેલ હોવા છતાં પણ તંત્ર દ્વારા માત્ર કાંકરા પુરાણ કરતા તે બે પાંચ દિવસમાં ફરીથી ખાડા પડવાની શરૂઆત થઈ જતા વાહન ચાલકો લાંબા સમયથી મુશ્કેલી ભોગવતા આવ્યા હોવાનું નજરે જોતા જણાઈ આવે છે. 
જાણવા મળેલ માહિતી મુજબ ઝાલોદથી સુખસર થઈ સંતરામપુર જતા હાઇવે માર્ગ પર અનેક જગ્યાઓ પર નાના-મોટા ખાડા પડેલા છે.અને કેટલીક જગ્યા ઉપર રીપેરીંગ કામગીરી કરવા માં આવેલ છે.જ્યારે અનેક જગ્યાઓ પર ખાડાઓ પુરાણ નહીં કરાતા હાઇવે માર્ગને ધ્યાનમાં રાખીને પસાર થતાં ટુ-ફોર વ્હિલર વાહન ચાલકોના વાહનો ને નુકસાન સહિત વાહનમાં સવાર લોકો શારીરિક ઈજાઓના શિકાર બની રહ્યા છે. જ્યારે સુખસરમાં ખારી નદીના પુલ પાસે ગત બે વર્ષ અગાઉ નવીન રોડ અને પુલની કામગીરી કરવામાં આવેલ છે અને આ પુલની પાસે જ છેલ્લા એક વર્ષથી ખાડાઓ પડવાની શરૂઆત થઈ ચૂકેલી છે અને આ ખાડાઓમાં તંત્ર દ્વારા માત્ર કાકરા પુરાણ કરી સંતોષ માનવામાં આવે છે ત્યારે આ કાંકરા એકાદ બે દિવસ બાદ ખસી જતા ફરીથી ખાડાઓ પડે છે અને જ્યારે કોઈ પણ વાહન ચાલક હાઇવે માર્ગને ધ્યાનમાં રાખી પોતાના વાહન ચલાવે ત્યારે અકસ્માત થવાનો ભય પણ સતાવી રહ્યો છે ત્યારે સુખસરમાં ખારી નદી પુલ પાસે વારંવાર પડતા ખાડાઓમાં કાકરી સાથે ડામર દ્વારા રીપેરીંગ કરવામાં આવે તે તે પ્રત્યે માર્ગ અને મકાન વિભાગ દ્વારા ધ્યાન આપવામાં આવે તે ખાસ જરૂરી જણાઈ રહ્યું છે.
